(Source: ECI/ABP News/ABP Majha)
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-9 : પોરબંદરના આ રાજનેતાથી ગેંગસ્ટરો પણ થરથર કાપતા
70ના દાયકામાં પોરબંદર જૂનાગઢ જિલ્લામાં આવતું. એ સમયે જિલ્લાના પોલીસ વડા મજબુતસિંહ જાડેજા હતા.
પોરબંદરના ખારવાવાડમાં નારણ મેપા અને નારણ સુધાની બે ગેંગ સક્રિય છે તો શહેરમાં સરમણ મુંજાની ગેગ સક્રિય છે. મેમણવાડામાં રહેતા સરમણ અને તેની ગેંગના સભ્યોને અનેક વખત ખારવાવાડની ગેંગ સાથે માથાકુટ થતી. પોરબંદર જિલ્લામાં મેર જ્ઞાતીની સંખ્યા વધુ છે.સરમણ મુંજા મેર સમાજમાંથી આવતા હોય પોરબંદરના ગ્રામ્ય વિસ્તારના કોઈપણ ગામે જાય ત્યારે તેમનો રીતસરનો દરબાર ભરાતો. સામાન્ય માણસો પોતાની મુશ્કેલીઓ સરમણ મુંજા સમક્ષ રાખતા સરમણ તેનો ઉકેલ પણ લાવતા. સરમણ મુંજાની આ કામગીરીને પગલે મેર સહિતની જ્ઞાતીમાં તે સમય જતાં પટેલ તરીકે પણ ઓળખાવા લાગ્યા.
મજબુતસિંહ જેવા બાહોશ અધિકારીથી રાજનેતા પણ ડરતા
બીજી તરફ પોરબંદર શહેરમાં ખારવા અને મેર ગેંગની વચ્ચે મારામારીના બનાવો પોલીસ માટે પડકાર બની રહ્યા હતા. 70ના દાયકામાં પોરબંદર જૂનાગઢ જિલ્લામાં આવતું. એ સમયે જિલ્લાના પોલીસ વડા મજબુતસિંહ જાડેજા હતા. ત્યારના સમયમાં પોલીસ ખાતાના અધિકારીઓનો એક અલગ માભો રહેતો. ડીએસપી મજબુતસિંહ જાડેજા જેવા અધિકારીઓ સામે ભલભલા રાજનેતા ભલામણ કરતા ડરતા. મજબુતસિંહ કોઈનો રુપિયો લેવાનુ તો ઠીક પરંતુ ચા પીવાનું પણ ટાળતા. કાયદા મુજબ ગમે તેવા ચમરબંધીને જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં તેઓ કોઈની સાડાબારી રાખતા નહીં. પોરબંદરમાં એએસપી તરીકે પ્રોબેશનલ આઈપીએસ અધિકારી એ કે ભાર્ગવ હતા, તેઓ 2004માં ગુજરાતના પોલીસ મહાર્નિદેશક તરીકે સેવા નિવૃત થયા હતા. આ સમયમાં ડીવાયએસપી આર કે દ્રિવેદી અને પીએસઆઈ પઠાણ જેવા બાહોશ અને કડક પોલીસ અધિકારીની પોરબંદરમાં બદલી થાય છે. આ અધિકારીઓને શહેરમાં વધતી ગુનાખોરીને ડામવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
ગેંગસ્ટરો નગરપાલિકામાં પ્રમુખ નક્કી કરતા
પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં મેર જ્ઞાતિનું વર્ચસ્વ ખૂબ જોવા મળે છે, જયારે શહેરમાં ખારવા જ્ઞાતીનુ પ્રભુત્વ વધારે જોવા મળતુ. મેર સમાજ ખૂબ જ લડાયક ગણાય છે. પરંતુ સમય જતાં ખારવા સમાજનું વર્ચસ્વ વધ્યુ અને શહેરમાં ગેંગનુ પ્રભુત્વ આવવાને પગલે પોરબંદર છાંયા નગરપાલિકામાંથી સારા લોકોની બાદબાકી થવા લાગી.પોરબંદર છાંયા નગરપાલિકામાં હવે ખારવા અને મેર ગેંગના ટેકાથી લોકો ચૂંટાવા લાગ્યા.1970ના સમયે પોરબંદર અને છાંયા સંયુકત નગરપાલિકા હતી.જે સમય જતાં લગભગ ત્રણ દાયકા પછી પોરબંદર નગરપાલિકા અને છાંયા નગરપાલિકા અલગ થઈ .એક સમય એવો આવ્યો કે પોરબંદર નગરપાલિકાના સભ્યોમાં મોટા ભાગના સભ્યોના નામ પોલીસ સ્ટેશનના ચોપડે નોંધાયેલા જોવા મળવા લાગ્યા. ગેંગસ્ટર નારણ મેપા,નારણ સુધા,લાલજી પાંજરી, હીકુ ગગન સહિતના ગેંગસ્ટરો નગરપાલિકામાં પ્રમુખનો તાજ પહેરી ચૂકયા હતા અથવા પ્રમુખ પોતે નકકી કરતા.
