Gujarat Local Body Election : રાજ્યની 68 પાલિકામાં 2 વાગ્યા સુધીમાં સરેરાશ 34 ટકાથી વધુ મતદાન
ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નિરસ મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે.

અમદાવાદ: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં નિરસ મતદાને રાજકીય પક્ષોની ચિંતા વધારી છે. છેલ્લા સાત કલાકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં મતદાનની ઓછી ટકાવારી જોવા મળી રહી છે. રાજ્યની 68 પાલિકામાં 2 વાગ્યા સુધીમાં સરેરાશ 34 ટકાથી વધુ મતદાન થયું છે. જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં સરેરાશ 25 ટકા મતદાન થયું છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 40.96 ટકા મતદાન થયું છે. કપડવજ તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 36.95 ટકા મતદાન થયું છે. કઠલાલ તાલુકા પંચાયતમાં અત્યાર સુધીમાં 37.50 ટકા મતદાન થયું છે.
અંદાજે 38 લાખ જેટલા મતદારો આ ઉમેદવારોના ભાવિનો નિર્ણય કરશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની કુલ 213 બેઠકો બિનહરિફ જાહેર થઈ ચૂકી છે. જ્યારે જૂનાગઢ મહાનગરપાલિકાની 15 વોર્ડની 60 બેઠકોમાંથી 8 બેઠકો બિનહરિફ જાહેર થઈ છે. રાજ્યમાં મતદાન વચ્ચે અનેક જગ્યાએથી ઈવીએમ બંધ થયાની ફરિયાદો મળી છે.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં નિરસ મતદાન
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં નિરસ મતદાન અહીં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. સંત શેરનાથ બાપુ વોટિંગ કરવા પહોંચ્યા હતા. ભવનાથ તળેટીમાં આવેલી ભવનાથ પ્રા. શાળામાં તેમણે મતદાન કર્યું હતું. શેરનાથ બાપુએ લોકશાહીના પર્વમાં ભાગ લેવા મતદારોને અપીલ કરી હતી.
EVMમાં ખામી સર્જાઈ હોવાની ફરિયાદ
નવસારીની બીલીમોરા પાલિકાની ચૂંટણીમાં EVMમાં ખામી સર્જાઈ હોવાની ફરિયાદ ઉઠી છે. વોર્ડ નં 2ના બૂથ પર EVM મશીનમાં ખામી હોવાની કોંગ્રેસે ફરિયાદ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે રી-વોટિંગની માગ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે EVM મશીન પર સવાલ ઉઠાવ્યાં છે. દોઢ કલાકથી વધુ સમયથી EVMમાં ખામી છતા મશીન ન બદલાયાનો આરોપ લગાવ્યો છે. EVM શરૂ ન થતા મતદારોએ પરત જવાની ફરજ પડી હતી.
ભાજપ અને બસપાના કાર્યકરો વચ્ચે બબાલ
છોટા ઉદેપુરમાંથી બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં મતદાન દરમિયાન બૂથની બહાર ભાજપ અને બસપાના કાર્યકરો વચ્ચે ગાળાગાળી સાથે બબાલ થઇ હતી. ગુજરાતમાં તમામ મતદાન કેન્દ્રો પર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. છોટા ઉદેપુરમાં બસપા અને ભાજપના સમર્થકો એકબીજા સાથે ઝઘડતા જોવા મળ્યા, પાલિકાની ચૂંટણીમાં મતદાન દરમિયાન મતદાન મથક પર બસપાના મહિલા સમર્થક અસભ્ય વર્તન અને અસભ્ય ભાષાનો પ્રયોગ કરીને બબાલ કરી રહ્યાં હતા, આ દરમિયાન ભાજપ સમર્થક કાર્યકર્તા ગિન્નાયા અને વાણીવિલાસ રોકવા અને સંભાળીને બોલવા ટકોર કરી હતી, આ પછી બન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઇ હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
