શું પાકિસ્તાન સામે રમશે શુભમન ગિલ? ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે ગિલની હાલત વિશે કર્યો મોટો ખુલાસો
Shubman Gill Update: ભારતના યુવા બેટ્સમેન શુભમન ગિલ બીમારીના કારણે વર્લ્ડ કપની મેચ રમી શક્યો નથી. હવે ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચે ગિલની હાલત વિશે જાણકારી આપી છે.
ICC Cricket World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ વિક્રમ રાઠોડે યુવા બેટ્સમેન શુભમન ગિલ વિશે કેટલાક ખુલાસા કર્યા છે. તેણે પુષ્ટિ કરી છે કે શુભમન ગિલ બીમારીથી પીડિત છે, અને હજુ પણ ચેન્નાઈમાં રિકવરી સ્ટેજ પર છે. બેટિંગ કોચે એમ પણ કહ્યું કે તેને ચેન્નાઈની એક હોસ્પિટલમાં માત્ર તકેદારીના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યો હતો અને હવે તે હોટેલમાં પાછો ફર્યો છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં રહેલા શુભમન ગિલને વર્લ્ડ કપની શરૂઆત પહેલા ડેન્ગ્યુ થયો હતો, જેના કારણે તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચ રમી શક્યો નહોતો. તે પછી, બીસીસીઆઈએ તેને સોમવારે અફઘાનિસ્તાન સામેની ભારતની બીજી વર્લ્ડ કપ મેચમાંથી પણ બહાર કરી દીધો કારણ કે તે મેડિકલ ટીમની દેખરેખ હેઠળ ચેન્નાઈમાં રહ્યો હતો.
બેટિંગ કોચે ગિલની સ્થિતિ વિશે જણાવ્યું
હવે ભારતના બેટિંગ કોચે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "તે સારી રીતે સ્વસ્થ થઈ રહ્યો છે. હા, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ માત્ર સાવચેતીના ભાગરૂપે દાખલ કરવામાં આવ્યો હતો. તે હોટેલમાં પાછો ફર્યો છે, અને તે સાજો થઈ રહ્યો છે. તે તબીબી ટીમ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે અને, અમને આશા છે કે તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તે હવે ખરેખર સારો દેખાઈ રહ્યો છે."
શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો પ્રાથમિક ઓપનિંગ બેટ્સમેન હતો, પરંતુ ઓસ્ટ્રેલિયા સામે તેની જગ્યાએ ઈશાન કિશનને ઓપનિંગની જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ તે શૂન્ય પર આઉટ થઈ ગયો હતો. જોકે, અફઘાનિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા ગિલની જગ્યાએ ઈશાન કિશનને ઓપનિંગ કરવાની તક આપી શકે છે. જો કે, ડેન્ગ્યુ જેવા તાવમાંથી સાજા થવામાં અને પછી મેચ માટે ફિટ થવામાં ઓછામાં ઓછા 2 અઠવાડિયા લાગે છે. આવી સ્થિતિમાં શુભમન ગિલ માટે 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મેચમાં રમવું મુશ્કેલ લાગી રહ્યું છે.
નોંધનીય છે કે, બીસીસીઆઈ ગીલના સ્થાનની જાહેરાત કરશે નહીં અને તે વર્લ્ડકપમાં ટીમનો ભાગ રહેશે. ગીલ આ વર્ષે વનડેમાં ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એકવાર સંપૂર્ણ ફિટ થઈ ગયા બાદ ગીલ વર્લ્ડકપમાં ભારત માટે સૌથી મોટો ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે.