Pakistan: બલૂચિસ્તાનમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એરબેઝ પર હુમલો, ચાર આતંકીઓ ઠાર
Pakistan: એક રિપોર્ટ અનુસાર, સોમવારે રાત્રે આતંકવાદીઓએ તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ (TUK) અને પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન PNS સિદ્દીક પર હુમલો કર્યો હતો
Pakistan: આતંકવાદીઓએ સોમવારે રાત્રે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નેવલ એર બેઝ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાની સુરક્ષા દળોએ નેવલ એરબેઝ પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો અને ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હુમલામાં સિદ્દીક એરબેઝને કોઈ નુકસાન થયું નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે જ્યારે આતંકવાદીઓએ બલૂચિસ્તાનના તુર્બત જિલ્લામાં નેવલ એરબેઝમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો ત્યારે તરત જ તેમની ઓળખ કરી લેવામાં આવી હતી અને તેમને ઠાર મારવામાં આવ્યા હતા. જો કે આ ઘટના અંગે પાકિસ્તાની સેનાએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી.
Pakistan second-largest naval air station PNS Siddique in Turbat under attack
— ANI Digital (@ani_digital) March 25, 2024
Read @ANI Story | https://t.co/qZfGjPgk7O#Pakistan #Turbat #PNSSiddique pic.twitter.com/DqMR2VnNQS
એક રિપોર્ટ અનુસાર, સોમવારે રાત્રે આતંકવાદીઓએ તુર્બત ઇન્ટરનેશનલ એરપોર્ટ (TUK) અને પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન PNS સિદ્દીક પર હુમલો કર્યો હતો. બંન્ને સ્થળો પર ભારે ગોળીબાર અને વિસ્ફોટના અહેવાલ છે. ન્યૂઝ એજન્સી એએનઆઈએ ધ બલૂચિસ્તાન પોસ્ટને ટાંકીને કહ્યું કે તુર્બતમાં પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર સ્ટેશન PNS સિદ્દીક પર આતંકી હુમલો થયો છે. આ વિસ્તારમાં અનેક વિસ્ફોટના પણ અહેવાલ છે. આતંકવાદી હુમલા બાદ આરોગ્ય અધિકારીઓએ તુર્બતની હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી છે અને તમામ ડોક્ટરોને તાત્કાલિક ફરજ પર હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.
BLAના માજિદ બ્રિગેડે હુમલાની જવાબદારી લીધી હતી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પ્રતિબંધિત બલૂચિસ્તાન લિબરેશન આર્મી (BLA)ના માજિદ બ્રિગેડે તુર્બતમાં નેવલ એરબેઝ પર થયેલા હુમલાની જવાબદારી લીધી છે. માજિદ બ્રિગેડ બલૂચિસ્તાન પ્રાંતમાં ચીનના રોકાણનો વિરોધ કરે છે. સંગઠનનો આરોપ છે કે ચીન અને પાકિસ્તાન ક્ષેત્રના સંસાધનોનો દુરુપયોગ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BLAએ દાવો કર્યો છે કે તેના ઘણા ફાઇટર્સ એરબેઝમાં ઘૂસી ગયા છે. આ એરબેઝ પર ચીની ડ્રોન પણ તૈનાત છે.
ગ્વાદર બંદર પર 20 માર્ચે હુમલો થયો હતો
આ પહેલા 20 માર્ચે BLAની માજિદ બ્રિગેડે બલૂચિસ્તાનમાં સ્થિત ગ્વાદર પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં આતંકી હુમલો કર્યો હતો, જેમાં બે પાકિસ્તાની સૈનિકો અને 8 આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાએ એક નિવેદનમાં કહ્યું હતું કે આઠ આતંકવાદીઓએ પોર્ટ ઓથોરિટી કોમ્પ્લેક્સમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સુરક્ષા દળોએ આ હુમલાને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો.
ચીનની ભાગીદારીમાં બનેલ ગ્વાદર પોર્ટ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) માટે મહત્વપૂર્ણ છે. જેમાં અબજો ડોલરના રોડ અને એનર્જી પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. તે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ (BRI)નો પણ એક ભાગ છે.