Gujarat Weather News | 48 કલાક બાદ ગુજરાતભરમાં થઈ જશે વરસાદની એન્ટ્રી, ક્યાં ખાબકશે સૌથી વધુ?
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા 12 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. તો રાજકોટના જેતપુરમાં પણ અચાનક વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં ચોમાસું બેસી જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે...
અમરેલીમાં જાફરાબાદના કોસ્ટલ બેલ્ટના વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. જાફરાબાદ શહેરની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદમાં વાતાવરણ ઠંડક પ્રસરી ગઈ હતી. જાફરાબાદના મિતિયાળા, બાબરકોટ, લોઠપૂર, નાગેશ્રી પંથકમાં વરસાદ પડ્યો હતો. તો જાફરાબાદના દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં વરસાદથી સાગર ખેડૂતોમાં ખુશી ફેલાઈ હતી.
જાફરાબાદની સાથે ખાંભા ગીરના ગામડાઓમાં પણ સતત બીજા દિવસે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. ખાંભાના હનુમાનપુર, તાલડા, ચકરાવા, બોરાળા, કંટાળા સહિત ગામોમાં પવન સાથે વરસાદ પડ્યો હતો. ગીરના ગામડાઓમાં મેઘરાજાની પધરામણી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.