T20 World Cup 2024: સુપર-8 અગાઉ ભારતની વધી મુશ્કેલી, પનોતી છે બારબાડોસનું મેદાન, ક્યારેય નથી જીતી મેચ
T20 World Cup 2024:સુપર-8 મેચોમાં ભારતની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સાથે થશે. બંને ટીમોની આ મેચ બારબાડોસના કેનસિંગટન ઓવલ સ્ટેડિયમમાં રમાવાની છે.
T20 World Cup 2024:
T20 World Cup 2024: સુપર-8 મેચોમાં ભારતની પ્રથમ મેચ 20 જૂને અફઘાનિસ્તાન સાથે થશે. બંને ટીમોની આ મેચ બારબાડોસના કેનસિંગટન ઓવલ સ્ટેડિયમમાં રમાવાની છે. T20 વર્લ્ડ કપ 2024ની વાત કરીએ તો ભારત હજુ સુધી એકપણ મેચ હારી નથી, પરંતુ કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ બહુ સારો રહ્યો નથી. અત્યાર સુધી ભારત બારબાડોસની ધરતી પર જીત નોંધાવવામાં સફળ રહ્યું નથી. આવી સ્થિતિમાં સવાલ એ છે કે શું ટીમ ઇન્ડિયા સુપર-8ની પ્રથમ મેચમાં રાશિદ ખાન અને તેની ટીમને હરાવી શકશે.
ભારત ક્યારેય જીત્યું નથી
ભારતે બારબાડોસના કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર અત્યાર સુધી બે T20 મેચ રમી છે. આ બંને મેચ 2010 T20 ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન થઈ હતી, જેનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ દ્વારા કરવામાં આવ્યું હતું. આ મેદાન પર ઓસ્ટ્રેલિયા સાથે ભારતની પ્રથમ ટક્કર 7 મે 2010ના રોજ થઈ હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 184 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો, પરંતુ જવાબમાં આખી ભારતીય ટીમ 135 રન પર જ ઓલઆઉટ થઇ ગઈ હતી અને 49 રનથી મેચ હારી ગઈ હતી. તેના માત્ર 2 દિવસ બાદ ટીમ ઈન્ડિયાએ આ જ મેદાન પર વેસ્ટ ઈન્ડિઝનો સામનો કર્યો હતો. આ વખતે ભારત યજમાન ટીમે આપેલા 170 રનના ટાર્ગેટને હાંસલ કરી શક્યું ન હતું. આ મેદાન પર ભારતની અત્યાર સુધીની આ છેલ્લી T20 મેચ છે.
આ મેદાન ભારત માટે પનોતી છે
T20 મેચો સિવાય જો આપણે ODI ફોર્મેટ પર નજર કરીએ તો ભારતે અત્યાર સુધીમાં કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર 5 વન-ડે મેચ રમી છે, જેમાંથી તે માત્ર 2 વખત જીતી શકી છે અને ત્રણ વખત હાર્યું છે. ભારત આ મેદાન પર અત્યાર સુધી 9 ટેસ્ટ મેચ રમ્યું છે જેમાંથી તે ક્યારેય જીત્યું નથી. આ 9 ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયા 7 વખત હારી છે, જ્યારે 2 મેચ ડ્રો રહી છે. જો આપણે ફક્ત મર્યાદિત ઓવરોના ફોર્મેટ પર નજર કરીએ તો ભારત કેન્સિંગ્ટન ઓવલ મેદાન પર તેની 71 ટકા મેચ હારી ગયું છે.