(Source: ECI/ABP News/ABP Majha)
Fighter Movie: 'ફાઇટર'માં એરફોર્સનો યુનિફોર્મ પહેરીને કિસ કરવી દીપિકા-હૃતિકને પડી ભારે, સેનાના અધિકારીએ ફટકારી નોટિસ
Fighter Movie Gets Legal Notice: ફિલ્મ 'ફાઇટર' એક મોટા વિવાદમાં ફસાઈ છે. હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત આ ફિલ્મ એરફોર્સના ફાઈટર પાઈલટોની વાર્તા દર્શાવે છે.
Fighter Movie Gets Legal Notice: ફિલ્મ 'ફાઇટર' એક મોટા વિવાદમાં ફસાઈ છે. હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ અભિનીત આ ફિલ્મ એરફોર્સના ફાઈટર પાઈલટોની વાર્તા દર્શાવે છે. ફિલ્મના એક સીનમાં હૃતિક અને દીપિકા એરફોર્સ યુનિફોર્મ પહેરીને એકબીજાને કિસ કરતા જોવા મળ્યા હતા. હવે આસામમાં તૈનાત ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે આ સીન સામે વાંધો ઉઠાવતા સ્ટાર કાસ્ટ અને ડિરેક્ટરને નોટિસ મોકલી છે.
વિંગ કમાન્ડરે નોટિસ મોકલી
વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસનું કહેવું છે કે હૃતિક રોશન અને દીપિકા પાદુકોણના કિસિંગ સીન એ એરફોર્સના યુનિફોર્મનું અપમાન છે. તેમનું કહેવું છે કે એરફોર્સ યુનિફોર્મ એ માત્ર કપડાનો ટુકડો નથી, પરંતુ તે આપણા દેશની સુરક્ષા માટે બલિદાન, અનુશાસન અને અતૂટ સમર્પણની નિશાની છે. દ્રશ્યમાં, કલાકારોને ભારતીય વાયુસેનાના સભ્યો તરીકે જોઈ શકાય છે. તેના માટે યુનિફોર્મમાં આવું કરવું ખોટું છે.
કાનૂની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મમાં રોમેન્ટિક એન્ગલ બતાવવા માટે આ પવિત્ર પ્રતીકનો ઉપયોગ કરવો ખોટું છે. તે આપણા દેશની સેવામાં અસંખ્ય સૈનિકોએ આપેલા બલિદાનની ગરિમાનું અવમૂલ્યન કરે છે. તે યુનિફોર્મમાં ખરાબ વર્તનને પણ સામાન્ય બનાવે છે, જે આપણી સરહદોનું રક્ષણ કરનારાઓને સોંપવામાં આવેલી જવાબદારી સામે ખતરનાક દાખલો બેસાડે છે.
નોટિસમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે એરફોર્સ યુનિફોર્મ પહેરેલા અધિકારીઓ જાહેરમાં રોમેન્ટિક હોવા એ માત્ર નિયમોનું ઉલ્લંઘન નથી, પરંતુ તેમના પાત્રો અને વ્યાવસાયિક વર્તનને ખોટી રીતે પ્રતિબિંબિત કરે છે. એરફોર્સના જવાનો પાસેથી શિસ્ત અને મર્યાદાની અપેક્ષા રાખવામાં આવે છે. આ દ્રશ્ય તેને તેના યુનિફોર્મ અને ફરજ પ્રત્યે બેજવાબદાર અને અનાદર બતાવે છે.
જાહેરમાં માફી માગો
વિંગ કમાન્ડર સૌમ્યદીપ દાસે 'ફાઇટર'ના મેકર્સ પાસે આ સીન હટાવવાની માંગ કરી છે. તેણે એમ પણ કહ્યું કે મેકર્સે જાહેરમાં એરફોર્સ અને તેના સૈનિકોની માફી માંગવી જોઈએ. તેમનું કહેવું છે કે ફિલ્મ નિર્માતાઓએ લેખિતમાં જણાવવું જોઈએ કે ભવિષ્યમાં તેઓ વાયુસેનાના સૈનિકો અને યુનિફોર્મનો આ રીતે અપમાન નહીં કરે.
હૃતિક રોશન અને દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ 'ફાઈટર'ને ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે બનાવી છે. આ ફિલ્મે વિશ્વભરમાં 350 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ભારતીય બોક્સ ઓફિસ પર તેની કમાણી 178 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. ફિલ્મમાં કરણ સિંહ ગ્રોવર, અક્ષય ઓબેરોય, અનિલ કપૂર અને અન્ય સ્ટાર્સે મહત્વની ભૂમિકા ભજવી છે.