Paris Olympics: ઓલિમ્પિકમાં 'જેન્ડર' વિવાદ વકર્યો, વધુ એક મહિલા બૉક્સરની ફાઇટ બાદ થયો જોરદાર હંગામો
Lin Yu Ting Gender Controversy In Paris Olympics 2024: પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક 2024માં અલ્જીરિયાની મહિલા બૉક્સર ઇમાન ખલીફ ચર્ચાનો વિષય હતી
Lin Yu Ting Gender Controversy In Paris Olympics 2024: પેરિસમાં ચાલી રહેલા ઓલિમ્પિક 2024માં અલ્જીરિયાની મહિલા બૉક્સર ઇમાન ખલીફ ચર્ચાનો વિષય હતી. તેના મહિલા હોવા પર સવાલો ઉઠી રહ્યાં હતાં. હવે આવો જ એક અન્ય કિસ્સો પેરિસથી સામે આવ્યો છે, જ્યાં બીજી મહિલાના 'મહિલા' હોવા પર સવાલો ઉઠી રહ્યાં છે. આ વખતે મામલો તાઈવાનની મહિલા બૉક્સર લિન યુ ટિંગ સાથે જોડાયેલો છે. લિન યુ-ટીંગે મેડલની પુષ્ટિ કરતાની સાથે જ તેના પર સવાલો ઉભા થવા લાગ્યા છે.
ઇમાન ખલીફની જેમ લિન યુ-ટીંગ પર પણ 2023 મહિલા વર્લ્ડ બૉક્સિંગ ચેમ્પિયનશિપ દરમિયાન પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ઓલિમ્પિકમાં પણ ઇમાન ખલીફની જેમ લિન યુ-ટીંગ પર સવાલો ઉઠવા લાગ્યા છે.
તાઈવાનના લિન યુ-ટીંગે ક્વાર્ટર ફાઈનલ જીતતાની સાથે જ હંગામો અને હોબાળો શરૂ થઈ ગયો હતો. બૉક્સિંગની 57 કિગ્રા વર્ગમાં ભાગ લેનારી લિન યુ-ટીંગે ક્વાર્ટર ફાઈનલ મેચમાં બૂલ્ગારિયાની સ્વેત્લાના સ્ટેનેવાને હરાવી હતી. આ મેચમાં તાઈવાનની બૉક્સરે સ્વેત્લાના સ્ટેનેવાને ખૂબ જ આસાનીથી હરાવી હતી. આ જીત સાથે લિન યુ-ટીંગે પણ મેડલની પુષ્ટિ કરી છે.
મેચ હારી ગયેલી સ્વેત્લાના સ્ટેનેવા ખૂબ જ ગુસ્સામાં જોવા મળી હતી અને તેણે પત્રકારો સાથે વાત પણ કરી ના હતી. જો કે, હાર પછી તેણીએ તેના હાથ વડે 'X' ચિહ્ન બતાવ્યું, જેના દ્વારા તે રંગસૂત્રોનું પ્રતિનિધિત્વ કરવા માંગતી હતી. તમને જણાવી દઈએ કે મહિલાઓમાં મોટાભાગે 'XX' રંગસૂત્રો હોય છે, જ્યારે પુરુષોમાં XY રંગસૂત્રો હોય છે. સ્વેત્લાના સ્ટેનેવાના કૉચ તેના હાથમાં એક કાગળ પકડેલા જોવા મળ્યા હતા જેના પર લખ્યું હતું, 'હું XX છું. મહિલા રમતોને બચાવો.
ઇમાન ખલીફ પણ જીતી ચૂકી છે ક્વાર્ટર ફાઇનલ મેચ
નોંધનીય છે કે અલ્જીરિયાની ઈમાન ખલીફે પણ ક્વાર્ટર ફાઈનલ મેચ જીતી લીધી છે. ઇમાન ખલીફે ક્વાર્ટર ફાઈનલ મેચમાં હંગેરીની લુકા અન્ના હમોરીને હરાવી હતી. ખલીફે મેચમાં 5-0થી એકતરફી જીત નોંધાવી હતી. હવે તે 7મી ઓગસ્ટે સેમિફાઇનલ મેચ માટે મેદાનમાં ઉતરશે.