Raksha Bandhan 2024: કોણ છે ભદ્રા જેના ડરથી બહેનો ભાઈને રાખડી નથી બાંધતી? રક્ષાબંધન પર શું રહેશે તેનો સમય
Raksha Bandhan 2024: આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ એટલે કે કાલે ઉજવવામાં આવશે. પરંતુ આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પ્રભાવ પણ રહેવાનો છે.
Raksha Bandhan 2024: દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો પોતાના ભાઈની કાંડે રાખડી એટલે કે એક રક્ષા સૂત્ર બાંધે છે અને તેના માટે મંગલકામના કરે છે. બદલામાં ભાઈ પોતાની બહેનને રક્ષાનું વચન આપે છે. આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર 19 ઓગસ્ટ એટલે કે કાલે ઉજવવામાં આવશે. પરંતુ આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો પ્રભાવ પણ રહેવાનો છે. શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધવી વર્જિત માનવામાં આવી છે. આવો જાણીએ કે ભદ્રા કોણ છે અને રક્ષાબંધન પર ભદ્રાનો પ્રભાવ ક્યારથી ક્યાં સુધી રહેશે.
રક્ષાબંધન પર ભદ્રાકાળ 19 ઓગસ્ટની રાત્રે 02.21 વાગ્યાથી બપોરે 01.30 વાગ્યા સુધી રહેવાનો છે. રક્ષાબંધન પર સવારે 09.51થી 10.53 સુધી ભદ્રા પુંછ રહેશે. પછી 10.53થી 12.37 સુધી ભદ્રા મુખ રહેશે. બપોરે 01.30 વાગ્યે ભદ્રાકાળ સમાપ્ત થઈ જશે. જોકે આ ભદ્રાકાળનો રક્ષાબંધન પર કોઈ પ્રભાવ નહીં પડે. વાસ્તવમાં, ચંદ્રમા મકર રાશિમાં હોવાને કારણે ભદ્રાનો નિવાસ પાતાળ લોકમાં રહેશે. તેથી પૃથ્વી પર થતાં શુભ કાર્યો અવરોધિત નહીં થાય. આથી રક્ષાબંધન પર તમે કોઈપણ સમયે ભાઈને રાખડી બાંધી શકો છો.
કોણ છે ભદ્રા?
પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. શનિની જેમ તેનો સ્વભાવ પણ ક્રૂર છે. ખરેખર ભદ્રાનો શાબ્દિક અર્થ કલ્યાણ કરનારી છે. તેનાથી વિપરીત ભદ્રાકાળમાં શુભ કાર્ય વર્જિત છે. ભદ્રા રાશિ અનુસાર ત્રણેય લોકોમાં ભ્રમણ કરે છે. પૃથ્વીલોકમાં તેના હોવાથી શુભ કાર્યોમાં વિઘ્ન આવે છે.
ભદ્રાકાળ ખૂબ જ અનિષ્ટકારી હોય છે. આ કાળમાં શુભ અને માંગલિક કાર્યો વર્જિત છે. એવી માન્યતા છે કે પૃથ્વી લોકની ભદ્રા બધા કાર્યોનો વિનાશ કરનારી હોય છે. આવા સંજોગોમાં જો તમે ભદ્રાકાળની અવધિમાં ભાઈને રાખડી બાંધવાની યોજના બનાવી રહ્યા છો તો રોકાઈ જાઓ. થોડી રાહ જુઓ. ભદ્રાનો પ્રભાવ દૂર થયા પછી જ ભાઈને રાખડી બાંધો.
રક્ષાબંધન પર ભદ્રાનો પ્રભાવ ખૂબ જ અશુભ હોય છે. કહેવાય છે કે સૂર્પણખાએ ભદ્રા નક્ષત્રમાં જ રાવણને રાખડી બાંધી હતી, જેના પછી રામ રાવણ વચ્ચે યુદ્ધ થયું. રાવણે પોતાનો જીવ પણ ગુમાવવો પડ્યો. દ્વાપર યુગમાં દ્રૌપદીએ પણ પોતાના ભાઈને ભૂલથી ભદ્રાકાળમાં રાખડી બાંધી દીધી હતી. તે પછી દ્રૌપદીનું સુખ ચેન બધું છીનવાઈ ગયું હતું. દ્રૌપદીને ચીરહરણનું દુઃખ સહન કરવું પડ્યું, જેનું પરિણામ કુરુક્ષેત્રના યુદ્ધના રૂપમાં આવ્યું.