Surat News: પાંડેસરામાં 28 વર્ષીય યુવકને છાતીમાં દુખાવો થયા બાદ મોત
રાજ્યમાં નાની વયના લોકોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાના બનાવો ચોંકાવનારી રીતે વધી રહ્યા છે.
Surat News: સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી એકાએક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ મોત થવાના બનાવમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. સુરતના પાંડેસરામાં 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું હતું. વડોદ ગામમાં રહેતા રવિમોહનને છાતી દુઃખાવો થયો હતો, જે બાદ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે સારવાર મળે તે પહેલાં જ તબીબોએ યુવકને મૃતક જાહેર કર્યો હતો. યુવકને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ડૂબી ગયું હતું. પાંડેસરા પોલીસે મૃતદેહ પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા ડુમસની હોટલમાં રોકાયેલા સુરત એરપોર્ટ પર કામ કરતા 45 વર્ષના આધેડ અને અમરોલીમાં શ્વાસની તકલીફ બાદ 32 વર્ષના યુવાનની અચાનક તબિયત બગાડતા મોત થયું હતુ. સિવિલથી મળતી માહિતી મુજબ મૂળ અમદાવાદ ખાતે જશોદાનગરમાં પારૂલ એપાર્ટમેન્ટમની વતની અને હાલમાં ડુમસમાં સુલતાનાબાદમાં ઓયો હોટલમાં રાકાયેલા 45 વર્ષના મોલિન્સ મનુભાઈ કિશ્ચિયન ગુરુવારે સાંજે હોટલના રૃમમાંથી મૃત હાલતમા મળી આવ્યા હતા હતા. આ અંગે જાણ થતા પોલીસે પહોચીને કાર્યવાહી કરી મૃતદેહને નવી સિવિલમાં ખસેડયો હતો. તેમના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, મોલિન્સ સુરત એરપોર્ટ ઉપર એક વિભાગમાં નોકરી કરતા હતા. તેમને સંતાનમાં એક પુત્રી છે. સિવિલમાં તેમનું પીએમ થયા બાદ ડોકટરે કહ્યુ કે, તેમને હાર્ટ એટેક આવ્યો હોવાની શક્યતા છે, તેમના લીધેલા વિવિધ સેમ્પલોના રિપોર્ટ આવ્યા બાદ હકીકત જાણવા મળશે. મરોલીના કોસાડ આવાસમાં રહેતો 32 વર્ષનો શુભમ રાજકુમાર જાળીયાને આજે શુક્રવારે સવારે ઘરમાં શ્વાસ લેવામાં તકલીફ શરૃ થઇ હતી. બાદમાં તેની તબિયત વધુ બગડતા બેભાન થઇ જતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. શુભમ મૂળ ઉતરપ્રદેશનો વતની હતો. તે મજુરી કામ કરતો હતો.
રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ બની રહ્યો છે હૃદયરોગનો ભોગ
108 ઇમરજન્સીના આંકડા મુજબ, રાજ્યમાં દર સાત મિનિટે એક વ્યક્તિ હૃદયરોગનો ભોગ બની રહ્યો છે. વર્ષ 2023માં રાજ્યમાં હૃદયરોગના કુલ મળીને 72573 કેસો નોંધાયા હતાં. ચિંતાની વાત એછેકે, અમદાવાદ જેવી મેટ્રોસિટીમાં હૃદયરોગના કેસો વધી રહ્યા છે. ગુજરાતમાં હૃદયરોગીઓ વધી રહ્યા છે. હાલ યુવાનો હાર્ટએકેટનો ભોગ બની રહ્યા છે ત્યારે એવા ચોંકાવનારા આંકડા સામે આવ્યા છેકે, ગુજરાતમાં કેસોની દ્રષ્ટિએ અમદાવાદમાં સૌથી વધુ હૃદયરોગના કેસો નોઁધાયા છે. વર્ષ 2023માં અમદાવાદમાં કુલ 21,496 હૃદયરોગના કેસો નોંધાયા છે. અમદાવાદમાં હૃદયરોગના દર્દીઓમાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે.
આ તરફ, સુરતમાં 5408, રાજકોટમાં 4910, ભાવનગરમાં 3739 અને વડોદરામાં 3618 કેસો નોંધાયા છે. ટકાવારી દ્રષ્ટિએ જોઇએ તો, સુરતમાં 31 ટકા, રાજકોટમાં 42 ટકા, ભાવનગરમાં 21 ટકા અને વડોદરામાં 28 ટકાનો વધારો જોવા મળ્યો છે.