Petrol-Diesel Price: ‘ક્રૂડ ઓઈલ નહીં પણ આ કારણથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ’, કોંગ્રેસે કર્યો મોટો દાવો
Petrol-Diesel Price: કોંગ્રેસે વધતી મોંઘવારીને લઈ ફરી બીજેપી સરકારને આડેહાથ લીધી છે
Petrol-Diesel Price Hike: દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. આજે પેટ્રૉલ-ડીઝલની કિંમતોમાં ફરી એકવાર વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રૉલ-ડીઝલની કિંમતો 80 પૈસા વધી ગઇ છે. આ પછી રાજધાનીમાં એક લીટર પેટ્રૉલની કિંમત 98 રૂપિયા 61 પૈસા અને એક લીટર ડીઝલની કિંમત 89 રૂપિયા 87 પૈસા થઇ ગઇ છે. કાલે પેટ્રૉલ-ડીઝલની કિંમતોમાં 80 પૈસાનો વધારો થયો હતો, ચાર મહિનાથી વધુના સમયગાળા બાદ મંગળવારે પહેલીવાર આ કિંમતોમાં ફેરફાર જોવા મળ્યો હતો, ત્યારબાદ છેલ્લા પાંચ દિવસની અંદર ચોથી વાર પેટ્રૉલ-ડીઝલ મોંઘુ થયુ છે. કોંગ્રેસે વધતી મોંઘવારીને લઈ ફરી બીજેપી સરકારને આડેહાથ લીધી છે.
શું કહ્યું કોંગ્રેસે
કોંગ્રેસ કહ્યું, એક તરફ દેશમાં લોકોની આવક ઘટાડી અને બીજી બાજુ મોંઘવારીનો ડામ આપ્યો. રણદીપ સુરજેવાલાએ કહ્યું, કોંગ્રેસ દેશભરમાં ત્રણ તબક્કામાં મોંઘવારી મુક્ત ભારત અભિયાન શરૂ કરશે. જે અંતર્ગત 31 માર્ચે સવારે 11 વાગે કોંગ્રેસ કાર્યકર્તા તેમના ઘરની બહાર અને જાહેર સ્થળોએ રસોઈ ગેસ સિલિન્ડરની માળા પહેરીને, ઘંટ તથા ડ્રમ વગાડીને પ્રદર્શન કરશે. 2 થી 4 એપ્રિલ સુધી દેશભરમાં જિલ્લા સ્તરે અને 7 એપ્રિલે રાજ્યોની રાજધાનીમાં કોંગ્રેસ કાર્યકર્તા ધરણા પ્રદર્શન કરશે.
તેમણે એમ પણ કહ્યું, પાંચ દિવસમાં ચોથી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે. મે 2014માં મોદીજીએ જ્યારે સત્તા સંભાળી ત્યારે પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યૂટી 9 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર હતી અને ડીઝલ પર 3 રૂપિયા 46 પૈસા હતી. છેલ્લા આઠ વર્ષમાં ડીઝલ પર 531 ટકા અને પેટ્રોલ પર 203 ટકા એકસાઇઝ ડ્યૂટી વધારવામાં આવી છે.
મુંબઇમાં પેટ્રૉલ-ડીઝલની કિંમતોમાં વધારો -
દેશની આર્થિક રાજધાની મુંબઇમાં એક લીટર પેટ્રૉલની કિંમત 113 રૂપિયા 29 પૈસા અને એક લીટર ડીઝલની કિંમત 97 રૂપિયા 49 પૈસા થઇ ગઇ છે. અહીં પેટ્રૉલની કિંમતમાં 84 પૈસા અને ડીઝલની કિંમતોમાં 85 પૈસાનો વધારો ઝીંકાયો છે. તાજેતરમાં કાચા તેલની કિંમતોમાં તંગ પુરવઠાના ડરથી લગભગ 35-40 ટકાનો વધારો થયો છે.
ઉલ્લેખનીય છે કે, નવેમ્બરની શરૂઆતથી મંગળવાર સુધી ઇંધણની કિંમતો સ્થિર રહી હતી, તે દરમિયાન કેન્દ્રએ પેટ્રૉલ અને ડીઝલ પર ઉત્પાદ શુલ્કમાં ક્રમશઃ 5 રૂપિયા અને 10 રૂપિયા પ્રતિ લીટરની કમી હતી. ઓએમસી જુદાજુદા કારકોના આધાર પર પરિવહન ઇંધણ ખર્ચમાં ફેરફાર કરે છે. છેલ્લી કિંમતમાં ઉત્પાદ શુલ્ક, મૂલ્ય વર્ધિત કર અને ડીલરનુ કમીશન સામેલ છે.
રશિયા વિરુદ્ધ પ્રતિબંધ ભારત માટે ચિંતાનો વિષય -
આશંકા છે કે રશિયા વિરુદ્ધ હાલમાં પ્રતિબંધ વધુ વૈશ્વિક પુરવઠાને ઓછો કરી દેશે અને વિકાસને પ્રભાવિત કરશે. કાચા તેલની કિંમત સીમા ભારત માટે ચિંતાનો વિષય છે, કેમ કે આનાથી પેટ્રૉલ અને ડીઝલ 15 થી 25 રૂપિયા મોંઘુ થઇ શકે છે. હાલમાં ભારત પોતાની જરૂરિયાતના લગભગ 85 ટકા કાચુ તેલ આયાત કરે છે.