Fact Check: શું રાહુલના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં મંદિરમાં વેચાઇ રહ્યું છે માંસ? જાણો વાયરલ વીડિયોનું સત્ય
Meat Shop in Temple Fact Check:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર વાયનાડને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે
![Fact Check: શું રાહુલના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં મંદિરમાં વેચાઇ રહ્યું છે માંસ? જાણો વાયરલ વીડિયોનું સત્ય Fact Check: rahul gandhi kerala waynad sita ram temple meat shop viral video LogicallyFacts Fact Check: શું રાહુલના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં મંદિરમાં વેચાઇ રહ્યું છે માંસ? જાણો વાયરલ વીડિયોનું સત્ય](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/03/cfee719088bc86685bc7af5410b30d30171471720827074_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Meat Shop in Temple Fact Check: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લોકસભા મતવિસ્તાર વાયનાડને લઈને સોશિયલ મીડિયા પર એક વીડિયો ફરતો થઈ રહ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે કેરળના વાયનાડ સ્થિત મંદિરમાં માંસની દુકાન ચાલી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મંદિર જેવી દેખાતી જગ્યાએ માંસની દુકાન છે. વીડિયોમાં એક વ્યક્તિ પણ સાંભળી શકાય છે, જે કહે છે કે આ સીતા રામ મંદિર છે અને તેની નીચે માંસની દુકાન છે.
વીડિયોમાં તે વ્યક્તિ કહે છે, "મિત્રો, આ સીતા રામ મંદિર છે અને તેની નીચે એક દુકાન છે. આ એક ચિકન શોપ છે, જ્યાં મરઘીનું માંસ વેચાય છે. આ મંદિરનો ચોક છે અને તે ઇમારત સીતા રામ મંદિર છે. આ એક ચિકન શોપ છે અને જો તમે ઉપર જુઓ તો તમને હિન્દીમાં કંઈક લખેલું દેખાશે."
વાયરલ વીડિયોમાં લખવામાં આવ્યું છે કે, "જાગો હિંદુઓ, જાગો, કેરળના વાયનાડમાં આ સીતા રામ મંદિર છે, જેમાં એક ચિકન શોપ છે જેનું ઉદ્ઘાટન રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે, જે રાહુલ ગાંધીનો સંસદીય ક્ષેત્ર છે." જો કે, જ્યારે આ વીડિયોની હકીકત તપાસવામાં આવી તો આ દાવો સંપૂર્ણપણે ખોટો હોવાનું બહાર આવ્યું. પાકિસ્તાનનો આ વીડિયો વાયનાડના સીતા રામ મંદિર તરીકે શેર કરવામાં આવી રહ્યો છે.
ફેક્ટ ચેકમાં શું જાણવા મળ્યું?
લોજિકલી ફેક્ટ્સ દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે ફેસબુક પર વાયરલ થઈ રહેલા વીડિયોની કોમેન્ટમાં લોકોએ લખ્યું હતું કે તે પાકિસ્તાનનો છે. આ પછી Makhan Ram jaipal Vlogs નામની એક યુટ્યુબ ચેનલ વિશે જાણવા મળ્યું જેણે 25 ઓગસ્ટ, 2023 ના રોજ વાયરલ પોસ્ટમાં દેખાતી મંદિર જેવી ઇમારતનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વ્લોગમાં બતાવેલ મંદિર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ઝાંગ જિલ્લાના એક શહેર અહેમદપુર સિયાલમાં આવેલું છે અને તે વિસ્તારની આસપાસ કોઈ હિંદુ રહેતો નથી.
લગભગ 1:15 મિનિટના ટાઈમ સ્ટેમ્પ પર વ્લોગર મંદિર અને મંદિરની સામે એક ચિકન શોપ બતાવે છે. યુટ્યુબ ચેનલ ચેક કરવા પર જાણવા મળ્યું કે તેણે પાકિસ્તાનના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે. આ વિડિયો 17 એપ્રિલના રોજ YouTube vloggerના Instagram એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલી રીલ અંગે દાવો કરવામાં આવ્યો હતો કે આ મંદિર વાયનાડમાં આવેલું છે. જો કે, વ્લોગરે ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ કર્યું હતું કે આ સીતા રામ મંદિર છે જે પાકિસ્તાનના પંજાબમાં આવેલું છે.
View this post on Instagram
મંદિરનો ઇતિહાસ શું છે?
પાકિસ્તાની અખબાર ધ ફ્રાઈડે ટાઈમ્સના એક લેખમાં સીતા રામ મંદિરની તસવીર છે. આ તસવીરને વીડિયો સાથે સરખાવતા જાણવા મળ્યું કે મંદિરની ઉપર હિન્દીમાં 'ઓમ' અને 'સીતા રામ' બંને શબ્દો લખેલા છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ઝાંગ જિલ્લાના અહેમદપુર સિયાલ તાલુકામાં આવેલ સીતા રામ મંદિર તે વિસ્તારમાં 19મી સદીના સ્થાપત્યના ઐતિહાસિક સ્થળોમાંથી એક છે. અહમદપુર સિયાલમાં એક સમયે ઘણા મંદિરો અને અન્ય પૂજા સ્થાનો સાથેનું હિન્દુ-બહુમતી શહેર હતું.
એક સ્થાનિક ઈતિહાસકારના જણાવ્યા અનુસાર, 1992માં ભારતમાં બાબરી મસ્જિદ પર હુમલા બાદ હિંસક ટોળાએ પાકિસ્તાન સ્થિત આ સીતા રામ મંદિર પર પણ હુમલો કર્યો હતો. આ સ્થાન હવે મંદિર નહી પણ માર્કેટમાં ફેરવાઈ ગયું છે. મંદિરની અંદરની મોટાભાગની કિંમતી ચીજવસ્તુઓની સ્થાનિક લોકો દ્વારા ચોરી કરવામાં આવી હતી.
ફેક્ટ ચેકમા શું તારણ બહાર આવ્યું
ફેક્ટ ચેક બાદ એવું તારણ નીકળ્યું છે કે પાકિસ્તાનના ખાલી પડેલા મંદિરને વાયનાડનું મંદિર જાહેર કરવામાં આવ્યું હતું. દાવો કરવામાં આવ્યો હતો કે તેમાં માંસની દુકાન ચાલી રહી છે, જે સંપૂર્ણપણે ભ્રામક અને નકલી છે. આ મંદિર વાયનાડમાં નથી, પરંતુ પાકિસ્તાનના પંજાબમાં આવેલું છે. તેનો ભારત સાથે કોઈ સંબંધ નથી. આ રીતે વાયરલ થઈ રહેલો વિડિયો સંપૂર્ણપણે નકલી છે.
Disclaimer: આ સ્ટોરી સૌ પ્રથમ logicallyfacts.com પર પ્રકાશિત કરવામાં આવી હતી. હેડલાઇન અને સ્ટોરીને ટ્રાન્સલેટ કરીને પોસ્ટ કરવામાં આવી છે. આ સ્ટોરી શક્તિ કલેક્ટિવ અભિયાન હેઠળ પબ્લિશ કરવામાં આવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)