Vadodara Rains: વડોદરામાં વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ, આવતીકાલે શાળા-કોલેજોમાં રજા
ભારે વરસાદના કારણે વડોદરામાં સ્થિતિ વિકટ બની રહી છે. વડોદરાના છાણી વિસ્તારની દુકાનોમાં પાણી ભરાયા છે. અનેક સોસાયટીઓમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વરસાદના કાણે પાણી ભરાતા વડોદરામાં અનેક ઠેકાણે ટ્રાફિક જામ થયોછે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેરમાં ભારે વરસાદના કારણે શાળાઓ બંધ રાખવા સૂચના આપવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને સૂચના આપવામાં આવી છે.
વડોદરા શહેરમાં આજે સવારથી વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે શહેરની શાળાઓ અને કોલેજો વહેલી છોડી દેવામાં આવી હતી. જોકે વરસાદના કારણે રસ્તા પર ઠેર-ઠેર પાણી ભરાયા હોવાના કારણે શાળાઓમાં ભારે અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો હતો. કારણ કે સ્કૂલોમાં વાલીઓ અને સ્કૂલ વર્ધીના વાહનોને પહોંચવામાં પણ તકલીફ પડી હતી. શહેરમાં કેટલીક જગ્યાએ સ્કૂલ વર્ધીના વાહનો રસ્તામાં જ બંધ પડતા બાળકો અટવાઈ ગયા હતા. શહેરમાં તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાથી સ્કૂલોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. શાળા સંચાલકોએ વાલીઓને ફોન કરી કરીને કે વોટ્સએપ ગ્રુપમાં મેસેજ મૂકીને તેમના બાળકોને લઈ જવા માટે અપીલ કરી હતી.