શુભમન ગિલે ફરી બતાવ્યો બેટિંગ પાવર, T20 મેચમાં 55 બોલમાં બનાવ્યા 126 રન - Video
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ 1 માં ભારતનો યુવા બેટ્સમેન શુભમન ગિલ પંજાબ તરફથી રમી રહ્યો છે.
Syed Mushtaq Ali Trophy 2022 Quarter Final 1: સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ 1 માં ભારતનો યુવા બેટ્સમેન શુભમન ગિલ પંજાબ તરફથી રમી રહ્યો છે. ત્યારે કર્ણાટક સામે રમાયેલી મેચમાં શુભમન ગિલે ફરી પોતાનો બેટિંગ પાવર બતાવતાં તોફાની સદી ફટકારી હતી.
શુભમન ગિલે કર્ણાટક સામેની મેચમાં 55 બોલમાં 126 રનની ઇનિંગ રમી હતી, જેમાં 11 ફોર અને 9 સિક્સનો સમાવેશ થાય છે.. શુભમને 229.09ના સ્ટ્રાઈક રેટ સાથે વિસ્ફોટક બેટિંગ કરીને બોલરોને ખરાબ રીતે ધોયા હતા. શુભમન ગિલની ઈનિંગના આધારે પંજાબે 20 ઓવરમાં 4 વિકેટે 225 રન બનાવ્યા હતા.
એક સમયે પંજાબની 2 વિકેટ માત્ર 10 રનમાં જ પડી ગઈ હતી, ત્યાર બાદ ગિલ ક્રિઝ પર ટકી રહ્યો અને તોફાની સદી ફટકારીને ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી. ગિલના 126 રન ઉપરાંત અનમોલપ્રીત સિંહે 43 બોલમાં 59 રન બનાવ્યા હતા. બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 151 રનની ભાગીદારી થઈ હતી, જેણે ટીમને 225 રન સુધી લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
સદી ફટકાર્યા બાદ સાથી ખેલાડીઓએ અભિવાદન કર્યુંઃ
જ્યારે શુભમન ગિલે સદી ફટકારી ત્યારે તે ડ્રેસિંગ રૂમ તરફ ઝૂકીને પોતાના સાથી ખેલાડીઓની શુભેચ્છા સ્વીકારતો જોવા મળ્યો હતો, બીસીસીઆઈએ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. શુભમનની સદી પર, આખો ડ્રેસિંગ રૂમ જુમી ઉઠ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં શુભમને 49 બોલમાં સદી ફટકારીને કમાલ બતાવ્યો હતો. ટી20 ફોર્મેટમાં શુભમન ગિલની આ પ્રથમ સદી છે.
The crisis man under pressure, Shubman Gill. pic.twitter.com/QYgkNkplcr
— Johns. (@CricCrazyJohns) November 1, 2022
ન્યુઝિલેન્ડ સામે રમતો જોવા મળશે શુભમનઃ
તમને જણાવી દઈએ કે, ગિલને T20 વર્લ્ડ કપની ટીમમાં સ્થાન નથી મળ્યું, પરંતુ તેને ન્યુઝીલેન્ડ સામેની સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. ગિલ ન્યુઝીલેન્ડ સામે રમાનારી ટી-20 અને વનડે સીરિઝમાં રમતો જોવા મળશે. પરંતુ બીજી તરફ બાંગ્લાદેશ સામેની ટીમ ઈન્ડિયાની વનડે સીરિઝમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. આ સિવાય બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ સીરિઝમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે રમતો જોવા મળશે.