રાજકારણમાં એક સમયે મહાજનોનું વર્ચસ્વ હતું
પોરબંદર શહેરમાં ખારવા- મેર ઉપરાંત લોહાણા અને રબારી જ્ઞાતિ પણ ખરી. શહેરની નગરપાલિકા પર એક સમયે મહાજનોનુ વર્ચસ્વ હતું. શહેરના વિકાસને પ્રાધાન્ય આપે તેવા સારા અને સુશુક્ષિત નેતાઓને લોકો પસંદ કરતા. ગુજરાત રાજયની સ્થાપના બાદ 1962ની પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં પોરબંદરની બેઠક પર પ્રથમ ધારાસભ્ય તરીકે પોપટલાલ કક્કડ ચૂંટાયા હતા. મહાત્મા ગાંધીની જન્મભૂમિથી ચૂંટાઈને ગાંધીનગર પહોંચેલા પોપટભાઈનો એક અલગ માભો વિધાનસભામાં જોવા મળતો હતો. આ સમયે પોરબંદરમાં ગેંગવોરની શરૂઆત થઈ નહોતી. પોરબંદરના રાણો ,પાણો અને ભાણોની ઓળખ વિશ્વભરમાં જોવા મળતી હતી. આ ઓળખ અનુરુપ વિકાસના કાર્યો કરવામાં પોપટભાઈ કક્કડ ખૂબ મહેનત કરી હતી.પોતાની પ્રથમ ટર્મમાં તેમણે લોક ઉપયોગી કાર્યો ખુબ કર્યા હતા. તેમની આ કાર્યપધ્ધતીને પગલે લોકોએ તેમને બીજી વખત 1967માં ફરી જીતાડી વિધાનસભા મોકલ્યા હતા. આ વખતે પોપટલાલે જે નેતાને હારનો સ્વાદ ચખાડ્યો તેમને આવનારા એક દાયકા સુધી પોરબંદર શહેર પર વર્ચસ્વ જમાવ્યુ હતુ.
રાજકારણમાં એકકો ગણાતા વસનજી
પોરબંદરના આ રાજનેતા વસનજી ખેરાજ ઠકરાર હતા. વસનજી 70થી 80ના દાયકા સુધી પોરબંદરના રાજકારણમાં હુકમનો એક્કો ગણાતા. આ એ સમય હતો જયારે પોરબંદર નગરપાલિકામાં ગુંડાઓની સંડોવણી નહીવત હતી. જો કે 1970માં ગેંગસ્ટરોની મદદથી રાજકારણમાં કઈ રીતે દબદબો બનાવી શકાય તેવો વિચાર રાજનેતા વસનજી ખેરાજ ઠકરારને આવ્યો. વસનજી ઠકરાર એક કુશળ અને બુધ્ધિશાળી રાજનેતા હતા. પોરબંદરમાં ખારવા અને મેર ગેંગના વર્ચસ્વ વચ્ચે પણ તેઓ બંને ગેંગોને સાચવી પોતાનુ કામ કઢાવી લેવામાં માહેર હતા. વિધાનસભાની ચૂંટણીમાં 1967માં પોપટલાલ સામે હારેલા વસનજીએ 1972માં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મેર સમાજના મોભી એવા માલદેવજી ઓડેદરા સામે ફરી હાર્યા. જો કે વિધાનસભાની ચૂંટણીમાં બે વખત હારનો સામનો કરી ચૂકેલા વસનજી નગરપાલિકાના રાજકારણમાં ખૂબ સફળ રહ્યા. તેઓ પોરબંદર નગરપાલિકામાં સમયાંતરે ચાર વખત પ્રમુખ પદ ભોગવવામાં સફળ રહ્યા. તેઓ પહેલી વખત 1 જુલાઈ 1970 થી 15 ડિસેમ્બર 1971 સુધી નગરપાલિકાના પ્રમુખ બન્યા.
