Monsoon : ભારતમાં ચોમાસા પર તોળાતુ મહાસંકટ, UNની ગંભીર ચેતવણી
એજન્સીએ કહ્યું છે કે, અલ નીનો અહીં જ રહેવાનું છે, તે ક્યાંય જવાનું નથી. ભારત અને એશિયાના અન્ય દેશો વિશે પણ ભયાનક ચેતવણી આપવામાં આવી છે.
El Nino Effect : સંયુક્ત રાષ્ટ્રની હવામાન એજન્સી વિશ્વ હવામાન સંસ્થાએ ડરામણી ચેતવણી આપી છે. એજન્સીના જણાવ્યા પ્રમાણે, વિશ્વભરની સરકારોએ આગામી મહિનાઓમાં ખતરનાક હવામાન અને રેકોર્ડ તાપમાન માટે તૈયાર રહે. એજન્સીએ અલ નીનોને ધ્યાનમાં રાખીને આ ચેતવણી આપી છે. ભારતને લઈને પણ ગંભીર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
એજન્સીએ કહ્યું છે કે, અલ નીનો અહીં જ રહેવાનું છે, તે ક્યાંય જવાનું નથી. ભારત અને એશિયાના અન્ય દેશો વિશે પણ ભયાનક ચેતવણી આપવામાં આવી છે. વૈશ્વિક એજન્સીએ જણાવ્યું હતું કે, અલ નીનો વ્યાપકપણે ચોખાની ખેતી કરતા ભારતમાં ચોમાસું નબળું પાડી શકે છે. ભારતમાં ચોમાસાના વરસાદથી જ જળાશયો ભરાય છે અને પાકને સિંચાઈ માટે પાણી મળી રહે છે.
અલ નીનો એ કુદરતી આબોહવાની પેટર્ન છે જે પેસિફિક મહાસાગરમાં સર્જાય છે. જેના કારણે દરિયાની સપાટીનું પાણી સામાન્ય કરતા વધુ ગરમ થાય છે. જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વના હવામાન પર ગંભીર અસર પડે છે. જે દુનિયાભરના અબજો લોકો પર વિપરિત અસર કરે છે. એજન્સીના સેક્રેટરી-જનરલ, પેટ્રી તાલાસે કહ્યું હતું કે, જ્યારે અલ નીનો અસર શરૂ થાય છે, ત્યારે તાપમાન ખૂબ જ વધે છે અને ગરમી અનેક રેકોર્ડ તોડશે. આ કારણે વિશ્વના ઘણા ભાગોમાં અને સમુદ્રમાં ખૂબ જ ગરમ પવનો ફૂંકાશે.
અલ નીનોને કારણે ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક દુષ્કાળ
તાલાસે કહ્યું હતું કે, વિશ્વની સરકારોએ આ માટે તૈયારી કરવી જોઈએ. જેથી આ વર્ષે અલ નીનો માનવ સ્વાસ્થ્ય, અર્થતંત્ર અને ઇકોસિસ્ટમ પરની અસર ઘટાડે. તેમણે એમ પણ કહ્યું હતું કે, માનવ જીવન અને તેમની આજીવિકા બચાવવા માટે સરકારોએ પોતાની અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસાવવી પડશે. એજન્સીએ જણાવ્યું હતું કે, છેલ્લા 3 વર્ષ વિશ્વના સૌથી ગરમ વર્ષોમાંના કેટલાક છે. અલ નીનોની અસરને કારણે દરિયાની અંદરનું તાપમાન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે.
હવામાન એજન્સીએ ચેતવણી આપતા કહ્યું હતું કે, અલ નીનોના કારણે વર્ષ 2023 અથવા 2024માં ઉનાળાના તમામ રેકોર્ડ તૂટી શકે છે. 2023 પછી આગામી છ મહિના સુધી અલ નીનો ચાલુ રહેવાની 90 ટકા શક્યતા છે. અલ નીનોને કારણે મહાસાગરો ગરમ થઈ રહ્યા છે અને લેટિન અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રિકા અને મધ્ય એશિયાના ભાગોમાં વરસાદ નોંધપાત્ર રીતે વધી શકે છે. પરંતુ ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, દક્ષિણ એશિયા, મધ્ય અમેરિકા અને ઉત્તર લેટિન અમેરિકામાં પણ ગંભીર દુષ્કાળનું કારણ બની શકે છે. જેના કારણે અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.