(Source: ECI/ABP News/ABP Majha)
India China Disengagement: ગોગરા હોટ સ્પ્રિંગ પોઈન્ટ 15થી પાછળ હટી રહી છે ભારત અને ચીનની સેના, વાતચીતમાં થઈ સહમતિ
લદ્દાખ વિસ્તારમાં લાંબા સમયથી ભારત (India) અને ચીન (China) વચ્ચે ચાલી રહેલા બોર્ડર વિવાદને ઉકેલવામાં મોટી કામયાબી મળી છે.
India-China Army In Ladakh: લદ્દાખ વિસ્તારમાં લાંબા સમયથી ભારત (India) અને ચીન (China) વચ્ચે ચાલી રહેલા બોર્ડર વિવાદને ઉકેલવામાં મોટી કામયાબી મળી છે. ભારતીય અને ચીની સૈનિકોને ગોગરા - હોટ સ્પ્રિંગ પેટ્રોલિંગ પોઈન્ટ 15 (PP-15)ના વિસ્તારથી પાછળ હટવાનું શરુ કરી દીધું છે. 8 સપ્ટેમ્બર 2022ના રોજ ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની બેઠકના 16મા તબક્કામાં થયેલી સહમતિ મુજબ આ પગલું ભરવામાં આવ્યું છે. બંને દેશોએ સંયુક્ત નિવેદન જાહેર કરીને આ અંગે જાણકારી આપી છે.
છેલ્લા 2 વર્ષમાં એલએસી (LAC) ઉપર ચાલી રહેલા તણાવ દરમિયાન જે વિવાદિત વિસ્તારોને લઈ બંને દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં આ છેલ્લો વિવાદ હતો. જો કે, જુના ફ્લેશ પોઈન્ટ જેમ કે ડેપસાંગ પ્લેન અને ડેમચોકમાં હજી પણ તણાવ યથાવ છે. પીપી 15 પરથી બંને દેશના સૈનિકોને પાછળ હટાવવા અંગે 16મા તબક્કાની બેઠકમાં સંમત્તિ થઈ છે.
રક્ષા મંત્રાલયે શું કહ્યું?
આ બાબતે રક્ષા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે, ભારત - ચીન કોર કમાન્ડર સ્તરની બેઠકમાં 16માં તબક્કામાં થયેલી સહમતિ મુજબ, ગોગરા-હોટસ્પ્રિંગ્સ (પીપી-15)ના વિસ્તારમાં ભારતીય અને ચીની સૈનિકોએ આજે સામુહિક અને આયોજન બદ્ધ રીતે પાછળ હટવાનું શરુ કરી દીધું છે. બંને તરફના તાલમેલ સાથે સૈનિકોએ પરત ફરી રહ્યા છે જે બોર્ડર વિસ્તારમાં શાંતિ માટે અનુકુળ છે.
પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત થશે
આ નિવેદન આવતા અઠવાડિયે ઉઝબેકિસ્તાનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થનારી બેઠકના થોડા દિવસો પહેલા આવ્યું છે. તમને જણાવી દઈએ કે, એપ્રિલ-મે 2020માં ચીનની સેનાએ ઘણા વિસ્તારોમાં સરહદનું ઉલ્લંઘન કર્યા બાદ ભારત અને ચીન વચ્ચે અણબનાવ થયો હતો. તાજેતરમાં જ વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમણે ગલવાન ઘાટીની સ્થિતિ અને ચીન દ્વારા સરહદી સમજૂતીના ઉલ્લંઘન વિશે વાત કરી હતી.
આ પણ વાંચો...