(Source: ECI/ABP News/ABP Majha)
Flight Bomb Threat: એર ઇન્ડિયા સહિત 30 ફ્લાઇટ્સને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
Flight Bomb Threat: નોંધનીય છે કે અગાઉ એક સપ્તાહમાં બોમ્બની ધમકીને કારણે 114 ફ્લાઈટને અસર થઇ છે. ગયા રવિવારે 36 વિમાનોને બોમ્બની ધમકી મળી હતી
Flight Bomb Threat: ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ અટકવાનું નામ લઇ રહી નથી. તાજેતરના કિસ્સામાં સોમવારે રાત્રે એર ઈન્ડિયા સહિત 30 ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે. સમાચાર એજન્સી પીટીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય એરલાઈન્સની 30 ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી.
આ મામલા સાથે સંકળાયેલા સૂત્રોએ એજન્સીને જણાવ્યું કે જે ફ્લાઇટને બોમ્બની ધમકી મળી છે તેમાં ઈન્ડિગો, વિસ્તારા અને એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ સામેલ છે. આ સંદર્ભમાં ઈન્ડિગોના પ્રવક્તાએ મંગળવારે જણાવ્યું હતું કે, તેમની ચાર ફ્લાઈટ્સ 6E 164 (મેંગલુરુથી મુંબઈ), 6E 75, (અમદાવાદથી જેદ્દાહ), 6E 67 (હૈદરાબાદથી જેદ્દાહ) અને 6E 118 (લખનઉથી પુણે)નો સમાવેશ થાય છે.
એક સપ્તાહમાં 114 ફ્લાઈટ પ્રભાવિત
નોંધનીય છે કે અગાઉ એક સપ્તાહમાં બોમ્બની ધમકીને કારણે 114 ફ્લાઈટને અસર થઇ છે. ગયા રવિવારે 36 વિમાનોને બોમ્બની ધમકી મળી હતી. તેમાં ઈન્ડિગો, વિસ્તારા, અકાસા એર, એર ઈન્ડિયા, એર ઈન્ડિયા એક્સપ્રેસ અને ડેલ્ટાની ફ્લાઈટ્સનો સમાવેશ થાય છે.
દિલ્હી એરપોર્ટ પર આઠ ફ્લાઈટ પર બોમ્બની ધમકી મળી હતી
શનિવાર અને શુક્રવારની જેમ રવિવારે પણ દિલ્હી એરપોર્ટ પર આઠ ફ્લાઇટ્સ પર બોમ્બની ધમકી મળી હતી. આ ધમકી ઈમેલ અને એસએમએસ દ્વારા આપવામાં આવી છે. આ અંગે ઈન્ડિગો દ્વારા હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી.
માહિતી અનુસાર, ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર રવિવારે ઈન્ડિગો અને અન્ય એરલાઈન્સની આઠ ફ્લાઈટ્સ પર બોમ્બની ધમકી મળી છે. જે બાદ ફ્લાઈટ્સનું સુરક્ષિત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તેની તપાસ કરવામાં આવી હતી અને ફ્લાઈટમાંથી કોઈ વિસ્ફોટકો મળી આવ્યા ન હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે આઠ ફ્લાઈટમાં બોમ્બની ધમકી આપવામાં આવી છે.
ઈમેલ અને એક્સ મારફતે ધમકીઓ મળી
આ ધમકીઓ ઈમેલ અને એસએમએસ દ્વારા મળી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ધમકીઓ એક સરખી જ છે માત્ર એરલાઈન્સનું નામ ઈમેલમાં બદલાયું છે. આ પહેલા શનિવારે પણ ઈન્ડિગો, એર ઈન્ડિયા, વિસ્તારા વગેરેની ફ્લાઈટોમાં બોમ્બની ધમકી આપવામાં આવી હતી.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ પણ પુષ્ટી કરી કે સોમવારે ઉડતી એર ઈન્ડિયાની કેટલીક ફ્લાઈટને ધમકીઓ મળી હતી. નિર્ધારિત પ્રોટોકોલને અનુસરીને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સતર્ક કરવામાં આવ્યા હતા અને નિયમનકારી સત્તાવાળાઓ અને સુરક્ષા એજન્સીઓના માર્ગદર્શન મુજબ તમામ સલામતી પ્રક્રિયાઓનું સખતપણે પાલન કરવામાં આવ્યું હતું.