ખેડૂતો થયા માલામાલ: ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી રેકોર્ડ ૧૨.૨૩ લાખ ટન મગફળી ખરીદી, ૭ દિવસમાં ચૂકવણું
૧૨.૨૩ લાખ મેટ્રિક ટન મગફળી ટેકાના ભાવે ખરીદાઈ, ખેડૂતો ખુશખુશાલ; ખરીદી બાદ માત્ર સાત દિવસમાં ચૂકવણું કરીને રાજ્ય સરકારે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો

Gujarat groundnut purchase 2025: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની વિક્રમજનક ખરીદી કરીને નવો ઇતિહાસ રચ્યો છે. રાજ્ય સરકારે અત્યાર સુધીની સૌથી વધુ ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરીને વિક્રમ સ્થાપિત કર્યો છે, જેનાથી ૩.૬૭ લાખથી વધુ ખેડૂતોને ફાયદો થયો છે. આ ઉપરાંત, રાજ્ય સરકારે ખરીદી પ્રક્રિયાને ઝડપી બનાવીને માત્ર સાત દિવસમાં ખેડૂતોને ચૂકવણું કરીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ સિદ્ધિની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત સરકારે આ વર્ષે મગફળીની ટેકાના ભાવે ખરીદીમાં અણધાર્યો સફળતા મેળવી છે. અમે રાજ્યના ૩.૬૭ લાખથી વધુ ખેડૂતો પાસેથી રૂ. ૮,૨૯૫ કરોડથી વધુ મૂલ્યની ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી કરી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે."
મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતલક્ષી અભિગમના કારણે આ શક્ય બન્યું છે. વડાપ્રધાનએ પ્રતિદિન ખેડૂત દીઠ મગફળી ખરીદીની મર્યાદા ૧૨૫ મણથી વધારીને ૨૦૦ મણ કરી, જેના પરિણામે વધુ ખેડૂતો ટેકાના ભાવે મગફળી વેચી શક્યા. છેલ્લા પાંચ વર્ષમાં કુલ ૨૨.૮૪ લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ હતી, જેની સામે આ વર્ષે એક જ સિઝનમાં રેકોર્ડબ્રેક ૧૨.૨૩ લાખ મેટ્રિક ટન ખરીદી થઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોને વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવાની નવી પ્રણાલી શરૂ કરી છે, જેનાથી ખેડૂતો નિશ્ચિત થઈને વાવેતર કરી શકે છે. આ વર્ષે મગફળીનું મબલખ ઉત્પાદન થયું અને બજાર ભાવ કરતા ટેકાનો ભાવ વધારે હોવાથી ખેડૂતોએ આ યોજનાનો ભરપૂર લાભ લીધો. જેના પરિણામે ૩.૬૭ લાખ ખેડૂતોને અંદાજે રૂ. ૧૫૩૦ કરોડનો સીધો લાભ થયો છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ટેકાના ભાવે સોયાબીનની ખરીદી પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ૨૭૦ કરોડના મૂલ્યની ૫૫,૨૧૩ મેટ્રિક ટન સોયાબીનની ખરીદી કરવામાં આવી છે.
ખરીદી પ્રક્રિયાની કાર્યક્ષમતા વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, નોંધાયેલા ૩.૭૪ લાખ ખેડૂતોમાંથી ૯૮ ટકા ખેડૂતોએ ટેકાના ભાવે સરકારને મગફળી વેચી છે. જેમાંથી ૨.૯૨ લાખથી વધુ ખેડૂતોને રૂ. ૬,૬૦૦ કરોડનું ચૂકવણું તેમના બેંક ખાતામાં સીધું જમા કરવામાં આવ્યું છે. બાકીના ખેડૂતોને પણ આગામી સાત દિવસમાં ચૂકવણું પૂર્ણ કરી દેવામાં આવશે.
મંત્રી રાઘવજી પટેલે આ રેકોર્ડબ્રેક ખરીદી પ્રક્રિયાને સફળ બનાવવા માટે અધિકારીઓ, કેન્દ્રિય અને રાજ્ય નોડલ એજન્સીઓ અને વખાર નિગમના સહયોગની પ્રશંસા કરી હતી. તેમણે ખાસ કરીને કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્મા અને ખેતી નિયામકના યોગદાનને બિરદાવ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે ખેડૂતોના હિતને સર્વોપરી રાખીને પડકારજનક પરિસ્થિતિમાં પણ તમામ નોંધાયેલા ખેડૂતો પાસેથી ખરીદી પૂર્ણ કરી છે. વડાપ્રધાનના ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાના સંકલ્પને સાચા અર્થમાં સાકાર કરવાનો સંતોષ વ્યક્ત કરતા કૃષિ મંત્રીએ વડાપ્રધાન, કેન્દ્રીય કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો...
ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
