Gir Cow: અમરેલીમાં ગીર ગાયની મૂળ ઓલાદના સંવર્ધન માટે IVF સેન્ટર શરૂ કરાશે
Gir Cow: ગીર ગાયની મૂળ ઓલાદના સંવર્ધન માટે સૌરાષ્ટ્રનું પ્રથમ અદ્યતન આઇ.વી.એફ. સેન્ટર અમરેલીમાં શરૂ થશે. હવે નાના પશુપાલકો આઈ.વી.એફ. ટેકનોલોજીથી વધુ દૂધ આપતી ગીર ગાય ઉછેરી શકશે.
Gujarat Agriculture News: સૌરાષ્ટ્રમાં ગીર ગાયનું વ્યાપક સંવર્ધન કરીને ગુજરાત સહિત દેશના અર્થતંત્રમાં ગીર ગાયને જોડવા પોરબંદરમાં કેન્દ્રીય પશુપાલન મંત્રીના અધ્યક્ષસ્થાને રાજયનાં ગીર ગાયના સંવર્ધકો સાથે મીટીંગ યોજાઈ હતી. ગીર ગાયની મૂળ ઓલાદના સંવર્ધન માટે સૌરાષ્ટ્રનું પ્રથમ અદ્યતન આઇ.વી.એફ. સેન્ટર અમરેલીમાં શરૂ થશે. હવે નાના પશુપાલકો આઈ.વી.એફ. ટેકનોલોજીથી વધુ દૂધ આપતી ગીર ગાય ઉછેરી શકશે. રાષ્ટ્રીય પોલીસી માટે કેન્દ્રીય મંત્રીએ ગીર ગાયના સંવર્ધકો પાસેથી સૂચનો લીધા હતાં.
પોરબંદરના સર્કિટ હાઉસમાં કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષ સ્થાને રાજયની મુખ્ય ગૌશાળા, ગૌ - પ્રેમી સમર્થકો, ભારત સરકારના પશુ વૈજ્ઞાાનિકોની ચર્ચામાં ગીર ગાયના સંવર્ધન સાથે ગીર ગાયની મૂળ જાત ઉછેરવા ગૌ સંવર્ધકોએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો. બેઠકમાં કેન્દ્રીય પશુપાલન મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીના નેતૃત્વમાં ગીર ગાયને ગુજરાતના અને દેશના અર્થતંત્રમાં જોડવી છે. ગીર ગાય મૂળ કાઠીયાવાડ પ્રદેશની છે અને તેની મૂળ ઓલાદનું સંવર્ધન કરવાની દિશામાં ભારત સરકારે પ્રોજેકટ હાથ ધર્યો છે. ગીર ગાયના સંવર્ધનની આપણી મૂળ પરંપરાને પણ જાળવી રાખીને તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાથી સારા પરિણામો મળશે તેવો તજજ્ઞાોનો મત આવ્યો છે ત્યારે, સૌરાષ્ટ્રમાં ગીર ગાયનું વ્યાપક સંવર્ધન થાય અને ગીર ગાયની દૂધ ઉત્પાદન ક્ષમતા સરેરાશ 10 લીટરથી વધુ થાય તે માટે ગૌ સવર્ધકોને સાથે રાખીને સરકાર તમામ પ્રયાસો કરવા કટિબંધ છે.
સૌરાષ્ટ્રભરના પશુપાલકોને મૂળ ગીર ગાયની વાછરડીઓ ઉછેરી શકશે
સરકારે દેશમાં કુલ 32 આઈ.વી.એફ. સન્ટરને મંજૂરી આપી છે અને તેમાં સૌરાષ્ટ્રમાં અમરેલી ખાતે ગીર ગાયનું એક સેન્ટર લેબ અદ્યતન બનવા જઈ રહ્યું છે. ભારત સરકાર ગુજરાત સરકાર અને એન.ડી.ડીબી.ના સંકલનથી અમર ડેરીના સંકલનમાં આગામી મહિનાઓમાં સૌરાષ્ટ્રભરના પશુપાલકોને મૂળ ગીર ગાયની વાછરડીઓ ઉછેરી શકશે. સૌરાષ્ટ્રના નાના પશુપાલકોને પણ આ સંવર્ધનમાં જોડવા છે. આ તકે ભારત સરકારના પશુપાલન મંત્રાલયના સંયુક્ત કમિશનર ડો. ભૂષણ ત્યાગીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે એન.ડી.ડી.બી.ને આઈ.વી.એફ. ટેકનોલોજીના વિસ્તૃતિકરણ માટે નિર્દેશ આપ્યો છે. પશુપાલક આઈ.વી.એફ. ટેકનોલોજીનો ઉપયોગ કરી ગીર ગાયનો ઉછેર કરશે તો એક ગાય દીઠ રૂા 5000ની ભારત સરકાર સહાય કરશે અને ગૌ વંશ ઉછેર માટે પણ પ્રોત્સાહન આપશે. આ તકે મંત્રીએ ભારત સરકારનાં આઈ.વી.એફ. વૈજ્ઞાનિક ડો. શ્યામ ઝાવર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેકટની પણ માહિતી આપી હતી.