Odisha : બચાવકર્મીઓની પાછળ પડ્યું અકસ્માતનું ભૂત! પાણીમાં દેખાય છે લોહી
આ ભયાનક ટ્રેન દુર્ઘટનાએ માત્ર તેમના પ્રિયજનોને ગુમાવનારાઓને ક્યારેય ન ભરાય તેવા ઘા તો આપ્યા જ છે, પરંતુ તેની ભયાનકતા બચાવ કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ પર પણ દેખાઈ રહી છે.
Odisha Tain Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટનાનું ભયાનક દ્રશ્ય લોકોની નજર સામે જ તરી રહ્યું છે. ચારેકોર વેરવિખેર પડેલા મૃતદેહો અને માનવ શરીરના અંગો લોકોને હજી પણ ઊંઘમાંથી ઉઠાડી મુકે છે. ટ્રેન દુર્ઘટના બાદ સૌથી ખરાબ અસર બચાવ કાર્યમાં જોતરાયેલી ટીમના સભ્યો પર જોવા મળી રહી છે. આ ભયાનક ટ્રેન દુર્ઘટનાએ માત્ર તેમના પ્રિયજનોને ગુમાવનારાઓને ક્યારેય ન ભરાય તેવા ઘા તો આપ્યા જ છે, પરંતુ તેની ભયાનકતા બચાવ કાર્યમાં રોકાયેલા કર્મચારીઓ પર પણ દેખાઈ રહી છે. બચાવકર્મીઓ માનસિક રીતે હચમચી ગયા છે.
અકસ્માતના પ્રત્યક્ષદર્શીઓએ ત્યાંનું ભયાનક દ્રશ્ય વર્ણવ્યું હતું. હવે NDRFના ડીજીએ કંઈક એવું કહ્યું છે જે ખૂબ જ આશ્ચર્યજનક છે. તેમણે કહ્યું છે કે, દુર્ઘટના સ્થળે બચાવ કાર્યમાં લાગેલા NDRF જવાનોની હાલત ખૂબ જ ખરાબ છે. તેને પાણીને બદલે લોહી દેખાય છે. ઘણા કામદારોએ કહ્યું હતું કે, આ દુર્ઘટનાનું ભયાનક દ્રશ્ય જોયા પછી, તેમને ભૂખ લાગવાનું બંધ થઈ ગયું છે. એનડીઆરએફના મહાનિર્દેશક અતુલ કરવલે કહ્યું કે, તે કર્મચારીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ના મહાનિર્દેશક અતુલ કરવલે મંગળવારે અકસ્માત બાદ આ સમસ્યાની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ ટ્રેન દુર્ઘટના સ્થળ પર બચાવ કામગીરીમાં તૈનાત ફોર્સ કર્મીઓ પાણી જુએ છે ત્યારે તે તેમને લોહી જેવું લાગે છે. અકસ્માત બાદ કેટલાક અન્ય બચાવકર્મીની તો જાણે ભૂખ મરી ગઈ છે. તેમને ખાવા-પીવાનું છોડી દીધું છે.
બાલાસોરમાં ત્રણ ટ્રેનો અથડાયા બાદ NDRFની નવ ટીમોને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી હતી. આ દુર્ઘટનામાં લગભગ 278 લોકોના મોત થયા હતા અને 900 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જે ભારતની સૌથી ખરાબ રેલ દુર્ઘટનાઓમાંની એક છે. બચાવ કામગીરી પૂરી થયા બાદ અને ટ્રેકનું સમારકામ થયા બાદ આ રૂટ પર ટ્રેનોની અવરજવર શરૂ થઈ ગઈ છે, પરંતુ ઘણા પીડિતોનો દાવો છે કે તેમના પ્રિયજનોનો કોઈ પત્તો લાગ્યો નથી.
બચાવ કાર્યમાં લાગેલા જવાનોની આ હાલત
ડિઝાસ્ટર રિસ્પોન્સ માટે ક્ષમતા નિર્માણ પર વાર્ષિક કોન્ફરન્સને સંબોધતા ફોર્સના ડાયરેક્ટર જનરલ કરવલે કહ્યું હતું કે, હું બાલાસોર ટ્રેન દુર્ઘટના પછી બચાવ કામગીરીમાં સામેલ અમારા કર્મચારીઓને મળ્યો હતો. તેમની સાથે વાતચીત દરમિયાન કોઈએ મને કહ્યું કે, જ્યારે પણ તે પાણી જુએ છે ત્યારે તેને લોહીનો ભ્રમ થાય છે. જ્યારે અન્ય એકે કહ્યું હતું કે, આ બચાવ કામગીરી પછી તેની ભૂખ મરી ગઈ છે. તેને પોતાનો ખોરાક ખાવાનું પણ મન થતું નથી. સત્તાવાર આંકડાઓ અનુસાર, ફોર્સે 44 પીડિતોને બચાવ્યા અને ઘટનાસ્થળેથી 121 મૃતદેહો બહાર કાઢ્યા.
કરાઈ રહ્યું છે કાઉન્સેલિંગ
એનડીઆરએફના ડીજીએ વધુમાં જણાવ્યું હતું કે, ફોર્સે બચાવ અને રાહત કામગીરીમાંથી પરત ફરવા પર તેના કર્મચારીઓ માટે મનોવૈજ્ઞાનિક કાઉન્સેલિંગ અને માનસિક સ્થિરતા અભ્યાસક્રમો શરૂ કર્યા છે. અમારા કર્મચારીઓનું સારું માનસિક સ્વાસ્થ્ય સુનિશ્ચિત કરવા માટે આવા કાઉન્સેલિંગ સત્રોનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને એવા કર્મચારીઓ માટે કે જેઓ આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી કરે છે. ગયા વર્ષથી આ સંદર્ભે હાથ ધરવામાં આવેલી વિશેષ કવાયત બાદ અંદાજિત 18,000 બચાવકર્તાઓમાંથી લગભગ 95 ટકા ફિટ જણાયા હતા.
શુક્રવારે થયો હતો ભયાનક રેલ અકસ્માત
ઓડિશાના બાલાસોરના બહાનાગા માર્કેટમાં શુક્રવારે ટ્રેન અકસ્માત થયો હતો. ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 278 થઈ ગયો છે. જ્યારે 1100 લોકો ઘાયલ થયા છે. રેલ્વેએ મૃતકોના નજીકના પરિજનોને 10 લાખ રૂપિયા, ગંભીર રીતે ઘાયલોને 2 લાખ રૂપિયા અને અન્ય ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પરિસ્થિતિનો તાગ મેળવવા ઓડિશા પહોંચ્યા હતા. પીએમએ ઘાયલો અને મૃતકોના સંબંધીઓ સાથે વાત કરી. આ મામલે FIR પણ નોંધવામાં આવી છે અને CBI ઘટનાની તપાસ કરી રહી છે.