Amreli: લીલીયા બાદ સાવરકુંડલામાં કોંગો ફીવરનો કેસ મળતા ફફડાટ, જાણો કેવા હોય છે લક્ષણો
Amreli News: થોડા દિવસ પહેલા લીલીયા તાલુકાના લોકાલોકી ગામના 55 વર્ષીય આધેડનું કોંગો ફેવરથી મોત થયું હતું.
Congo Fever in Amreli: ચોમાસાની ઋતુમાં હાલમાં રાજ્યમાં રોગચાળાએ માથું ઉચક્યં છે. એક તરફ શરદી,તાવ, ઉધરસ અને આંખને લગતા રોગો સામે આવી રહ્યા છે તો બીજી તરફ કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. અમરેલીના લીલીયા બાદ સાવરકુંડલામાં કોંગો ફીવરનો પોઝિટિવ કેસ સામે આવતા ફફડાટ ફેલાયો છે. સાવરકુંડલાના જેસરરોડ પર રહેતા 46 વર્ષીય માલધારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, હાલ માલધારીની તબિયત સુધારા પર હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.
થોડા દિવસ પહેલા લીલીયા તાલુકાના લોકાલોકી ગામના 55 વર્ષીય આધેડનું શંકાસ્પદ કોંગો ફેવરથી મોત થયું હતું. આરોગ્ય વિભાગે 23-7 ના રોજ સેમ્પલ લીધું હતું. તો બીજી તરફ મૃતક ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાઈ રહ્યો હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. મૃત્યુ બાદ સેમ્પલમાં બે દિવસ પહેલા કોંગો ફીવર પોઝિટિવ આવતા અમરેલી જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે..
કેવી રીતે ફેલાય છે કોંગો ફીવર
ડબ્લ્યુએચઓના કહેવા મુજબ લોહી અથવા શારીરિક પ્રવાહીના નજીકના સંપર્ક દ્વારા મનુષ્યો વચ્ચે ફેલાય છે. સામાન્ય રીતે તે પ્રાણીઓનો રોગ છે અને તે બગાઇ અથવા ચાંચડના કરડવાથી થાય છે. એકવાર કોંગો ફીવરનો વાયરસ સંક્રમિત થઈ જાય પછી તેને આખા શરીરમાં ફેલાતા ત્રણથી નવ દિવસ લાગી શકે છે. આ રોગમાં મૃત્યુની ઉચ્ચ સંભાવના છે. 30 થી 80 ટકા લોકો કોંગો ફીવર રોગથી મૃત્યુ પામે છે.
કેવા હોય છે લક્ષણો
કોંગો તાવના દર્દીઓ રોગના પ્રારંભિક તબક્કામાં તાવ, સ્નાયુમાં દુખાવો, ચક્કર, આંખમાં દુખાવો, ઉલટી અને ગળામાં દુખાવો જેવા લક્ષણો દર્શાવે છે. જેના કારણે શરીરમાં આંતરિક રક્તસ્ત્રાવ થવાની સંભાવના રહે છે અને ગંભીર સ્થિતિમાં શરીરના તમામ અંગો કામ કરવાનું બંધ કરી દે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર, કેટલાક લોકોને કર્કશતાની સાથે કમરનો દુખાવો અને ઉબકા આવવાની ફરિયાદ પણ જોવા મળી છે. રોગ થયાના લગભગ 2 થી 4 દિવસ પછી લક્ષણોમાં વધારો થાય છે. હૃદયના ધબકારા વધે છે અને ગળા, નાક કે મોઢામાંથી લોહી નીકળવા લાગે છે. ઘણી વખત દર્દીઓની કિડની અને લીવર ફેલ થઈ જાય છે.
કેવી રીતે બચાવ કરશો
દર્દીના સંબંધીઓ અને તેમની સારવાર કરતા ડોકટરોએ પણ સાવચેત રહેવાની જરૂર છે. તેઓએ દર્દીના શરીરમાંથી આવતા પ્રવાહી જેમ કે નાક, આંખ અને મોંમાંથી પાણી અને મોંમાંથી લાળથી દૂર રહેવું જોઈએ. આ સાથે જો કોંગો ફીવર જેવા લક્ષણો દેખાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો જોઈએ. આ તાવને રોકવા માટે હજુ સુધી કોઈ રસી વિકસાવવામાં આવી નથી. એન્ટિવાયરલ દવાઓ કોંગો તાવની અસરકારક સારવાર માનવામાં આવે છે. જો કે, આ રોગને સંપૂર્ણ રીતે નિયંત્રિત કરવો મુશ્કેલ છે.