IND vs ENG, 5th Test: બેયરસ્ટો - રુટે ઈંગ્લેન્ડને અપાવી ઐતિહાસિક જીત, ઈંગ્લેન્ડે ડ્રો કરાવી ટેસ્ટ સીરીઝ...
ટેસ્ટ મેચના પાંચમા દિવસે ઈંગ્લેન્ડે એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે ભારત સામે ઈતિહાસ રચ્યો હતો. આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને સાત વિકેટે હરાવ્યું હતું.
IND vs ENG, Match Highlights: ટેસ્ટ મેચના પાંચમા દિવસે ઈંગ્લેન્ડે એજબેસ્ટન, બર્મિંગહામ ખાતે ભારત સામે ઈતિહાસ રચ્યો હતો. આ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાને સાત વિકેટે હરાવ્યું હતું. આ સાથે પાંચ મેચોની શ્રેણી 2-2થી ડ્રો થઈ ગઈ હતી. ભારતે ઈંગ્લેન્ડને 378 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને યજમાન ટીમે માત્ર ત્રણ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ઇંગ્લેન્ડ તરફથી બીજી ઇનિંગ્સમાં જો રૂટ અને જોની બેયરસ્ટોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રૂટે 142 રન બનાવ્યા અને બેયરસ્ટોએ 114 રનની અણનમ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી. ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં આ સાથે સૌથી મોટા ટ્રાર્ગેટનો પીછો કરીને આ ઐતિહાસિક જીત મેળવી છે.
ચોથા દિવસે શું થયુંઃ
ચોથા દિવસે ભારતની બીજી ઈનિંગ 245 રનમાં સમેટાઈ હતી. પૂજારાએ સર્વાધિક 66 રન બનાવ્યા હતા. પંતે 57 રનનું યોગદાન આપ્યું હતું. બેન સ્ટોક્સે 33 રનમાં 4 વિકેટ લીધી હતી. પોટ્સ અને બ્રોડને 2-2 તથા એન્ડરસર અને લીચને 1-1 વિકેટ મળી હતી. મેચ જીતવા 378 રનના પડકારને હાંસલ કરવા મેદાને ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે ચોથા દિવસના અંતે 3 વિકેટના નુકસાન પર 259 રન બનાવી લીધા હતા. એલેક્લ લીસે 56, ઝેક ક્રાઉલીએ 46 રન બનાવ્યા હતા. જો રૂટ 76 અને બેયરસ્ટો 72 રને રમતમાં હતા. ભારત તરફથી કેપ્ટન જસપ્રીત બુમરાહે 2 વિકેટ લીધી હતી.
ઈંગ્લેન્ડે પ્રથમ વખત આટલા મોટા લક્ષ્યનો પીછો કર્યો
ભારત સામે રમાયેલી એજબેસ્ટન ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધીના પોતાના સૌથી મોટા રનનો પીછો કર્યો છે. ઇંગ્લેન્ડે આ પહેલા ક્યારેય ટેસ્ટમાં 360 રનથી વધુના લક્ષ્યનો પીછો કર્યો ન હતો. તે જ સમયે, ભારત સામે પ્રથમ વખત, કોઈપણ ટીમે 340 રનથી વધુના લક્ષ્યનો પીછો કર્યો હતો.
ભારતનું પ્રદર્શનઃ
પહેલી ઈનિંગમાં ઋષભ પંતના શતક સાથે ભારતે કુલ 416 રન બનાવ્યા હતા જેની સામે ઈંગ્લેન્ડે ફક્ત 284 રન બનાવ્યા હતા. ત્યાર બાદ બીજી ઈનિંગમાં ચેતેશ્વર પુજારા અને ઋષભ પંતની શાનદાર ઈનિંગ સાથે ભારતે કુલ 245 રન બનાવ્યા હતા. આમ ઈંગ્લેન્ડને જીત માટે 378 રનનો લક્ષ્યાંક મળ્યો હતો.