(Source: ECI/ABP News/ABP Majha)
Maharashtra Cabinet Decision: ઉદ્ધવ ઠાકરે કેબિનેટનો મોટો નિર્ણય, 'ઔરંગાબાદ'નું નામ બદલીને 'સંભાજીનગર' કર્યું, ઉસ્માનાબાદનું નામ પણ બદલ્યુ
ખુરશીના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે ઔરંગાબાદ શહેરનું નામ 'સંભાજીનગર' રાખવાની મંજૂરી આપી છે
Maharashtra Cabinet Decision: ખુરશીના સંકટ વચ્ચે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે મોટો નિર્ણય લીધો છે. કેબિનેટે ઔરંગાબાદ શહેરનું નામ 'સંભાજીનગર' રાખવાની મંજૂરી આપી છે. જ્યારે ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને 'ધારાશિવ' કરવામાં આવ્યું છે. નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને સ્વ. ડીબી પાટીલ ઈન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું છે. નોંધનીય છે કે ઘણા સમયથી ઔરંગાબાદ શહેરનું નામ બદલવાની માંગ કરવામાં આવી રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર કેબિનેટની બેઠક દરમિયાન અનેક મંત્રીઓએ નામ બદલવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ઉપરાંત નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ પણ બદલવામાં આવ્યું છે. કેબિનેટે આ એરપોર્ટનું નામ સ્વ.દિનકટ બાલુ પાટીલ રાખ્યું છે. દિનકટ બાલુ પાટીલ ખેડૂત નેતા અને સાંસદ રહી ચૂક્યા છે.
Maharashtra state cabinet approves the renaming of Aurangabad to Sambhaji Nagar and Osmanabad to Dharashiv. Navi Mumbai Airport's name will be changed to DB Patil International Airport.
— ANI (@ANI) June 29, 2022
મહારાષ્ટ્ર સરકારે આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે રાજ્યપાલે ગુરુવારે ફ્લોર ટેસ્ટનો સામનો કરવાનું કહ્યું છે. જોકે શિવસેનાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જો સુપ્રીમ કોર્ટનો નિર્ણય પક્ષમાં નહીં આવે તો ઉદ્ધવ ઠાકરેને ખુરશી ગુમાવવી પડી શકે છે. આ દરમિયાન કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તમે મને અઢી વર્ષ સપોર્ટ કર્યો. આ બદલ તમામ લોકોનો આભાર. આ અઢી વર્ષમાં મારાથી ભૂલ થઈ ગઇ હોય, મારાથી અપમાન થયું હોય તો માફ કરશો.
એકનાથ શિંદેએ શું કર્યો દાવો?
એકનાથ શિંદેએ શિવસેનામાં બળવો કર્યો છે. શિંદેનો દાવો છે કે તેમની પાસે અપક્ષ સહિત 50 ધારાસભ્યો છે. આજે પણ તેમણે દાવો કર્યો હતો કે અમારી પાસે બે તૃતીયાંશથી વધુ ધારાસભ્યોનું સમર્થન છે, કોઈપણ ફ્લોર ટેસ્ટ જરૂરી સંખ્યા કરતા વધુ સાબિત થશે.