તાપ્તિ ટાઇગર્સ જીએસટીટીએ દ્વારા આયોજિત વન્ડર સીમેન્ટ જીએસએલ ટેબલ ટેનિસ લીગની પ્રથમ આવૃત્તિમાં વિજેતા બની
શાનદાર જીતની સાથે તાપ્તિ ટાઇગર્સ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) દ્વારા આયોજિત વન્ડર સીમેન્ટ જીએસએલ ટેબલ ટેનિસ લીગની પ્રથમ આવૃત્તિની ગૌરવપૂર્ણ વિજેતા તરીકે ઉભરી આવી છે
![તાપ્તિ ટાઇગર્સ જીએસટીટીએ દ્વારા આયોજિત વન્ડર સીમેન્ટ જીએસએલ ટેબલ ટેનિસ લીગની પ્રથમ આવૃત્તિમાં વિજેતા બની Tapti Tigers emerged winners in the first edition of 'Wonder Cement GSL Table Tennis League' તાપ્તિ ટાઇગર્સ જીએસટીટીએ દ્વારા આયોજિત વન્ડર સીમેન્ટ જીએસએલ ટેબલ ટેનિસ લીગની પ્રથમ આવૃત્તિમાં વિજેતા બની](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/08/21/b711db6981f4ff9d310c9e8acd773a73166105595346674_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: શાનદાર જીતની સાથે તાપ્તિ ટાઇગર્સ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશન (જીએસટીટીએ) દ્વારા આયોજિત વન્ડર સીમેન્ટ જીએસએલ ટેબલ ટેનિસ લીગની પ્રથમ આવૃત્તિની ગૌરવપૂર્ણ વિજેતા તરીકે ઉભરી આવી છે. શામલ સ્ક્વૉડ - સુરત અને તાપ્તિ ટાઇગર્સના ખેલાડીઓની વચ્ચે અમદાવાદના એરેના બાય ટ્રાન્સ સ્ટેડિયા ખાતે શનિવાર - 20 ઑગસ્ટના રોજ રમાયેલી ગ્રાન્ડ ફિનાલે છેક અંત સુધી અત્યંત રોમાંચક બની રહી હતી.
ટૉપનૉચ અચીવર્સ, કટારિયા કિંગ્સ, તાપ્તિ ટાઇગર્સ અને શામલ સ્ક્વૉડ - સુરત એમ ચાર ટીમો ટૉપ અચીવર્સ તરીકે ઉભરી આવી હતી અને શનિવારના રોજ આ ટીમોની વચ્ચે શ્વાસ થંભાવી દેનારી મેચો રમાઈ હતી, જેમાં તેમણે બે ક્વૉલિફાયર રાઉન્ડ, એક એલિમિનેટર રાઉન્ડ અને ગ્રાન્ડ ફિનાલે રમી હતી. પ્રથમ ક્વૉલિફાયર રાઉન્ડ શામલ સ્ક્વૉડ અને ટૉપનૉચ અચીવર્સની વચ્ચે રમાયો હતો અને શામલ સ્ક્વૉડ તેના ઉત્કૃષ્ટ પર્ફોમન્સની મદદથી સીધી ફાઇનલમાં પહોંચી ગઈ હતી. બીજા ક્વૉલિફાયર રાઉન્ડમાં તાપ્તિ ટાઇગર્સે કટારિયા કિંગ્સને હરાવી દીધી હતી અને આખરે એલિમિનેટર રાઉન્ડમાં ટૉપનૉચ અચીવર્સને પણ હરાવી તેણે ગ્રાન્ડ ફિનાલેમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતું અને ફાઇનલ મેચમાં ભવ્ય જીત હાંસલ કરી હતી.
