Kashmir Issue : સાઉદી- UAEએ પાકિસ્તાનને ઘઘલાવતા કહ્યું- કાશ્મીર ભૂલી જાવ અને...
UAE પાકિસ્તાનના વાંધાઓને બાયપાસ કરીને કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહ્યું છે.
India Amazing Diplomacy : દુનિયાભરમાંથી કટોરો લઈને ભીખ માંગતા ગરીબ પાકિસ્તાનને તેના જ નજીકના મુસ્લિમ મિત્ર દેશો સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે. આ બંને દેશોએ પાકિસ્તાન સરકારને સ્પષ્ટ કહ્યું છે કે, કાશ્મીરને ભૂલીને ભારત સાથે મિત્રતા કરીને વિવાદનો અંત લાવો. આટલું જ નહીં, સાઉદી અરેબિયા અને UAEએ શાહબાઝ સરકારને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે પાકિસ્તાન દ્વારા જે હોબાળો મચાવી રહ્યો છે તેના પર ચૂપ રહેવા કહ્યું છે. UAE પાકિસ્તાનના વાંધાઓને બાયપાસ કરીને કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરવા જઈ રહ્યું છે.
પાકિસ્તાની અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના પત્રકાર કામરાન યુસુફના અહેવાલ મુજબ, પાકિસ્તાન અત્યાર સુધી કાશ્મીરને લઈને ઈસ્લામિક દેશોના સંગઠન OICમાં હોબાળો મચાવી રહ્યું છે. સાઉદી અરેબિયા OIACમાં સૌથી પ્રભાવશાળી દેશ છે અને તેનું નેતૃત્વ કરે છે. OIC સાઉદી અરેબિયાના ઈશારે ચાલે છે. હવે સાઉદી અરેબિયાએ સ્પષ્ટ કહ્યું છે કે OIC કાશ્મીરને લઈને પાકિસ્તાનને સમર્થન નહીં આપે. પાકિસ્તાન અત્યાર સુધી વિશ્વના દરેક મંચ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવતું રહ્યું છે. જો કે, હવે સાઉદી અરેબિયા અને UAEના સ્પષ્ટ સંદેશાને કારણે પાકિસ્તાન હવે એવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે કે, કાં તો તેણે અર્થવ્યવસ્થાને બચાવવી અથવા કાશ્મીર રાગ આપાલી રાખવો.
પાકિસ્તાન છોડીને ભારત સાથે કેમ દોસ્તી કરી રહ્યું છે સાઉદી અરેબિયા?
સાઉદી અરેબિયા અને યુએઈએ પણ કહ્યું હતું કે, પાકિસ્તાને ભારત સાથે શાંતિનો માર્ગ અપનાવવો જોઈએ. અગાઉ એવા અહેવાલો આવ્યા હતા કે જનરલ બાજવા અને ઈમરાન ખાનના સમયમાં UAEએ ભારત સાથે બેક ચેનલ વાટાઘાટોની વ્યવસ્થા કરી હતી. એવું કહેવાય છે કે જનરલ બાજવા કાશ્મીરને લઈને ભારત સાથે સમજૂતી માટે સંમત થયા હતા પરંતુ ઈમરાન ખાને અચાનક પીછેહઠ કરી હતી. જનરલ બાજવાના એક નજીકના સહયોગીએ દાવો કર્યો હતો કે, પીએમ મોદી પાકિસ્તાનની મુલાકાત લેવાના હતા પરંતુ ઈમરાન ખાનની અચાનક પીછેહઠના કારણે તે થઈ શક્યું નહીં.
કામરાને કહ્યું હતું કે, સાઉદી અરેબિયા અને UAE બંનેએ ભારત સાથે આર્થિક સંબંધો મજબૂત કર્યા છે. ભારત ઈચ્છે છે કે, આ બંને દેશો કાશ્મીરમાં મોટા પાયે રોકાણ કરે અને પૈસા કમાય. સાઉદી અને યુએઈ બંને તેલને બદલે અન્ય ક્ષેત્રોમાંથી કમાણી કરીને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માંગે છે. કાશ્મીર અંગેની બેઠકમાં સાઉદી અને યુએઈના ઘણા ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. જેનાથી કાશ્મીરને વિવાદિત વિસ્તાર ગણાવતા પાકિસ્તાનને મોટો ફટકો પડ્યો છે.
'કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને સમર્થન ના આપી શકીએ'
પાકિસ્તાની પત્રકાર કામરાને કહ્યું હતું કે, જ્યારે પાકિસ્તાને તેનો વિરોધ કર્યો તો UAE અને સાઉદી બંનેએ મોં પર જ ચોપડાવી દીધું હતું કે, અમે હવે કાશ્મીર પર તમારું જાહેરમાં સમર્થન કરી શકીએ નહીં. UAE અને સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે, અમે ભારત સાથેના સંબંધોને મહત્વ આપીએ છીએ. તેમણે એવો પ્રસ્તાવ પણ મૂક્યો કે, અમે ભારત સાથેનો પાકિસ્તાનનો વિવાદ ઉકેલી શકીએ છીએ. આ કારણે શાહબાઝ શરીફે UAEની મુલાકાત દરમિયાન ભારત સાથે સંબંધો સુધારવાની અપીલ કરી હતી અને UAE પાસે મદદની ભીખ માંગી હતી. સાઉદી અને યુએઈએ તેમને કાશ્મીર ભૂલી જવા અને પોતાના ઘરને જ સુધારવા કહ્યું હતું. UAEએ પાકિસ્તાનને 3 બિલિયન ડોલરની મદદ કરી છે. સાઉદી અબજો ડોલરની લોન પણ આપી રહ્યું છે. આ કારણે પાકિસ્તાને ચૂપચાપ તેનું પાલન કરવું પડશે.