Gandhinagar Crime | વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ, સરકારી અધિકારીએ જ વેચી મારી સરકારી જમીન
ગાંધીનગર જિલ્લામાં કિંમતી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાના કૌભાંડમાં સરકારી અધિકારીઓની મિલિભગતનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મળતી જાણકારી અનુસાર ગાંધીનગરના પીરોજપુર ગામમાં આવેલી લાખો રૂપિયાની સરકારી જમીનનો દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે કરી દેવાના મામલે ગાંધીનગરના સબ રજિસ્ટ્રાર વિષ્ણુ દેસાઈ સામે સેકટર-7 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન-3માં સબ રજિસ્ટ્રાર તરીકે વિષ્ણુભાઈ હરગોવિંદભાઈ દેસાઈ ફરજ બજાવતા હતા. વિષ્ણુભાઈએપીરોજપુર ગામની સીમના સર્વે નં-179ના કુલ ક્ષેત્રફળમાંથી 50 ટકા એટલે કે 2735 ચોમી જમીનના વેચાણ દસ્તાવેજની નોંધણી કરી હતી અને ટાઈટલની ચકાસણી કર્યા વગર દસ્તાવેજ કરી દેવામાં આવ્યો હતો. નોંધણી થયેલી જમીનની બજાર કિંમત હાલની જંત્રી મુજબ 59 લાખ 67 હજાર 770 રૂપિયા છે. હાલમાં તો સબ રજિસ્ટ્રાર સામે ગુનો દાખલ કરી પોલીસે જમીન ખરીદનારા તથા વેચનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે.