Gujarat Election: BJP રીવાબા, હાર્દિક, શંકર ચૌધરી, અલ્પેશ સહિતના આ ચહેરાઓને આપી શકે છે ટિકિટ, જાણો સંભવિત યાદી
મંગળવારે (8 નવેમ્બર) દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુજરાત ચૂંટણીને લઈને ભાજપના કોર ગ્રૂપની બેઠક યોજાઈ હતી.
Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને હલચલ વધી રહ્યી છે. મંગળવારે (8 નવેમ્બર) દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને ગુજરાત ચૂંટણીને લઈને ભાજપના કોર ગ્રૂપની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના મોટા નેતાઓ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ હિમાચલ પ્રદેશની જેમ ગુજરાતમાં પણ ઘણા વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે.
ભાજપ 20થી 25 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકેઃ
અમિત શાહના નિવાસસ્થાને બેઠક બાદ તમામ નેતાઓ પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. અહીં અમિત શાહ, જેપી નડ્ડાએ ગુજરાતના પાર્ટી નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારો અંગે વિચારણા કરવા બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ભાજપ 20થી 25 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે. ઘણા વરિષ્ઠ ધારાસભ્યોની ટિકિટ પણ કાપવામાં આવશે. અગાઉ સોમવારે અમિત શાહના નિવાસસ્થાને મેરેથોન બેઠક યોજાઈ હતી જેમાં ગુજરાત ભાજપના નેતાઓએ ભાગ લીધો હતો.
ટિકિટ કોને મળી શકે?
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાને ભાજપ તરફથી ટિકિટ મળી શકે છે. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, કુબેર ડીંડોર, જીતુ ચૌધરી, દિલીપ ઠાકોર, જયેશ રાદડિયા, ઈશ્વર પટેલ, સંગીતા પાટીલ, શંકર ચૌધરી, નરેશ પટેલ, જગદીશ પંચાલને ટિકિટ મળી શકે છે.
હાલ સૂત્રો દ્વારા આ સંભવિત નામોને ટિકિટ મળવાની પુરી શક્યતા હોવાનું જણાવાયું છે. મહત્વનું છે કે, આવતીકાલે 9 નવેમ્બરની મોડી સાંજ સુધી અથવા 10 નવેમ્બરે બપોર સુધીમાં ભાજપ પોતાની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.
રૂપાણી સરકારમાં મંત્રી રહેલા આઠ MLAની કપાઇ શકે છે ટિકિટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, રૂપાણી સરકારમાં મંત્રી રહેલા આઠ ધારાસભ્યોની ટિકિટ કપાઇ શકે છે. સૂત્રના મતે કેટલાક પૂર્વ મંત્રીઓની ટિકિટ કાપી નવા ચહેરાઓને ભાજપ ટિકિટ આપે તેવી શક્યતા છે. 100થી વધુ બેઠકો પર ભાજપે ત્રણ-ત્રણ ઉમેદવારોના નામની પેનલ તૈયાર કરી છે. આવતીકાલે પાર્લામેન્ટ્રી બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
સૂત્રોના મતે 10 નવેમ્બર બપોર સુધીમાં ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. ભાજપ હું ખુશ છું નામનું ચૂંટણી કેમ્પેઇન લોન્ચ કરશે. ભાજપના અનેક મોટા નેતાઓની ટિકિટ કપાઇ શકે છે. ભાજપ વધુ નવા ચહેરાઓને ટિકિટ આપશે. એક ડઝનથી વધુ મહિલાઓને ભાજપ ટિકિટ આપી શકે છે.