વ્યક્તિગત ખેલાડીઓ તથા વિજેતા ટીમ અને રનર-અપ ટીમોને તેમના રોમાંચક પ્રદર્શન બદલ રૂ. 4.5 લાખના રોકડ ઇનામો આપવામાં આવ્યાં હતાં. વ્યક્તિગત ખેલાડીઓને કુલ રૂ. 75,000 તથા વિજેતા અને રનર-અપ ટીમોને કુલ રૂ. 3.75 લાખ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. આ ખેલાડીઓ વચ્ચે રમાયેલો મેચોનો છેલ્લો રાઉન્ડ શ્વાસ થંભાવી દેનારો સાબિત થયો હતો અને તેમના સાથી ખેલાડીઓ અને સમર્થકોમાં છેલ્લી ઘડી સુધી ઉત્સુક્તા જળવાઈ રહી હતી. સ્વસ્તિકા ઘોષ અને નિત્યશ્રી મણી વચ્ચે રમાયેલી વિમેન્સ સિંગલ્સ મેચ 11-10 સ્કૉરની સાથે અત્યંત કટોકટી ભરેલી રહી હતી અને બંને મહિલા ખેલાડીઓએ છેક છેલ્લે સુધી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું. એસએફઆર સ્નેહિત અને અક્ષિત સાવલા વિરુદ્ધ માનવ ઠક્કર અને હર્ષિલ કોઠારી (11-10) વચ્ચે રમાયેલી ગ્રાન્ડ ફિનાલેની મેન્સ ડબલ્સ મેચમાં પણ કંઇક આવો જ રોમાંચ અનુભવવા મળ્યો હતો.
જીએસએલ ટેબલ ટેનિસ લીગની પ્રથમ આવૃત્તિને ખરેખર અદભૂત સફળતા પ્રાપ્ત થઈ હતી. આ લીગમાં ભાગ લેનારા કેટલાક ખેલાડીઓ પહેલેથી જ ઘણાં પ્રસિદ્ધ હતાં, કારણ કે, તેઓ કૉમનવેલ્થ ગેમ્સ 2022 અને ઑલિમ્પિક્સમાં પણ ભાગ લઈ ચૂક્યાં હતાં અને મેડલો જીતી ચૂક્યાં હતાં. કૉમનવેલ્થ ગેમ્સ 2022ના ગોલ્ડ મેડાલિસ્ટ અને 10 વખત ટેબલ ટેનિસ (સીનિયર) નેશનલ ચેમ્પિયન રહી ચૂકેલા
પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત શરથ કમલે જ્યારે જીએસએલ ટેબલ ટેનિસ લીગમાં ભાગ લેનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે તે જીએસટીટીએ અને તમામ સહભાગીઓ માટે ખરેખર ગૌરવંતિ ક્ષણ હતી.
ગુજરાતમાં ટેબલ ટેનિસની ગેમ માટે અત્યંત પ્રોત્સાહજનક માહોલને જોઇને પોતાના વિચારો રજૂ કરતાં જીએસટીટીએના અધ્યક્ષ શ્રી વિપુલ મિત્રા (આઇએએસ)એ જણાવ્યું હતું કે, ‘ટેબલ ટેનિસની રમતમાં વધુને વધુ ખેલાડીઓ રસ લઈ રહ્યાં હોવાથી છેલ્લાં કેટલાક વર્ષો દરમિયાન ગુજરાતમાં આ રમતની લોકપ્રિયતા ઘણી વધી છે. જીએસએલ ટેબલ ટેનિસ લીગની પ્રથમ આવૃત્તિની ઝળહળતી સફળતા એ તમામ વયજૂથના લોકોમાં આ રમત પ્રત્યે પ્રેમ, ઝુનૂન અને ઉત્સાહ સતત વધી રહ્યાં હોવાનો પુરાવો છે. જીએસટીટીએ ખાતે અમારો ઉદ્દેશ્ય જુનિયર લેવલના ઉભરી રહેલા ખેલાડીઓને યોગ્ય એક્સપોઝર અને તક પૂરી પાડવાનો છે, જેથી તેઓ ટોચના સીનિયર ખેલાડીઓ સાથે સ્પર્ધામાં ઉતરી શકે અને તેમના કૌશલ્યોને નિખારી શકે. અમને આશા છે કે, આ લીગની આગામી આવૃત્તિમાં આથી પણ વધુ ખેલાડીઓ ભાગ લેશે અને તેના પરિણામે તે વર્તમાન આવૃત્તિ કરતાં પણ વધારે મોટી અને વધુ સફળ સાબિત થશે.’
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)