IND vs SA 3rd ODI: ત્રીજી વન ડેમાં ક્લીન સ્વીપથી બચવા મેદાનમાં ઉતરશે ભારત, ટીમમાં થઈ શકે છે ચાર બદલાવ
IND vs SA 3rd ODI Today: પ્રથમ બે મેચમાં કેપ્ટનશિપ ઉપરાંત બેટિંગમાં પણ રાહુલે નિરાશ કર્યા. તે સ્ટ્રાઇક રોટેટ કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
IND vs SA: પ્રથમ બે મેચ હાર્યા બાદ હવે ક્લીન સ્વીપથી બચવા પ્રયાસ કરી રહેલી ભારતીય ટીમ આજે દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં કેટલાક ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. પ્રથમ બે મેચમાં ભારતીય ટીમની રણનીતિ સંપૂર્ણપણે નિષ્ફળ રહી હતી. બેટ્સમેનો મધ્ય ઓવરોમાં મોટી ભાગીદારી કરવામાં નિષ્ફળ રહ્યા હતા જ્યારે જસપ્રીમ બુમરાહને બાદ કરતા બાકીના ભારતીય બોલરોએ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું અને તેમની બોલિંગ ક્લબ-ક્લાસ દેખાતી હતી. આ બંને મેચમાં ભારતીય બોલરો માત્ર સાત વિકેટ લઈ શક્યા હતા. પ્રથમ મેચમાં ચાર અને બીજી મેચમાં ત્રણ વિકેટ ઝડપી હતી.
ભારતીય બોલરો આફ્રિકાના બેટ્સમેનોને કાબુમાં ન રાખી શક્યા
રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી બોલરો અને ખાસ કરીને ભુવનેશ્વર કુમાર રાસી વેન ડેર ડુસેન, જાનેમન મલાન અને ક્વિન્ટન ડી કોક જેવા દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને પડકાર ફેંકી શક્યા નહીં. પ્રથમ બે મેચની નિષ્ફળતા પછી તમામ વ્યૂહાત્મક ચાલ માટે મુખ્ય કોચ રાહુલ દ્રવિડ આગામી મેચમાં આક્રમણને સુધારવા માટે જયંત યાદવ અને દીપક ચહરનો પ્રયાસ કરી શકે છે.
આ ખેલાડીઓની થઈ શકે છે છુટ્ટી
પ્રથમ બે મેચમાં ફ્લોપ રહેલા શ્રેયસ અય્યરને આગામી મેચમાં પડતો મૂકવામાં આવી શકે છે. આ સિવાય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર, સિનિયર સ્પિનર યુઝવેન્દ્ર ચહલને આગામી મેચમાં પડતાં મુકવામાં આવી શકે છે. નિષ્ણાતોનું માનીએ તો જસપ્રીત બુમરાહને પણ આગામી મેચમાં આરામ આપવામાં આવી શકે છે. ત્રીજી વનડેમાં ટીમ ઈન્ડિયા 4 થી 5 ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.
આ યુવાનોને તક મળી શકે છે
યુવા બેટ્સમેન રૂતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનને છેલ્લી મેચમાં રમવાની તક આપવામાં આવી શકે છે. આ સિવાય યુવા બોલર પ્રસિદ્ધ કૃષ્ણા વનડેમાં ડેબ્યૂ કરી શકે છે. ચહલની જગ્યાએ સ્પિનર જયંત યાદવને તક આપવામાં આવી શકે છે. જો બુમરાહને આરામ આપવામાં આવે છે તો દીપક ચહર પણ છેલ્લી વનડેમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.