કેન્દ્રીય કેબિનેટનો મોટો નિર્ણય: ટેક્સ સિસ્ટમ સરળ બનાવવા નવા આવકવેરા બિલને મંજૂરી
1961ના આવકવેરા અધિનિયમનું સ્થાન લેશે નવું બિલ, કરદાતાઓ માટે કાયદાકીય પ્રક્રિયા થશે સરળ.

New Income Tax Bill: કેન્દ્ર સરકારે કરદાતાઓ માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્રીય કેબિનેટે નવા આવકવેરા બિલને મંજૂરી આપી દીધી છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, શુક્રવારે કેબિનેટ બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. આ નવું બિલ 1961ના જૂના આવકવેરા અધિનિયમનું સ્થાન લેશે અને ભારતની કર પ્રણાલીને વધુ સરળ અને આધુનિક બનાવવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આ બિલ કાયદાકીય ભાષાને પણ સરળ બનાવશે જેથી કરદાતાઓ કાયદાની જોગવાઈઓને સરળતાથી સમજી શકે.
નાણા સચિવે ગુરુવારે ખાતરી આપતા જણાવ્યું હતું કે, આ નવા બિલમાં કોઈ નવા કર લાદવામાં આવશે નહીં. પરંતુ, તેનો મુખ્ય હેતુ વર્તમાન ટેક્સ કાયદાને વધુ સરળ બનાવવાનો, કાનૂની જટિલતાઓને ઘટાડવાનો અને કરદાતાઓ માટે નિયમોનું પાલન સરળ બનાવવાનો છે.
નવા આવકવેરા બિલમાં ટૂંકા વાક્યો, સરળ જોગવાઈઓ અને સ્પષ્ટ ખુલાસાઓ હશે. સરકારનું કહેવું છે કે નવો કાયદો વર્તમાન કાયદા કરતા 50% જેટલો ટૂંકો હશે. આનો મુખ્ય ઉદ્દેશ્ય કાયદાકીય મુકદ્દમાઓને ઘટાડવાનો પણ છે, જેનાથી કરદાતાઓ અને સરકાર બંનેને ફાયદો થશે.
અહેવાલ મુજબ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ આ સમીક્ષાની દેખરેખ રાખવા અને કાયદાને સંક્ષિપ્ત, સ્પષ્ટ અને સમજવામાં સરળ બનાવવા માટે એક આંતરિક સમિતિની રચના કરી હતી. આ સમિતિનો મુખ્ય ઉદ્દેશ્ય કર સંબંધિત વિવાદો અને મુકદ્દમાઓને ઘટાડવાનો અને કરદાતાઓને વધુ કર નિશ્ચિતતા પ્રદાન કરવાનો છે. વધુમાં, આવકવેરા કાયદાના વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે 22 વિશેષ પેટા સમિતિઓ પણ બનાવવામાં આવી હતી.
સરકારે નવા કાયદા માટે ચાર મુખ્ય શ્રેણીઓમાં જનતા પાસેથી સૂચનો અને મંતવ્યો પણ મંગાવ્યા હતા. આ ચાર શ્રેણીઓમાં કાયદાની ભાષાનું સરળીકરણ, મુકદ્દમામાં ઘટાડો, પાલન સંબંધિત સરળતા અને બિનજરૂરી અથવા અપ્રચલિત થઈ ગયેલી જોગવાઈઓને દૂર કરવાનો સમાવેશ થાય છે. આવકવેરા વિભાગને આવકવેરા કાયદાની સમીક્ષા માટે હિતધારકો પાસેથી આશરે 6,500 જેટલા મૂલ્યવાન સૂચનો પ્રાપ્ત થયા છે.
નવા આવકવેરા બિલને મંજૂરી મળવાથી કરદાતાઓને આશા છે કે હવે કર પ્રણાલી વધુ સરળ અને પારદર્શક બનશે. આ બિલના સંસદમાં રજૂ થયા બાદ તેના પર વિસ્તૃત ચર્ચા થશે અને કાયદો બન્યા પછી તે અમલમાં આવશે.
આ પણ વાંચો....
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
