GT vs RR: રાજસ્થાનની ઈનિંગનો છેલ્લો બોલ બંને ટીમોને ભારે પડ્યો, રનની સાથે વિકેટો પણ પડી
આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે સીઝનની પહેલી ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે.
GT vs RR: આજે કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે સીઝનની પહેલી ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. આ મેચમાં ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. પહેલાં બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમના બેટ્સમેનોએ શાનદાર બેટિંગ કરી હતી. રાજસ્થાને ગુજરાતને જીતવા માટે 189 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કેપ્ટન સંજુ સેમસને 26 બોલમાં 47 રનની તોફાની ઈનિંગ રમી હતી. આ સાથે દેવદત્ત પડિકલે પણ 20 બોલમાં 28 રન બનાવ્યા હતા.
છેલ્લા બોલ પર બટલર રન આઉટઃ
રાજસ્થાનની ઈનિંગની છેલ્લી ઓવરમાં યશ દયાલ બોલિંગ કરવા આવ્યો હતો. આ ઓવરમાં જોસ બટલર અને રિયાન પરાગ બેટિંગ કરી રહ્યા હતા. આ ઓવરના ત્રીજા બોલ પર બટલરે એક સિક્સર લગાવી હતી. ત્યાર બાદ ઓવરના અંતિમ બોલ પર ભારે રસાકસી થઈ હતી. છેલ્લા બોલ પર જોસ બટલરે બોલને ફટકાર્યો હતો અને બે રન લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ બટલર બીજો રન દોડતાં રન આઉટ થયો હતો. જો કે, એમ્પાયરે આ બોલને નો બોલ જાહેર કર્યો હતો. આમ છેલ્લા બોલ પર બટલર રન આઉટ થયો છતાં એક બોલ બાકી રહ્યો હતો.
છેલ્લા બોલ પર રિયાન પરાગ રન આઉટઃ
બટલર આઉટ થયા બાદ આર. અશ્વિન બેટિંગ કરવા આવ્યો હતો. પછી યશ દયાલે ઓવરનો છેલ્લો બોલ ફરીથી નાખ્યો હતો પરંતુ આ બોલ વાઈડ પડ્યો હતો અને રાજસ્થાનને એક રન વધુ મળ્યો હતો. પરંતુ આ દરમિયાન રિયાન પરાગે ક્રિઝ છોડી દીધી હતી અને તે રન આઉટ થયો હતો. આમ રાજસ્થાનની વધુ એક વિકેટ પડી ગઈ હતી. ત્યાર બાદ બોલ્ટ બેટિંગ કરવા આવ્યો હતો. હજી છેલ્લી ઓવરનો છેલ્લો બોલ બાકી હતો. હવે યશ દયાલે છેલ્લો બોલ ફેંક્યો હતો જેને અશ્વિને ફટકાર્યો હતો અને બે રન મેળવ્યા હતા. આમ છેલ્લા બોલને રમવા જતાં રાજસ્થાનની બે વિકેટ પડી હતી અને ગુજરાતે રાજસ્થાનને રન અપાવ્યા હતા.