(Source: ECI/ABP News/ABP Majha)
ગુજરાતમાં રૂપાણી સરકારે લાદેલા પ્રતિબંધોનો ભંગ કરનારને ક્યા કાયદા હેઠળ થશે સજા ? જાણો શું છે સજાની જોગવાઈ ?
1897ના મહામારી કાનૂનની કલમ-3માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ વ્યક્તિ સરકારના કાનૂન-આદેશનું ઉલ્લંઘન કરશે તો તેના પર આઈપીસીની કલમ 188 અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે.
ગાંધીનગરઃ ગુજરાતની વિજય રૂપાણી સરકારે (Gujarat CM Vijay Rupani) રાજ્યની આઠ મહાનગર પાલિકાઓ ઉપરાંત બીજાં 12 શહેરો મળીને કુલ વીસ શહેરોમાં રાતના આઠ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી કરફ્યુ (Night Curfew) લાગુ કરવાનો મંગળવારે રાત્રે નિર્ણય લીધો હતો. ગુજરાત સરકારની કોર કમિટીની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
રસપ્રદ વાત એ છે કે, આ નિર્ણય લેવા માટે પણ વિજય રૂપાણી સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah) સાથે ચર્ચા કરી હતી. ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં લોકડાઉન (Gujarat Lockdown) લાદવું પડે એવી ગંભીર સ્થિતી હોવાની ટકોર કરીને રાજ્યમાં 3-4 દિવસ માટે કરફ્યુ લાદવાનું કહ્યું પછી વિજય રૂપાણીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, આરોગ્ય સચિવ અને અન્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરી હતી. એ પછી તેમણે રાજ્યમાં 20 શહેરોમાં નાઈટ કરફ્યુ લાદવા સહિતના નિર્ણયોની જાહેરાત કરી હતી.
આ દરમિયાન રૂપાણી સરકારે કેટલાક પ્રતિબંધો પણ મુક્યા છે. જેમકે લગ્ન-સત્કાર સમારંભમાં 100થી વધુ વ્યક્તિઓ એકઠા નહીં કરી શકાય, કર્ફ્યુનના સમયમાં આ 20 શહેરોમાં લગ્ન કે અન્ય કાર્યક્રમો નહીં યોજી શકાય. 50થી વધુ વ્યક્તિઓ એકત્ર નહીં કરી શકાય. શનિ-રવિમાં તમામ સરકારી કચેરીઓ બંધ રહેશે. ઉપરાંત ખૂબ જ અગત્યાની કામગીરી હોય તો જ પ્રવેશ અપાશે.
જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો તેમની સામે એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭, ગુજરાત એપેડેમિક ડીસીઝ કોવિડ-19 રેગ્યુલેશન 2020ની જોગવાઈઓ, ઈન્ડિયન પીનલ કોડની કલમ 188 તથા ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી કરાશે.
એપેડેમીક ડીસીઝ એકટ ૧૮૯૭: આ કલમ હેઠળ ખતરનાક મહામારી જાહેર થયેલા રોગને કાબુમાં લેવા રાજ્યો પાસે વિશેષ સત્તા હોય છે.કોરોના વાયરસ COVID-19ની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરિત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમીક ડીસીઝ એકટ-1987 જાહેરનામાથી રાજયમાં ધ ગુજરાત એપેડેમીક રેગ્યુલેશન-2020 લાગુ કરવામાં આવેલ છે. આ રોગના સંક્રમણને આગળ વધતો કે ટકાવવા સામાજીક અંતર અને મોઢ માસ્ક પહેરવું અનિવાર્ય બને છે. આ દંડ વસૂલવાની કાર્યવાહી હાથ મ્યુનિસિપલ કમિશનર,કલેકટર,નગરપાલિકા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા વસુલવામાં આવે છે તેને બદલે હવેથી આ દંડવસૂલવાની કાર્યવાહી પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડાએ તેમના હકૂમત હેઠળના વિસ્તારમાં કરવાની રહે છે.
ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 188: 1897ના મહામારી કાનૂનની કલમ-3માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જો કોઈ વ્યક્તિ સરકારના કાનૂન-આદેશનું ઉલ્લંઘન કરશે તો તેના પર આઈપીસીની કલમ 188 અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે. જો કોઈ સરકારી કર્મચારી પણ આ નિર્દેશનું પાલન ન કરે તો તેની સામે પણ આ કલમ લગાવી શકાય છે. જો તમને સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશોની જાણકારી હોય અને છતાં ઉલ્લંઘન કરતાં હો તો તમારા પર કલમ 188 હેઠળ કાર્યવાહી થઈ શકે છે. કલમ 188માં બે પ્રકારની જોગવાઈ છે. (1) જો કોઈ વ્યક્તિ સરકાર કે સરકારી અધિકારી દ્વાર આપવામાં આવેલા આદેશનું ઉલ્લંઘન કરે અથવા કાનૂન વ્યવસ્થામાં રોકાયેલા વ્યક્તિને નુકસાન પહોંચાડે તો તેને ઓછામાં ઓછી એક મહિનાની જેલ કે 200 રૂપિયાનો દંડ અથવા બંને સજા આપી શકાય છે. (2) સરકારના આદેશના ઉલ્લંઘન કરવાથી માનવ જીવન, સ્વાસ્થ્ય કે સુરક્ષા વગેરેને ખતરો હોય તો ઓછામાં ઓછી 6 મહિનાની જેલ કે 1000 રૂપિયાના દંડ કે બંને પ્રકારની સજાની જોગવાઈ છે.
ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ: 2005માં બનાવાયેલો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ કોરોનાની લડાઇ દરમિયાન પહેલીવાર દેશમાં લાગુ કરાયો છે. આ કાયદો લાગુ કરવા માટે પહેલા જાહેરનામું પ્રસિદ્ધ કરાય છે. જો કોઈ વ્યક્તિ સરકારી કર્મચારીને તેની કામગીરી કરતા રોકે અથવા કાયદાની સૂચનાનું પાલન કરવાનો ઇનકાર કરે તો તેની સામે આ કલમ હેઠળ કાર્યવાહી કરાય છે. જેમાં ધાર્મિક સ્થળો પર જવું, સામાજિક મેળાવડાઓનું આયોજન કરવું સહિતની પ્રવૃતિઓ સામેલ છે , જેમાં એક વર્ષની સજા અને દંડ તથા આવું કૃત્ય કરનાર વ્યક્તિથી જો કોઈ નુકસાન થાય તો બે વર્ષની સજા અને દંડની જોગવાઇ કરાઇ છે કલમ-53: રાહતકાર્યોના પૈસા અને તેની સામગ્રીનો દુરઉપયોગ કરાય અથવા ઉચાપત કરાય અથવા બ્લેકમાં વેચે તો તે સહિતની પ્રવૃત્તિ માટે બે વર્ષની સજાની જોગવાઈ છે કલમ-54: આપત્તિ વખતે અફવા ફેલાવવી જેનાથી લોકોમાં ભય પેદા થાય તો તેને એક વર્ષ ની સજા અને દંડની જોગવાઈ છે કલમ-56: પોતાની ફરજનું પાલન કરવા સરકારી અધિકારી કે કર્મચારીઓ મનાઈ કરે તો તેને એક વર્ષની સજા અને દંડ થઈ શકે છે.