(Source: ECI/ABP News/ABP Majha)
કોરોનાનો પ્રકોપ વધતા ગુજરાતના આ શહેરમાં 75 ટકા બેડ ભરાઈ ગયા
ICUમાં 430 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 124 બેડ ખાલી છે.
અમદાવાદના કોરોનાના કેસમાં રેકોર્ડ બ્રેક કેસ વધી રહ્યાં છે. ત્યારે લોકોને હવે હોસ્પિટલમાં દાખલ થવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલોની સંખ્યા અને થોડા બેડ વધારવા છતા હાલ 74.04 ટકા બેડ ભરાઈ ગયા છે.
3600 બેડ ધરાવતી અમદાવાદની 65 જેટલી ખાનગી હોસ્પિટલોમાં બે હજાર 785 બેડ પર દર્દીઓની સારવાર ચાલી રહી છે. જેમાં વેંટીલેટર પર 219 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે વેંટીલેટર વાળા હવે 58 બેડ ખાલી છે. અમદાવાદ શહેરની ખાનગી હોસ્પિટલોમાં માત્ર 970 બેડ ખાલી છે. એક હજાર 18 દર્દીઓ સામાન્ય સારવાર હેઠળ છે. જ્યારે 425 બેડ ખાલી છે. જ્યારે ICUમાં 430 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે 124 બેડ ખાલી છે.
રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસનો આંકડો 2800ને પાર થયો છે. શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 2 હજાર 875 કેસ નોંધાયા હતા. તો વધુ 14 દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં સૌથી વધુ સુરત શહેરમાં 8, અમદાવાદ શહેરમાં 4, વડોદરા શહેરમાં 1 અને અમરેલીમાં 1 દર્દીનું સારવાર દરમિયાન મોત થયુ છે.
રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 15 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 15135 પર પહોંચ્યો છે. જેમાંથી 163 લોકો વેન્ટિલેટર પર અને 14972 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.81 ટકા છે.
નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં 664 અને ગ્રામ્યમાં 12, સુરત શહેરમાં 545 અને ગ્રામ્યમાં 179, વડોદરા શહેરમાં 309 અને ગ્રામ્યમાં 58, રાજકોટ શહેરમાં 233 અને ગ્રામ્યમાં 43, જામનગર શહેરમાં 54 અને ગ્રામ્યમાં 43, ભાવનગર શહેરમાં 58 અને ગ્રામ્યમાં 18, જૂનાગઢ શહેરમાં 17 અને ગ્રામ્યમાં 8, ગાંધીનગર શહેરમાં 30 અને ગ્રામ્યમા નવા 35 કેસ નોંધાયા છે.
તો અન્ય જિલ્લાની વાત કરીએ તો પાટણમાં 61, મહેસાણામાં 56, દાહોદમાં 38, પંચમહાલમાં 37, બનાસકાંઠા અને ભરુચમાં 30-30, ખેડામાં 29, મોરબીમાં 27, કચ્છમાં 26, આણંદમાં 25, મહીસાગરમાં 24, દ્વારકામાં 21, સુરેંદ્રનગરમાં 20, અમરેલી, સાબરકાંઠા અને તાપીમાં નવા 18-18, છોટાઉદેપુર, નર્મદા અને વલસાડમાં નવા 16-16, નવસારીમાં 15, બોટાદમાં નવા 10 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 64,89,441 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,83,043 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 2,77,888 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.
ગુજરાતમાં અત્યાર સુધીમાં 4566 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે.