(Source: ECI/ABP News/ABP Majha)
Manipur Viral Video: મણિપુર હિંસા પર CBI એક્શનમાં, છ FIR નોંધી, 10 આરોપીઓની ધરપકડ
મણિપુર હિંસા અને ષડયંત્ર કેસમાં સીબીઆઈ એક્શનમાં આવી છે
મણિપુર હિંસા અને ષડયંત્ર કેસમાં સીબીઆઈ એક્શનમાં આવી છે. સીબીઆઈએ હિંસા અને ષડયંત્ર સંબંધિત છ એફઆઈઆર નોંધી છે. આ કેસમાં તપાસ એજન્સીએ અત્યાર સુધીમાં 10 આરોપીઓની ધરપકડ કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે CBI વાયરલ વીડિયો મામલે નવી FIR (સાતમી એફઆઇઆર) દાખલ કરશે.
સીબીઆઈના સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આ તમામ ધરપકડો અલગ-અલગ સમયે કરવામાં આવી છે. આ સિવાય સીબીઆઈ મહિલાઓને નગ્ન પરેડ કરવા મામલે એફઆઈઆર નોંધવાની પણ તૈયારી કરી રહી છે.
વાયરલ વીડિયો કેસમાં તપાસ
કેન્દ્ર સરકાર તરફથી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલાઓના વાયરલ વીડિયોની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. આ મામલામાં મણિપુર પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતા 8 લોકોની ધરપકડ કરી હતી.
સુપ્રીમ કોર્ટે કરી હતી સુનાવણી
ગૃહ મંત્રાલયના સચિવ અજય કુમાર ભલ્લા દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં સુપ્રીમ કોર્ટને આ કેસની ટ્રાયલ મણિપુરની બહાર ટ્રાન્સફર કરવાની અપીલ કરી હતી, જેથી ટ્રાયલ સમયબદ્ધ રીતે પૂર્ણ થઈ શકે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં 4 મેના રોજ ટોળા દ્વારા બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવાની ઘટનાનો ખુલાસો 19 જુલાઈના રોજ સામે વાયરલ થયેલા એક વીડિયોથી થયો હતો. સુપ્રીમ કોર્ટે 20 જૂલાઈના રોજ આ ઘટનાની નોંધ લીધી હતી અને કહ્યું હતું કે તે વિડિયોથી "ખૂબ જ વ્યથિત" છે અને હિંસા આચરવા માટે મહિલાઓનો હથિયાર તરીકે ઉપયોગ કરવો "કોઈપણ બંધારણીય લોકશાહીમાં સંપૂર્ણપણે અસ્વીકાર્ય" છે.
ચીફ જસ્ટીસે આપ્યા હતા નિર્દેશ
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની ખંડપીઠે કેન્દ્ર અને મણિપુર સરકારને તાત્કાલિક પગલાં લેવા અને તે પગલાં વિશે જાણ કરવા નિર્દેશ આપ્યો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે "મણિપુર સરકારે 26 જુલાઈ, 2023 ના રોજ લખેલા પત્રમાં કર્મચારી અને તાલીમ વિભાગના સચિવને સીબીઆઈને તપાસ સોંપવાની ભલામણ કરી હતી, જેને ગૃહ મંત્રાલય દ્વારા 27 જૂલાઇના રોજ મંજૂરી આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચ મણિપુરમાં જાતીય હિંસા સંબંધિત અરજીઓ પર 28 જુલાઈના રોજ સુનાવણી કરવાની હતી પરંતુ બાદમાં કોઇ કારણોસર મોકૂફ રાખવામાં આવી છે.
Join Our Official Telegram Channel: