Surat: ગ્રીષ્મા હત્યા કેસમાં સૌરાષ્ટ્રના પાટીદાર આગેવાને શું કહ્યું કે પોલીસ કમિશ્નરે કર્યો સવાલ, તમને અંગ્રેજોના સમયની પોલીસ જોઈએ છે ?
Surat News: સમાજમાં વ્યાપેલા દૂષણો મુદ્દે કતારગમમાં સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે સલામત સુરત પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, સુરત પોલીસ કમિશ્નર હાજર રહ્યા હતા
સુરતઃ ડાયંડ નગરી સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સમાજમાં વ્યાપેલા વિવિધ દૂષણો મુદ્દે કતારગમમાં સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે સલામત સુરત પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, સુરત પોલીસ કમિશ્નર હાજર રહ્યા હતા.
સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળાએ એ કહ્યું કે, ગ્રીષ્માના પરિવારને મળવા ગયા ત્યારે પરિવારના એક ભાઈએ બે હાથ જોડીને કહ્યું કે, ‘સમાજના આગેવાનોને એટલી જ વિનંતી છે કે, અમારી ગ્રીષ્મા સાથે તો આવી ઘટના બની પરંતુ સમાજની બીજી કોઈ દિકરી સાથે આવી ઘટના ન બને તે માટે સમાજના વડીલો તમે કંઈક કરજો થોડાં દિવસ પહેલા પોલિસ કમિશનરને મળવા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે, ‘હની ટ્રેપમાં માત્ર બાળકો નથી ફસાતા પરંતુ અઠવાડિયે એક બે વખત તો ધોળા વાળવાળા પણ ફસાઈ છે.’ એક વાત તો સ્વિકારવી જ જોઈએ કે, ‘ગુન્હેગારોમાં પોલીસનો જે ખૌફ અને ભય હોવો જોઈએ તે ચોક્ક્સ ઓછો થયો છે. જ્યારે લોકોને કહીએ છીએ કે, એવી કોઈ જગ્યા હોય કે, જ્યાં અસામાજીક તત્વોનો અડ્ડો હોય તેની જાગૃત નાગરિક તરીકે જે પ્રયત્ન થઈ શકે તે કરવા પોલીસને જાણ કરવી જોઈએ. ઘણા લોકો એમ પણ કહે છે કે, ‘પોલીસને બધી જ ખબર છે, પોલીસ ક્યાં અજાણ છે.
જે બાદ પોલીસ કમિશ્નર અજય તોમરે તેમના સંબોધનમાં કહ્યું, મારા અધિકારીઓ, તમામ સ્ટાફ ચાંદ પરથી કે, મંગળ પરથી ઉતર્યા નથી. અમે લોકો આ સમાજના જ છીએ. સમાજમાં અમુક ઘટના બને છે ત્યારે લોકો કહે છે પોલીસનો ખૌફ ઓછો થઈ ગયો છે, એવી વાતથી ઘણા મોટા પ્રશ્નો ઉભા થાય છે. શું તમારે અંગ્રેજોના ટાઈમની પોલીસ જોઈએ? દુનિયામાં કોઈ એવી લોકશાહી નથી કે, જ્યાં લોકો એમ ઈચ્છતા હોય કે પોલીસનો ખૌફ હોવો જોઈએ. પોલીસનો ખૌફ ન હોવો જોઈએ. પોલીસ પર તમને વિશ્વાસ હોવો જોઈએ.