કાનપુર ટેસ્ટ વરસાદમાં ધોવાશે તો WTC ફાઇનલમાં નહીં પહોંચે ભારતીય ટીમ ? સમજો સમીકરણ
IND vs BAN 2nd Kanpur Test Rain WTC Final: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ ગ્રીન પાર્ક, કાનપુરમાં રમાઈ રહી છે
IND vs BAN 2nd Kanpur Test Rain WTC Final: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ ગ્રીન પાર્ક, કાનપુરમાં રમાઈ રહી છે. મેચના બે દિવસ પૂર્ણ થયા છે, જેમાં માત્ર એક દિવસની રમત થઈ છે. ટેસ્ટનો બીજો દિવસ વરસાદને કારણે પ્રભાવિત થયો હતો અને એકપણ બૉલ ફેંક્યા વિના છોડી દેવામાં આવ્યો હતો. 27 સપ્ટેમ્બરથી શરૂ થયેલી મેચમાં પહેલા દિવસે પણ વરસાદ જોવા મળ્યો હતો.
ભારતીય ટીમે ચેન્નાઈમાં રમાયેલી સીરીઝની પ્રથમ ટેસ્ટ જીતી લીધી છે. કાનપુરમાં રમાઈ રહેલી મેચ વરસાદના કારણે ધોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જો મેચ વરસાદથી પ્રભાવિત થાય છે અને રદ થાય છે, તો શું ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે? આ પ્રશ્ન તમારા મનમાં પણ ઉઠતો જ હશે.
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25 ચક્રમાં અત્યાર સુધીમાં કુલ 10 ટેસ્ટ રમી છે, જેમાંથી ટીમે 7માં જીત મેળવી છે અને તેની જીતની ટકાવારી 71.67 છે. બાંગ્લાદેશ બાદ ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચની હૉમ ટેસ્ટ સીરીઝ રમશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા પાંચ મેચની ટેસ્ટ સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે.
આગામી સીરીઝને જોતા કહી શકાય કે કાનપુરમાં બાંગ્લાદેશ સામેની મેચમાં જીત ટીમ ઈન્ડિયા માટે બૉનસથી ઓછી નહીં હોય કારણ કે ન્યૂઝીલેન્ડ બાદ ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝનું પરિણામ કંઈ પણ આવી શકે છે.
જો રૂદ્દ થઇ કાનપુર ટેસ્ટ -
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુરમાં રમાઈ રહેલી ટેસ્ટ વરસાદના કારણે રદ્દ થાય તો ટીમ ઈન્ડિયાને 4 પોઈન્ટ મળશે. મેચ રદ્દ થવાથી ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી પણ ઘટી જશે. જો કે આ પછી પણ ટીમ ઈન્ડિયા પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની દરેક તક હશે.
જ્યારે ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી ઘટી છે, અન્ય ટીમો પાસે હજુ પણ સારી જીતની ટકાવારી હાંસલ કરવાની તક છે. દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકા પોતપોતાની તમામ મેચો જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસને વધુ પડકારજનક બનાવી શકે છે.
આ પણ વાંચો