ગેંગસ્ટરો પર વસનજીની મજબૂત પકડ હતી
વસનજી 1964માં નગરપાલિકાના સભ્ય તરીકે કાર્યરત હતા. શહેરના પંચહાટડી ચોકમાં તેઓ રેશનીંગની દુકાન ધરાવતા. વસનજી ગંજીપન્નાની ચોકડી રમવાના શોખીન હતા. તેઓ જુગાર રમતા નહીં પરંતુ માત્ર શોખ ખાતર મિત્રો સાથે રમવા બેસે અને જે હારે એમને પાન અને સોડા મંગાવવાની શરત રાખતા. તેઓ 30 નંબર બીડી પીતા. 1970ના દાયકમાં ખાંડ અને ચોખાની ખુબ અછત રહેતી લોકો ખાંડ અને ચોખા રેશનીંગની દુકાન મારફતે લઈ શકતા. કોઈ માણસ રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન પરથી ખાંડ અને ચોખાની સાથે નિકળે તો તેમની પૂછપરછ કરવામાં આવતી. પ્રમુખ તરીકે તેઓેએ સારા કામો કર્યા પરંતુ શહેરની ગેંગવોર જે વધુ વિકરાળ બની તેમાં વસનજીનો સિંહ ફાળો હોવાનુ વરિષ્ઠ પત્રકાર માને છે. લોકો કહે છે નગરપાલિકામાં પોતાનુ વર્ચસ્વ જાળવી રાખવા બધી ગેંગનો સાથ અને સહકાર લઈને તેઓ એક કુશળ રાજનેતા સાબિત થયા હતા. નગરપાલિકામાં પ્રથમ વખત પ્રમુખ બન્યા બાદ શહેરના વિકાસ કામો તેમણે કર્યા હતા. વસનજીએ શહેરીજનો માટે સિટી બસ સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે આધુનીક સુખ સુવિધાના સાધનોનો અભાવ રહેતો તે સમયે શહેરીજનો શહેરમાં ઓછા ખર્ચે કોઈપણ સ્થળે જઈ શકે તે માટે સીટી બસ સેવાનો વિચાર વસનજીને આવ્યો હતો. નગરપાલિકાના ખર્ચે જૂની એસટી બસ લાવી લોકોની સુવિધામાં વધારો કર્યો, જેને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો.
વસનજીએ પાલિકા પ્રમુખ તરીકે અનેક વિકાસકામો કરેલા
લોકો પરિવાર સાથે ફરી શકે તે માટે તેમણે શહેરના પેરેડાઈઝ ચોકમાં તે સમયે આધુનીક ત્રણ ફુવારાનુ નિર્માણ કર્યુ. આ ફુવારાની યોગ્ય ડીઝાઈન બનાવી શકાય તે માટે કારીગરોને ખાસ ઉદયપુર મોકલવામાં આવ્યા હતા. વસનજી ઠકરાર ખૂબ જ સુખી પરિવારમાંથી આવતા હતા. તેઓ સારી રાજકીય સુઝબુઝ ધરાવતા નેતા હોય ગુનેગારો પણ તેમને પૂછયા વગર કોઈ કામગીરી કરતા નહીં. શહેરની ગેંગોના તમામ સભ્યો વસનજીને ખૂબ આદર આપતા. વસનજી ઠકરાર 1 જુલાઈ 1972ના રોજ નગરપાલિકાના 8માં પ્રમુખ બન્યા બાદ શહેરના વિકાસનો ખરા અર્થમાં પાયો નાખ્યો. હિન્દુ-મુસ્લિમ વચ્ચે ચાલતા સ્મશાન અને કબ્રસ્તાનની દિવાલનો મુદ્દો શહેરમાં ખૂબ ચર્ચાસ્પદ બનેલો. સ્મશાનને મોટુ કરવા કબ્રસ્તાનની દિવાલ તોડવી જરુરી હતી. આ મુદે કોઈ નમતુ જોખવા તૈયાર નહોતું ત્યારે આ વિવાદને કોઈપણ જાતની શરતો વગર તેમની વચ્ચે ઉકેલ લાવવામાં આવ્યો હતો. કોઠાસુઝ ધરાવતા વસનજી આ વિવાદમાં બંને ધર્મના આગેવાનો સાથે બેસી સુખદ ઉકેલ લાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જેના કારણે દરેક ધર્મમાં તેમનું માન સન્માન વધી ગયુ હતું.
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-10માં ખારવા સમાજના મોભી અને પ્રથમ વકીલ એવા ધનજીભાઈ કોટીયાવાલાની પાલિકા પ્રમુખ તરીકેની એન્ટ્રીએ શહેરના રાજકારણમાં અનેક પરિવર્તન લાવ્યા તેના વિશે વાંચીશુ....
એક સમયે દાણચોરી માટે કુખ્યાત હતું પોરબંદર, માફિયાઓના રાજમાં જેલો કરવી પડતી બંધ (ભાગ-1)
ગેંગ્સ ઓફ પોરબંદર પાર્ટ 2 : ગાંધીજીની જન્મભૂમિ કઈ રીતે બની હિંસાનું કેંદ્ર
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ -3: પોરબંદરના પ્રખ્યાત રાણો,પાણો અને ભાણો અને ખમીરવંતા ખારવાનો ઈતિહાસ
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-4: દાણચોરીનો દરિયો પોરબંદર
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-5 : દાણચોરીના બેતાજ બાદશાહ
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-6 : પોરબંદરના ડોન નારણ મેપાના ભાઈની હત્યાથી શરુ થઈ ગેંગવોર
ગેંગ્સ ઓફ પોરબંદર ભાગ-7 : ખારવાવાડની એ હત્યા જેણે જશુ ગગનને બનાવ્યો ડોન