Corona Vaccine: આ જાણીતા દેશના રાષ્ટ્રપતિએ કહ્યું- હું રાષ્ટ્રવ્યાપી ફરજીયાત રસીકરણના વિરોધમાં છું, જાણો વિગતે
પુતિને કહ્યું કે, રશિયામાં ફરીથી લોકડાઉન નહીં લગાવવું પડે તેવી આશઆ છે. તાજેતરમાં રશિયામાં કોરોના મામલામાં ઉછાળો જોવા મળ્યો છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી સામે વિશ્વમાં રકસીકરણનું કામ ચાલી રહ્યું છે. અનેક દેશોના વડાઓ પણ રસી લઈ ચુક્યા છે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી એએફપીના ટ્વીટ મુજબ, પુતિને તેઓ દેશભરમાં ફરજીયાત રસીકરણના વિરુદ્ધમાં હોવાનું જણાવ્યું છે.
પબ્લિસિટી વગર રાષ્ટ્રપતિ લઈ ચુક્યા છે બંને ડોઝ
આ ઉપરાંત તેમણે કહ્યું કે, તેઓ સ્પુતનિક-વીના બંને ડોઝ લઈ ચુક્યા છે. જેનો ખુલાસો હવે થયો છે. 68 વર્ષીય પુતિને માર્ચ, એપ્રિલમાં જ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હતા. જોકે આ અંગે રશિયન સરકાર દ્વારા કોઈ વીડિયો કે ફોટો જાહેર કરવામાં આવ્યા નહોતા. તેના આ નિવેદન બાદ સ્પુતનિક-વી તરફથી પણ ટ્વીટ કરીને જાણકારી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિએ સ્પુતનિક વી લીધાની વાત કરી છે. જેનાથી તેમની હાઇલેવલ એન્ટીબોડી પણ બની છે.
#BREAKING Putin says he is against nationwide mandatory vaccinations pic.twitter.com/SSZbg7td2c
— AFP News Agency (@AFP) June 30, 2021
દેશમાં ફરીથી લોકડાઉન નહીં લગાવવું પડે
આજે પુતિને કહ્યું કે, રશિયામાં ફરીથી લોકડાઉન નહીં લગાવવું પડે તેવી આશા છે. તાજેતરમાં રશિયામાં કોરોના મામલામાં ઉછાળો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે રશિયાની સ્પુતનિક વી કોરોના સામે રજિસ્ટર થનારી સૌથી પહેલી વેક્સિન છે. તે 91 ટકા કરતા વધારે કારગર છે. ભારતમાં ડો.રેડ્ડી લેબ અને સ્પુતનિક સાથે મળીને રસી બનાવી રહ્યા છે. ભારતમાં તેનું પ્રોડક્શન પણ શરૂ થઈ ગયું છે અને ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.
ભારતમાં કોરાના સંક્રમણ મામલા સતત ઘટી રહ્યા છે. જોકે આજે ગઈકાલની સરખામણીએ થોડા વધુ કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 45,951 કેસ નોંધાયા હતા અને 817 લોકોના મોત થયા હતા. જ્યારે 60729 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈકાલે દેશમાં 37,566 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 907 લોકોના મોત થયા છે, જ્યારે 56994 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાથી મૃતકોની સંખ્યા એક હજારથી ઓછી નોંધાઈ છે.
દેશમાં સતત 48મા દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે.