UK Politics: શું ભારતીય મૂળના ઋષિ સુનક બનશે બ્રિટનના પ્રધાનમંત્રી? જાણો કોણ-કોણ છે રેસમાં...
બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન આખરે કંજર્વેટિવ પાર્ટીના નેતાના પદ પરથી હટવા માટે આજે ગુરુવારે તૈયાર થઈ ગયા છે.
UK Political Crisis: બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસન આખરે કંજર્વેટિવ પાર્ટીના નેતાના પદ પરથી હટવા માટે આજે ગુરુવારે તૈયાર થઈ ગયા છે. જો કે, નવા નેતાની પસંદગી ના થાય ત્યાં સુધી બોરીસ જોનસન બ્રિટનના પ્રધાનમંત્રી પદ પર ચાલુ રહેશે. ત્યારે હવે એ પ્રશ્ન પણ થઈ રહ્યા છે કે, બોરીસ જોનસન ગયા પછી બ્રિટનના પ્રધાનમંત્રી કોણ બનશે. પ્રધાનમંત્રીની રેસમાં ઘણા નામ છે જેમાંથી કેટલાક મુખ્ય નામો અમે તમને જણાવી રહ્યા છીએ.
ઋષિ સુનકનું નામ સૌથી આગળઃ
ભારતીય મૂળના ઋષિ સુનક યુકેના પ્રધાનમંત્રી પદની રેસમાં સૌથી આગળ છે. ઋષિ સુનકે બોરીસ જોનસનના ચૂંટણી પ્રચારમાં ઘણી મદદ કરી હતી અને મહત્વની ભૂમિકા ભજવી હતી. ઘણી વખત એવું પણ બન્યુ હતું કે, ઋષિ સુનક બોરીસ જોનસનના બદલે ટીવી ચર્ચાઓમાં ભાગ લેતા હતા. ઋષિ સુનક 2015માં પહેલી વખત સાંસદ બન્યા હતા. બ્રેક્ઝિટનો સંપુર્ણ રીતે સમર્થન કરીને તે પોતાની પાર્ટીમાં બળવાન નેતા બની ગયા છે. ઋષિ સુનકના દાદા-દાદી પંજાબના રહીશ છે. ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે ઋષિએ લગ્ન કર્યા છે.
આ છે પીએમ પદના બાકીના દાવેદારઃ
બ્રિટનના પીએમ પદના દાવેદારની આ યાદીમાં બીજું નામ 46 વર્ષીય એલિઝાબેથ મૈરી ટ્રસ (લિઝ ટ્રસ)નું આવે છે. હાલના દિવસોમાં લિઝ ખુબ લોકપ્રિય નેતા છે. ગયા વર્ષે તેમને યૂરોપિય સંઘ સાથે વાતચીત કરવાનું મહત્વનું કામ સોંપાયું હતું.
આ યાદીમાં ત્રીજું નામ 55 વર્ષીય જેરેમી હંટનું છે. તેઓ 2019ની ચૂંટણીમાં સૌથી વધુ લોકપ્રિય નેતા હતા. તેમની જાહેર છબી પર કોઈ દાગ પણ નથી. પાર્ટીના લોકોને વિશ્વાસ છે કે, જેરેમી કોઈ વિવાદ વગર ગંભીરતાથી સરકાર ચલાવશે.
પીએમ પદના દાવેદારમાં નદીમ જહાવીનું નામ પણ છે. ઋષિ સુનકના રાજીનામા બાદ બોરીસ જોનસને તેમને જ નાણા મંત્રી તરીકે નિયુક્ત કર્યા હતા. નદીમ જ્યારે નાના હતા ત્યારે તેમનો પરિવાર એક શરણાર્થી તરીકે બ્રિટનમાં આવ્યો હતો. નદીમ જહાવી 2010માં પહેલી વખત સાંસદ બન્યા હતા.
બ્રિટનના પીએમના દાવેદારમાં આગળનું નામ બેન વાલેસનું છે. બેન વાલેસ રક્ષા મંત્રી છે. તેમણે બ્રિટીશ શાહી સેનામાં સેવા પણ કરી છે. તેઓ રશિયા-યુક્રેન યુદ્ધમાં બ્રિટનના વલણને લઈ ચર્ચામાં આવ્યા હતા. યુક્રેનમાં સૈન્ય સહાય આપવામાં બેન વાલેસની મહત્વની ભૂમિકા રહી છે. આ સિવાય સાજિદ વાજીદનું નામ પણ પીએમ પદની યાદીમાં આવે છે.