કેન્દ્રીય મંત્રીનો મોટો દાવોઃ મહારાષ્ટ્ર સરકારના 25 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં
કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ શુક્રવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનના ઓછામાં ઓછા 25 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ શુક્રવારે દાવો કર્યો હતો કે મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી (MVA) ગઠબંધનના ઓછામાં ઓછા 25 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં છે. રાવસાહેબ દાનવેએ એમ પણ કહ્યું કે 2019માં સીટ વહેંચણીની વાટાઘાટો દરમિયાન ભાજપ દ્વારા તેમને મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી ન હતી.
કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "ઓછામાં ઓછા મહારાષ્ટ્ર સરકારના કુલ 25 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે કારણ કે તેઓ નાખુશ છે. જોકે, તેમણે ધારાસભ્યોના નામ જાહેર કરવાનો ઇનકાર કર્યો હતો.
મહારાષ્ટ્રમાં MVA ગઠબંધન શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસને એક મંચ પર લાવીને રચવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભા ચૂંટણી બાદ શિવસેના બીજેપીથી અલગ થયા બાદ આ ગઠબંધન થયું હતું.
શિવસેના પર કટાક્ષ કરતા દાનવેએ આરોપ લગાવ્યો કે તે તેની હિંદુત્વ વિચારધારાથી ભટકી ગયા છે. તેમણે કહ્યું કે, પાર્ટીને 2019ની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે વોટ મળ્યા હતા, પરંતુ બાદમાં તેમણે (શિવસેના) ભાજપની પીઠમાં છરો માર્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું, "હાલની શિવસેના બાળાસાહેબ ઠાકરેની સેના નથી પરંતુ તે ઉદ્ધવ ઠાકરે અને અબ્દુલ સત્તાર (રાજ્ય સરકારમાં મંત્રીઓ)ની સેના છે." દાનવેએ જણાવ્યું હતું કે, તેઓ 2019માં ઠાકરે પરિવારના નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે ભાજપના નેતાઓ અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, આશિષ શેલાર અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે બંધ બારણે ચર્ચા દરમિયાન હાજર હતા. તેમણે દાવો કર્યો હતો કે તે સમયે મુખ્યમંત્રી પદ અંગે કોઈ ચર્ચા થઈ ન હતી. તેમણે શિવસેનાના એ દાવાને નકારી કાઢ્યો હતો કે, બંને સાથી પક્ષો નિર્ધારિત સમય પછી મુખ્યમંત્રી પદ બદલવા માટે સહમત થયા હતા.
આ પણ વાંચોઃ