ST નિગમનો મહત્વનો નિર્ણય, આ બે રાજ્યો માટે બસ સેવા હંગામી ધોરણે બંધ, જાણો વિગતો
સામાન્ય દિવસોમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની બસમાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. કોરોનાની મહામારીના કારણે એસટી નિગમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ગાડી હજી પાટા પર ચડી રહી હતી ત્યાં જ ફરી કોરોનાનો કહેર વધ્યો છે. જેના પગલે GSRTCની સેવા પર અસર પડી રહી છે.
અમદાવાદ : ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. કોરોના સંક્રમણના કારણે લોકો મુસાફરી કરતા બંધ થયા છે. સામાન્ય દિવસોમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ની બસમાં દરરોજ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ પ્રવાસ કરે છે. કોરોનાની મહામારીના કારણે એસટી નિગમને પણ કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ગાડી હજી પાટા પર ચડી રહી હતી ત્યાં જ ફરી કોરોનાનો કહેર વધ્યો છે. જેના પગલે GSRTCની સેવા પર અસર પડી રહી છે.
રાજ્યમાં વધતા સંક્રમણને પગલે લોકો પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે. આ જ કારણે બસ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા પણ ઘટી છે. એમાં પણ રાત્રિ કર્ફ્યૂને પગલે રાત્રિ પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. હાલ વિભાગ તરફથી 5047 શિડ્યુલ બસનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ એસટી વિભાગે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ માટે બસ સેવા હાલ સ્થગિત કરી દીધી છે.
એસટી નિગમના સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું છે કે, સ્વૈચ્છિક લોકડાઉનના કારણે ગામડાઓમાંથી આવતા જતા પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. સાથે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવતા પ્રવાસીઓની સંખ્યા ઘટતા બસનું સંચાલન હંગામી ધોરણે સ્થગિત કરવામાં આવ્યું છે. રાજસ્થાન તરફ આવતા અને જતા પ્રવાસીઓની 50 ટકા સંખ્યા ઘટી છે. જેના કારણે રાજસ્થાન પહેલા 120 શિડ્યુલ બસ ચલાવતા હતા તેમાંથી અડધી જ બસ ચલાવવામાં આવી રહી છે.
બસો રાબેતા મુજબ દોડતી હતી તેના કારણે એસટી નિગમને 5.75 કરોડની આવક થતી હતી. પરંતુ પ્રવાસીઓ ઘટતા આવકમાં ઘટાડો થયો છે. હાલ એસટી નિગમને ત્રણ કરોડ આસપાસ આવક થાય છે, એટલે કે આવકમાં પણ 45 ટકાનો ઘટાડો થયો છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
બુધવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 7410 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 73 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક પાંચ હજારનની નજીક પહોંચી ગયો છે. રાજ્યમાં અત્યાર સુધી 3,23,371 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 39 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 39250 પર પહોંચ્યો છે. જેમાંથી 254 લોકો વેન્ટિલેટર પર અને 38996 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 87.96 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4995 પર પહોંચ્યો છે.