ગુજરાતના આ પાડોશી રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ હોવાની આશંકાથી ખળભળાટ, બે જિલ્લામાં 600 બાળકોને કોરોના
રાજસ્થાન સરકારના આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે દૌસા ખાતે 1 મેથી 21 મે દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરના 341 બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા છે.
નવી દિલ્લીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાની બીજી લહેરના કારણે કોરોનાના કેસો વધી રહ્યા છે અને દેશભરના લોકો ત્રસ્ત છે. આ બીજી લહેર પછી કોરોનાની ત્રીજી લહેર આવશે એવી આગાહી કરાઈ છે ને તેના કારણ લોકો પરેશાન છે. કોરોનાની ત્રીજી લહેરની સૌથી વધારે અસર બાળકો પર પડવાની છે એવી ચેતવણી મેડિકલ નિષ્ણાતો આપી રહ્યા છે. આ લહેર ઓક્ટોબરમાં આવશે એવી ચેતવણી અપાઈ રહી છે પણ રાજસ્થાનના બે જિલ્લામાં બાળકો ખૂબ જ ઝડપથી કોરોનાના કારણે સંક્રમિત થઈ રહ્યા હોવાથી ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી ગઈ છે કે શું એ સવાલ પૂછાઈ રહ્યો છે. રાજસ્થાનના દૌસા અને ડુંગરપુર એ બે જિલ્લામાં બાળકોમાં વધી રહેલા કોરોના સંક્રમણના કેસ ચિંતાજનક છે અને ટૂંકા ગાળામાં 600થી વધારે બાળકોને કોરોનાનો તેપ લાગતાં આ ત્રીજી લહેરની અસર હોવાની આશંકા સેવાઈ રહી છે.
રાજસ્થાનમાં મોટા પ્રમાણમાં બાળકો કોરોના મહામારીની લપેટમાં આવવા લાગ્યા છે અને ત્રીજી લહેર અંગે જે પ્રકારની ચેતવણીઓ મેડિકલ નિષ્ણાતો દ્વાર અપાઈ રહી છે એ જ રીતે બાળકો પણ કોરોના સંક્રમણનો ભોગ બની રહ્યા છે. રાજસ્થાનમાં 600 જેટલા બાળકો કોરોનાનો શિકાર બનતાં હાહાકાર મચ્યો છે અને આ ત્રીજી લહેરની અસર હોવાની આશંકા સેવાઈ રહી છે.
રાજસ્થાન સરકારના આરોગ્ય વિભાગના અહેવાલ પ્રમાણે દૌસા ખાતે 1 મેથી 21 મે દરમિયાન 18 વર્ષથી ઓછી ઉંમરના 341 બાળકો કોવિડ પોઝિટિવ આવ્યા છે. ડુંગરપુર ખાતે પણ આવી જ ખરાબ હાલત છે. ડુંગરપુર ખાતે 12 મેથી 22 મે સુધીમાં 18 વર્ષથી ઓછી ઉંમરના 255 બાળકો સંક્રમિત થયા છે.
જો કે ડુંગરપુરના કલેક્ટર સુરેશ કુમાર ઓલાના કહેવા પ્રમાણે ડુંગરપુર જિલ્લામાં બાળકોમાં કોરોના સંક્રમણ ખૂબ જ સામાન્ય છે. બાળકોના માતા-પિતા કોરોના પોઝિટિવ આવી રહ્યા છે માટે બાળકો પણ સંક્રમિત થયા છે એવો તેમનો દાવો છે.