Russia-Ukraine War: 'યુક્રેનમાથી રશિયા બહાર નીકળે', સંયુક્ત રાષ્ટ્રમાં યુદ્ધ વિરુદ્ધ પ્રસ્તાવ પાસ, ભારત મતદાનથી રહ્યુ દૂર
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ગુરુવારે (23 ફેબ્રુઆરી) યુક્રેન સંબંધિત એક ઠરાવને મંજૂરી આપી છે
Russia-Ukraine War: યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી એ ગુરુવારે (23 ફેબ્રુઆરી) યુક્રેન સંબંધિત એક ઠરાવને મંજૂરી આપી છે. જેમાં રશિયાને યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવા અને પોતાના સૈન્યને પરત ખેંચવા માટે કહેવામાં આવ્યું છે. આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે શુક્રવારે યુક્રેન પર રશિયન આક્રમણની શરૂઆતને એક વર્ષ પૂર્ણ થયું છે.
#BREAKING The United Nations votes to demand Russia 'immediately' withdraw from Ukraine pic.twitter.com/T2VyiKO1L5
— AFP News Agency (@AFP) February 23, 2023
યુક્રેનના આ પ્રસ્તાવને તેના સહયોગીઓની મદદથી બનાવવામાં આવ્યો હતો, જેને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 141-7થી પસાર કરવામાં આવ્યો હતો. ભારત અને ચીન આ પ્રસ્તાવ દરમિયાન વોટિંગથી દૂર રહ્યા હતા.
યુક્રેનના વિદેશ મંત્રીએ શું કહ્યું?
યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ જણાવ્યું હતું કે આ ઠરાવ એ વાતનો પુરાવો છે કે માત્ર પશ્ચિમ દેશો જ નહીં પરંતુ અન્ય દેશ પણ તેમને સમર્થન આપે છે. કુલેબાએ કહ્યું હતું કે સમર્થન ખૂબ વ્યાપક છે અને તે મજબૂત રહેશે." આ મત એ દલીલને નકારી કાઢે છે કે ગ્લોબલ સાઉથ યુક્રેનની તરફેણમાં નથી કારણ કે લેટિન અમેરિકા, આફ્રિકા, એશિયાનું પ્રતિનિધિત્વ કરતા ઘણા દેશોએ આજે તરફેણમાં મતદાન કર્યું હતું.
વિરૂદ્ધ મતદાન કરનારા સાત દેશોમાં બેલારુસ, માલી, નિકારાગુઆ, રશિયા, સીરિયા, ઉત્તર કોરિયા અને ઇરિટ્રિયા હતા. રશિયાના સાથી બેલારુસે તેમાં સુધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ફગાવી દેવાયો હતો.
જો કે, ગયા વર્ષે 24 ફેબ્રુઆરી, 2022 ના રોજ યુક્રેન હુમલા પછી રશિયા વિરુદ્ધ છેલ્લા પાંચ ઠરાવોમાં આ સૌથી વધુ મતદાન નથી. આ પહેલા ઓક્ટોબરમાં લાવવામાં આવેલા ઠરાવમાં રશિયાના ગેરકાયદે કબજા વિરુદ્ધનો ઠરાવ 143 મતોના સમર્થન સાથે પસાર કરવામાં આવ્યો હતો.
બે દિવસ સુધી ચર્ચા ચાલી
સામાન્ય સભામાં બે દિવસ સુધી આ ઠરાવ પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં 75 થી વધુ દેશોના વિદેશ મંત્રીઓ અને રાજદ્વારીઓએ સંબોધન કર્યું હતું. જેમાં યુક્રેનની પ્રાદેશિક અખંડિતતા જાળવવાના સમર્થનમાં જોરદાર અવાજ ઉઠાવવામાં આવ્યો હતો.
હુમલાના એક વર્ષ પછી
રશિયાએ 24 ફેબ્રુઆરી, 2022ના રોજ યુક્રેનમાં પોતાની સેના મોકલીને અભિયાનની શરૂઆત કરી હતી, જે હજુ પણ ચાલુ છે. અત્યાર સુધી યુદ્ધમાં બંને તરફથી હજારો લોકો માર્યા ગયા છે. યુક્રેનના ઘણા શહેરો ખંડેર બની ગયા છે. યુદ્ધના કારણે સમગ્ર વિશ્વમાં ખાદ્યપદાર્થો અને ઈંધણના ભાવમાં વધારો થયો છે.
દરખાસ્ત પર ચર્ચા દરમિયાન જર્મનીના વિદેશ પ્રધાને એવા દેશોને પ્રશ્નો પૂછ્યા જે દાવો કરે છે કે પશ્ચિમ આ આગમાં બળતણ ઉમેરી રહ્યું છે. તેમણે જનરલ એસેમ્બલીને કહ્યું, "પશ્ચિમને યુદ્ધ નથી જોઈતું. તેના બદલે તે શાળાઓને ઠીક કરવા, આબોહવા કટોકટી સામે લડવા અથવા સામાજિક ન્યાયને મજબૂત કરવા પર તેની તમામ શક્તિ અને નાણાં કેન્દ્રિત કરવા માંગે છે, પરંતુ સત્ય એ છે કે રશિયા લડવાનું બંધ કરી દે તો આ યુદ્ધ સમાપ્ત થઇ જશે અને યુક્રેને લડવાનું બંધ કર્યું તો યુક્રેન ખત્મ થઇ જશે.