(Source: ECI/ABP News/ABP Majha)
મથુરા શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદમાં અલાહાબાદ હાઇકોર્ટનો ચુકાદો, કહ્યુ- મથુરા કોર્ટ ચાર મહિનામાં તમામ અરજીઓનો નિકાલ કરે
આ મામલામાં અલાહાબાદ હાઇકોર્ટે મથુરા કોર્ટને ચાર મહિનામાં તમામ અરજીઓનો નિકાલ કરવાના નિર્દેશ આપ્યા છે.
Mathura:અલાહાબાદ હાઇકોર્ટે મથુરા જન્મભૂમિ વિવાદમા ચુકાદો આપ્યો છે. આ મામલામાં અલાહાબાદ હાઇકોર્ટે મથુરા કોર્ટને ચાર મહિનામાં તમામ અરજીઓનો નિકાલ કરવાના નિર્દેશ આપ્યા છે. હિંદુ આર્મી ચીફ મનીષ યાદવની અરજી પર સુનાવણી કરતા અલાહાબાદ હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
આ સુનાવણી જસ્ટિસ સલિલ કુમાર રાયની સિંગલ બેન્ચે કરી હતી. નોંધનીય છે કે આ અરજી મથુરાની કોર્ટમાં જન્મભૂમિ વિવાદ સંબંધિત તમામ કેસની સુનાવણી જલદી પુરી કરવા અને તેનો ઉકેલ લાવવાની માંગને લઇને દાખલ કરવામાં આવી હતી. તે સિવાય મથુરાની કોર્ટમાં ચાલી રહેલા તમામ કેસને ક્લબ કરી એક સાથે સુનાવણી કરવાની પણ માંગ કરવામાં આવી હતી.
શું છે કેસ?
મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિના પરિસરમાં બનેલા મંદિરની બાજુમાં ઇદગાહ મસ્જિદ આવેલી છે. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે જ્યાં આ ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી છે તે કંસની એ જ જેલ હતી જ્યાં શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. વર્ષ 1669-70 દરમિયાન મુઘલ સમ્રાટ ઔરંગઝેબે શ્રી કૃષ્ણ જન્મભૂમિના સ્થળે બનેલા મંદિરને તોડી પાડ્યું અને ત્યાં આ ઈદગાહ મસ્જિદ બનાવી. હિંદુ પક્ષોએ માંગ કરી છે કે આ મસ્જિદ સંકુલના સર્વે માટે એક ટીમની રચના કરવી જોઈએ જે તપાસ કરીને જણાવે કે આ મસ્જિદ પરિસરમાં હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ અને પ્રતીકો છે કે કે નહીં. આ પ્રતિકો અને મૂર્તિઓ બતાવે છે કે અહી મસ્જિદ અગાઉ હિંદુઓનું મંદિર હતું.
જો કે, ઇદગાહ મસ્જિદના સેક્રેટરી અને વ્યવસાયે વકીલ તનવીર અહેમદના જણાવ્યા અનુસાર, જે લોકો મસ્જિદને મંદિરનો ભાગ હોવાનું જણાવી રહ્યા છે તેઓ હકીકતને વિકૃત કરીને રજૂ કરી રહ્યા છે. કારણ કે ઈતિહાસમાં એવું કોઈ તથ્ય નથી કે જે સૂચવે કે મંદિરને તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી અથવા હાલની ઈદગાહ મસ્જિદ જ્યાં બનેલી છે તે જગ્યાએ શ્રી કૃષ્ણનો જન્મ થયો હતો. કોર્ટમાં મુસ્લિમ પક્ષ તરફથી એવી પણ દલીલ કરવામાં આવી રહી છે તે છે 1991નો વર્કશીપ એક્ટ. મુસ્લિમ પક્ષના મતે, આ કાયદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે 1947 પહેલાના ધાર્મિક સ્થળોને લઈને દેશમાં જે સ્થિતિ હતી તે જ રીતે જાળવી રાખવામાં આવશે અને તેમાં કોઈ છેડછાડ કરવામાં આવશે નહીં. જોકે તેમાં રામ જન્મભૂમિનો વિવાદ એક અપવાદ હતો.
આ દલીલનો વિરોધ કરતા હિંદુ પક્ષકારો અને વકીલ કહી રહ્યા છે કે એવું નથી કે આ કેસ અચાનક દાખલ કરવામાં આવ્યો હોય. વર્કશીપ એક્ટમાં પણ કહેવામાં આવ્યું છે કે જો સતત કોર્ટમાં કેસ દાખલ થતા રહે અથવા પેન્ડિંગ હોય તો તે મામલાઓ 1991ના વર્કશિપ એક્ટ હેઠળ આવશે નહીં