Tax Saving Last Date: આજે ટેક્સ બચાવાવનો અંતિમ દિવસ, જાણો ક્યાં કરશો રોકાણ
31 માર્ચ સુધી ટેક્સપેયરની પાસે રોકાણ કરીને બચત કરવાના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે.
આજે નાણાંકીય વર્ષ 2020-21નો અંતિમ દિવસ છે. આવતીકાલ એટલે કે 1લી એપ્રિલથી નવું નાણાંકીય વર્ષ શરૂ થધશે. જો તમે આ નાણાંકીય (2020-21)ની પોતાની કમાણી પર ટેક્સ છૂટ મેળવવા માગો છો તો આજે રોકાણ કરવાનો અંતિમ દિવસ છે. આવકવેરા કાયદાની કલમ 80સી અંતર્ગત ટેક્સપેયરને ટેક્સમાં છૂટ આપવા માટે 1.5 લાખ રૂપિયાના રોકાણની તક મળે છે. આ રોકાણ કરીને ટેક્સમાં છૂટ મેળવી શકો છો.
31 માર્ચ સુધી ટેક્સપેયરની પાસે રોકાણ કરીને બચત કરવાના અનેક વિકલ્પ ઉપલબ્ધ છે. ટેક્સ સેવિંગ સ્કીમથી લઈને પીપીએફ, પાંચ વર્ષ માટે એફડી, વીમા પોલીસી જેવી અનેક સ્કીમ છે, જેનાથી હજુ પણ ટેક્સની બચત કરી શકાય છે. આ કલમ અંતર્ગત છૂટ મેળવવા માટે પોસ્ટ ઓફિસની અનેક સ્કીમમાં પણ રોકાણ કરી શકાય છે. આવો જાણીએ રોકાણ વિશે વિસ્તારથી....
પબ્લિક પ્રોવીડન્ટ ફંડ (PPF)
રોકાણની દૃષ્ટિએ પબ્લિક પ્રોવીડન્ટ ફંડ (PPF) અંતર્ગત 500 રૂપિયામાં પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકાય છે. 15 વર્ષ માટે આ સ્કીમ ચાલે છે અને વચ્ચે આ સ્કીમ બંધ કરાવી નથી શકાતી. જોકે 15 વર્ષ બાદ આ સ્કીમને 5-5 વર્ષ માટે આગળ વધારી શકાય છે. જ્યારે આ સ્કીમમાં રોકાણ શરૂ કર્યાના ત્રણ વર્ષ બાદ તેના પર લોન પણ લઈ શકાય છે. સાત વર્ષ પછી કેટલાક નિયમો અંતર્ગત આ એકાઉન્ટમાંથી રકમ ઉપાડી પણ શકાય છે. હાલમાં આ એકાઉન્ટ પર વાર્ષિક 7 ટકાના દરે વ્યાજ મળે છે. જોકે વ્યાજ ફિક્સ નથી હોતું અને દર ત્રણ મહિનામાં વ્યાજ દરની સમીક્ષા કરવામાં આવે છે.
ટાઈમ ડિપોઝિટ સ્કીમ
ટાઇમ ડીપોઝિટ સ્કીમ એક રીતની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) છે. આ સ્કીમ અંતર્ગત એક સાથે રકમનું રોકાણ કરવામાં આવે છે અને ચોક્કસ વળતરનો લાભ લઈ શકાય છે. આ સ્કીમ અંતર્ગત એક વર્ષથી લઈને પાંચ વર્ષ સુધીના ગાળા પર 5.5થી 6.7 ટકાના દરે વ્યાજ મળે છે. ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે અને વધુમાં વધુ રોકાણની કોઈ મર્યાદા નથી.
નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં પણ રોકાણ કરી શકાય છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ પર દર વર્ષે 6.8 ટકાના દરે વ્યાજ મળે છે. દર વર્ષે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. જ્યારે રોકાણનો ગાળો પૂરો થયા બાદ વ્યાજની રકમ આપવામાં આવે છે. આ સ્કીમમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરી શકાય છે. આ સ્કીમમાં રોકાણની મહત્તમ કોઈ મર્યાદ નથી.