SRH vs LSG: હૈદરાબાદે લખનૌને 10 વિકેટે હરાવ્યું; 58 બોલમાં 166 રનનો લક્ષ્યાંક ચેજ કર્યો
SRH vs LSG: સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું છે. લખનૌએ બેટિંગ કરતા 165 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. SRHના બેટ્સમેનોએ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે 10 ઓવર પણ ખર્ચી ન હતી.
SRH vs LSG: સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને 10 વિકેટે હરાવ્યું છે. લખનૌએ બેટિંગ કરતા 165 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. SRHના બેટ્સમેનોએ આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે 10 ઓવર પણ ખર્ચી ન હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા વચ્ચે 167 રનની ભાગીદારી થઈ હતી. ટ્રેવિસ હેડે 30 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી, આ દરમિયાન તેણે 8 ફોર અને 8 સિક્સર ફટકારી હતી. બીજી તરફ અભિષેક શર્માએ માત્ર 28 બોલમાં 75 રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. બંનેએ પહેલી જ ઓવરથી જ વિસ્ફોટક રીતે છગ્ગા અને ચોગ્ગા મારવાનું શરૂ કરી દીધું હતું. હૈદરાબાદે 62 બોલ બાકી રાખીને અને 10 વિકેટથી મેચ જીતી લીધી હોવાથી, તેની LSGના નેટ રન-રેટ પર ખૂબ જ ખરાબ અસર પડી છે.
WHAT. A. CHASE 🧡
— IndianPremierLeague (@IPL) May 8, 2024
A 🔟-wicket win for @SunRisers with more than 🔟 overs to spare!
Scorecard ▶️ https://t.co/46Rn0QwHfi#TATAIPL | #SRHvLSG pic.twitter.com/kOxzoKUpXK
166 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ ચોથી ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી લીધો હતો અને પાવરપ્લે ઓવરના અંત સુધીમાં ટીમનો સ્કોર 107 રન થઈ ગયો હતો. એક તરફ ટ્રેવિસ હેડે 16 બોલમાં પોતાની અર્ધસદી પૂરી કરી તો બીજી તરફ અભિષેક શર્માએ 19 બોલ રમીને પોતાની અડધી સદી પૂરી કરી. હેડ અને અભિષેક આજ બોલરોને બરાબરનો પાઠ ભણાવવા મેદાનમાં ઉતર્યા હતા. હૈદરાબાદની ઇનિંગમાં 10 ઓવર પણ પુરી ફેંકવામાં આવી ન હતી. તેમાંથી 7 ઓવર એવી હતી જેમાં 15 કે તેથી વધુ રન થયા હતા.
લખનૌ સુપર જાયન્ટ્સએ હૈદરાબાદને આપ્યો હતો 166 રનનો ટાર્ગેટ
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. તેમની ટીમ પહેલા બેટિંગ કરતા માત્ર 165 રન જ બનાવી શકી છે. શરૂઆતની ઓવરોમાં ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગે LSGને બેકફૂટ પર ધકેલી દીધી હતી. આવી સ્થિતિમાં કેએલ રાહુલ અને કૃણાલ પંડ્યા વચ્ચે 36 રનની નાની પરંતુ મહત્વપૂર્ણ ભાગીદારી થઈ હતી અને આ ભાગીદારીએ લખનૌને મેચમાં વાપસી કરવામાં ઘણી મદદ કરી હતી. એલએસજી તરફથી સૌથી વધુ રન આયુષ બદોનીએ બનાવ્યા હતા, જેણે 30 બોલમાં 55 રનની તોફાની ઇનિંગ રમી હતી. નિકોલસ પુરને પણ 26 બોલમાં 48 રનની મહત્વની ઈનિંગ રમીને લખનૌના સ્કોરને 160ની પાર લઈ ગયો હતો.
LSG પાવરપ્લે ઓવરોમાં સંઘર્ષ કરતી દેખાઈ, કારણ કે ટીમ 2 વિકેટના નુકસાન પર માત્ર 27 રન જ બનાવી શકી હતી. ટીમની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે લખનૌના બેટ્સમેનો પ્રથમ 10 ઓવરમાં માત્ર 57 રન જ બનાવી શક્યા હતા. 6 કરતા ઓછો રન રેટ જોઈને એવું લાગતું હતું કે LSG કદાચ 130 રનનો આંકડો પણ પાર કરી શકશે નહીં. કેએલ રાહુલ 10મી ઓવરમાં 29 રન બનાવીને આઉટ થયો હતો. માત્ર 8 બોલ બાદ કૃણાલ પંડ્યા પણ 24 રનના સ્કોર પર આઉટ થયો હતો. પરંતુ અહીંથી લખનૌની ઇનિંગ્સ બદલાવાની હતી. નિકોલસ પુરન અને આયુષ બદોની વચ્ચે 99 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. 15 ઓવરમાં ટીમે 4 વિકેટ ગુમાવીને 102 રન બનાવ્યા હતા. છેલ્લી 5 ઓવરમાં 63 રન આવ્યા, જેના કારણે લખનૌ 165 રનના સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યું.