પેપરકાંડમાં ધડાકોઃ આ આરોપી તો લડી રહ્યા છે સરપંચની ચૂંટણી, જાણો વિગત
મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે. તેઓ કિટલીના ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યા હતા. તેમનું પુરું નામ મહેન્દ્રકુમાર શંકરલાલ પટેલ છે.
હિંમતનગરઃ ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. સાબરકાંઠા પોલીસ દ્વારા આ કાંડમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરી લીધી છે. ત્યારે આઠ આરોપીઓમાંથી એક તો સરપંચની ચૂંટણી લડી રહ્યો હોવાનો ધડાકો થયો છે.
આ પેપરકાંડમાં પહેલા છ અને પછી વધુ બે આરોપીઓની જિલ્લા પોલીસે અટકાયત કરી હતી. મહેન્દ્ર પટેલ અને જસવંત પટેલની પોલીસે કરી અટકાયત હતી. મહેન્દ્ર પટેલ પોગલું ગામની ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ પદનો ઉમેદવાર છે. તેઓ કિટલીના ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી લડી રહ્યા હતા. તેમનું પુરું નામ મહેન્દ્રકુમાર શંકરલાલ પટેલ છે. જોકે, પેપરકાંડમાં તેમનું નામ ખુલતા તેમનું ચુંટણી લડવાનું સપનું રોળાયું છે અને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે.
નોંધનીય છે કે, આવતી કાલે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીને પગલે છેલ્લી ઘડીની તૈયારીઓ ચાલી રહી છે. આ બધાની વચ્ચે પોગલું ગામના સરપંચના ઉમેદવારની પેપરકાંડમાં ધરપકડ થતાં નાના એવા ગામમાં ભારે ચકચાર મચી ગઈ છે.
આજે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા લેવાયેલ પેપર લીક મામલે 23 લાખ રૂપિયા કબ્જે લેવાયા છે. આરોપી દર્શન વ્યાસ ના ઘરે તપાસ કરતા 23 લાખ રકમ મળી આવી. આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે.
અત્યાર સુધી ધરપકડ કરાયેલા આરોપીમાં કોઈ સરકારી કર્મચારી આરોપી નથી. અત્યાર સુધીમાં આઠ આરોપીની ધરપકડ કરાઈ છે. અન્ય આરોપીની શોધખોર ચાલી રહી છે. હજુ પણ કેટલાક નામો સામે આવી શકે છે. પ્રાંતિજ પોલીસ મથકે 11 આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. 11 આરોપી પૈકી પોલીસે આઠ આરોપીઓની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા આઠ આરોપીને બપોર બાદ પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરાશે.
પેપરકાંડના આરોપી
જયેશભાઈ ઇશ્વરભાઈ પટેલ
જશવંતભાઈ હરગોવનભાઈ પટેલ
દેવલ જશવંતભાઈ પટેલ
મહેશકુમાર કમલેશભાઈ પટેલ
ચિંતન પ્રવીણભાઈ પટેલ
કુલદીપકુમાર નલિનભાઇ પટેલ
સતીષ ઉર્ફે હેપ્પી પટેલ
સુરેશભાઇ રમણભાઈ પટેલ
મહેન્દ્રભાઇ એસ. પટેલ
દર્શન કિરીટકુમાર વ્યાસ
ધ્રુવ ભરતભાઇ બારોટ