Covid : ચીનના આ શહેરમાં વુહાનથી યે ભયાનક સ્થિતિ, 90 ટકા વસ્તીને કોરોનાની ઝપટમાં
એજન્સીના જણાવ્યા અનુસાર, હેનાન પ્રાંતના સ્વાસ્થ્ય આયોગના ડિરેક્ટર કાન ક્વાંચેંગે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરી, 2023 સુધીમાં હેનાનમાં કોરોના સંક્રમણનો દર 89.0 ટકા હતો.
Henan Province Infected with Corona Virus : ચીનમાં કોરોનાનો વિનાશ યથાવત છે. અહીં આખે આખા શહેરો જ કોરોના સંક્રમણની ઝપેટમાં આવી રહ્યા છે. હવે ચીનના ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવતા હેનાન પ્રાંત (હેનાન)ની 90% વસ્તી કોરોના સંક્રમણનો શિકાર બની છે. હેનાનના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીએ આ માહિતી આપી છે. અગાઉ કોરોનાના પહેલી લહેરમાં કોરોનાએ ચીનના વુહાન પ્રાંતમાં આવી જ રીતે તબાહી મચાવી હતી. વિશ્વભરમાં કોરોનાનો પહેલો કેસ વુહાનથી જ જોવા મળ્યો હતો.
એજન્સીના જણાવ્યા અનુસાર, હેનાન પ્રાંતના સ્વાસ્થ્ય આયોગના ડિરેક્ટર કાન ક્વાંચેંગે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 6 જાન્યુઆરી, 2023 સુધીમાં હેનાનમાં કોરોના સંક્રમણનો દર 89.0 ટકા હતો. એટલે કે હેનાનમાં 99.4 મિલિયન વસ્તી (9.94 કરોડ)માંથી 88.5 મિલિયન એટલે કે (8.84 કરોડ) વસ્તી કોરોનાથી સંક્રમિત હતી.
ચીનમાંથી સામે આવી ચોંકાવનારી તસવીરો
સતત વિરોધ બાદ ચીને ગયા મહિને ઝીરો કોવિડ પોલિસીનો અંત લાવી દીધો હતો. ત્યારથી ચીનમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ બહાર આવ્યું છે કે ચીનનું આરોગ્ય વિભાગ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
ચીનની હોસ્પિટલોમાં લાંબી લાઈનો છે. ઘણા શહેરોની હોસ્પિટલોમાં સારવાર માટે બેડ ખાલી નથી. દવાઓની પણ ભારે અછત સર્જાઈ છે. બેઇજિંગ સહિત અનેક પ્રાંતોમાંથી ચોંકાવનારા વીડિયો સામે આવ્યા છે. અહીંના સ્મશાનમાં લાંબી લાઈનો લાગી હતી. અંતિમ સંસ્કાર કરવા માટે લોકોએ રાહ જોવી પડી રહી છે. તેમ છતાં ચીને પોતાની સરહદો સંપૂર્ણપણે ખોલી નાખી છે. એટલું જ નહીં ચીનથી વિદેશથી આવતા મુસાફરો માટે ક્વોરેન્ટાઇન નિયમો પણ ખતમ કરી દેવામાં આવ્યા છે.
ચીન પર કોરોનાના આંકડા છુપાવવાનો આરોપ પણ લગાવવામાં આવી રહ્યો છે. ચીનનો દાવો છે કે, ડિસેમ્બરથી અત્યાર સુધીમાં માત્ર 1.2 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 30 લોકોના મોત થયા છે. ચીને કોરોનાના મોતને લઈને નિયમોમાં પણ ફેરફાર કર્યા હતા.
WHOએ ચીનના રહસ્યનો કર્યો પર્દાફાશ
ચીનમાં કોરોના નિયંત્રણ બહાર છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ સ્વીકાર્યું હતું કે કોરોના હજુ પણ એક મોટો પડકાર છે. જો કે, પરિસ્થિતિ આટલી ગંભીર હોવા છતાં ચીન કોરોનાને લઈને આંકડા નથી આપી રહ્યું. પરંતુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના રિપોર્ટે તેનો પર્દાફાશ કર્યો છે. WHOના સાપ્તાહિક રિપોર્ટ અનુસાર ચીનમાં એક સપ્તાહમાં કોરોનાના નવા કેસમાં લગભગ 50 ટકાનો વધારો થયો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 26 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીની વચ્ચે કોરોનાના 2.18 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 12 થી 18 ડિસેમ્બર સુધીમાં 1.47 લાખ નવા કેસ નોંધાયા છે. તે મુજબ ચીનમાં કોરોનાના નવા કેસોમાં 48 ટકાથી વધુનો વધારો થયો છે.