Uranium Leak: પાકિસ્તાને ગુપ્ત રીતે બ્રિટનમાં ઘુસાડ્યો યુરેનિયમનો જથ્થો, દુનિયાભરમાં ખળભળાટ
અહેવાલ મુજબ, આ યુરેનિયમ પાકિસ્તાનથી વિમાન દ્વારા ઓમાન થઈને બ્રિટન મોકલવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ યુરેનિયમ ભંગાર ધાતુઓના શિપમેન્ટની અંદરથી મળી આવ્યો હતો.
Uranium Package Originated In Pakistan : ઉત્તર કોરિયાથી લઈને લિબિયામાં પરમાણુ સામગ્રીની દાણચોરી કરવાના પાકિસ્તાનના ખતરનાક પગલા બાદ હવે છેક આ સામગ્રી ઈંગ્લેન્ડ પહોંચી જતા વિશ્વ ફરી એકવાર હચમચી ગયું છે. બ્રિટનની રાજધાની લંડનના હીથ્રો એરપોર્ટ પરથી પરમાણુ બોમ્બમાં વપરાયેલ યુરેનિયમનું પેકેજ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. આ ખુલાસા બાદ દુનિયાભરમાં હંગામો મચી ગયો હતો અને લંડન પોલીસે હવે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ યુરેનિયમ પેકેટને બોર્ડર એજન્ટ દ્વારા 29 ડિસેમ્બરે રૂટિન ચેકિંગ દરમિયાન પકડવામાં આવ્યું હતું. જેમાંથી ડર્ટી બોમ્બ બનાવવાની અટકળોની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ, આ યુરેનિયમ પાકિસ્તાનથી વિમાન દ્વારા ઓમાન થઈને બ્રિટન મોકલવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે. આ યુરેનિયમ ભંગાર ધાતુઓના શિપમેન્ટની અંદરથી મળી આવ્યો હતો. બીબીસીના અહેવાલ મુજબ, તપાસકર્તાઓ હવે દિશામાં તપાસ કરી રહ્યા છે કે, શું આ યુરેનિયમ પાકિસ્તાનની 'નબળી સુરક્ષા વ્યવસ્થા'ના કારણે બ્રિટનમાં પહોંચ્યું છે કે કેમ? પોલીસ કમાન્ડર રિચર્ડ સ્મિથે કહ્યું છે કે, હું લોકોને ખાતરી આપી શકું છું કે જપ્ત હાનિકારક મટિરીયલ જપ્ત કરવામાં આવ્યો છે સામગ્રીનો જથ્થો ખૂબ જ ઓછી માત્રામાં છે.
ડર્ટી બોમ્બ બનાવવાના કાવતરાની દિશામાં હાથ ધરાઈ તપાસ
પોલીસ કમાન્ડરે જણાવ્યું હતું કે, નિષ્ણાતો દ્વારા સામગ્રીની તપાસ કરવામાં આવી રહી છે અને લોકો માટે કોઈ ખતરો નથી. તેમણે કહ્યું હતું કે, જો કે અમારી તપાસ ચાલુ છે, પરંતુ અત્યાર સુધીની અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે તેનાથી કોઈ સીધો ખતરો નથી. એક અહેવાલ મુજબ હીથ્રો એરપોર્ટ પર કેટલાય કિલોગ્રામ યુરેનિયમ જપ્ત કરવામાં આવ્યું છે. ન્યુક્લિયર બોમ્બ યુરેનિયમમાંથી બને છે અને તેમાંથી ડર્ટી બોમ્બ પણ સરળતાથી બનાવી શકાય છે.
ડેઈલી મેલે અહેવાલ આપ્યો છે કે શિપમેન્ટ પાકિસ્તાનથી યુકેમાં ઈરાન સાથે સંકળાયેલી એક કંપનીને મોકલવામાં આવ્યું હતું. એક સૂત્રએ જણાવ્યું હતું કે, આ યુરેનિયમ હથિયાર બનાવવા માટે લાયક નથી. હવે તપાસકર્તાઓ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે, શું તેના દ્વારા ડર્ટી બોમ્બ બનાવવાનું કાવતરું હતું? આ મામલે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. એક સૂત્રએ કહ્યું હતું કે, 'આ પેકેજની અંદર કેટલાય કિલો યુરેનિયમ હતું.' જ્યારે અન્ય એક સ્ત્રોતે કહ્યું હતું કે, યુકેમાં રહેતા ઈરાનીઓ યુરેનિયમનો ઓર્ડર કેમ આપી રહ્યા છે તે ચિંતાનો વિષય છે. બ્રિટન હવે તેની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે.