Credit Card: ગુજરાતમાં 50 ટકાથી વધુ ક્રેડિટ કાર્ડ ધારકોના સિબિલ સ્કોર ખરાબ, 40 ટકા લોનના સેટલમેન્ટમાં બેન્કોને ધી-કેળાં, વાંચો સ્ટૉરી
750થી વધુનો ક્રેડિટ સ્કોર વધુ સારો માનવામાં આવે છે. જેમની પાસે 750 કે તેનાથી વધુ સ્કોર છે તે વિવિધ પ્રકારની લોન મેળવવા માટે યોગ્ય બની શકે છે.
અમદાવાદ: આજના વાસ્તવિક યુગમાં લૉન તમામને માટે ખુબ મદદરૂપ સાબિત થઇ રહી છે, પરંતુ તેનો બીજો અર્થ લોન...ન...લો... એ પણ યથાર્થ રીતે પુરવાર થઇ રહ્યું છે. અગાઉના સમયમાં વ્યક્તિની ક્રેડિટ તેના પર કોઇ દેવું (લોન) ન હોય તે હતી જ્યારે હવેનો સમય બદલાઇ ગયો છે. લોન નથી તો તમારી કોઇ ક્રેડિટ નથી... અને છે તો સમયસર ભરતા નથી તો પણ ક્રેડિટ નથી...હોમ-ઓટો, પર્સનલ, મોર્ગેજ, એજ્યુકેશન, બિઝનેસ લોન મેળવવા માટે બેન્કો તથા એનબીએફસી કંપનીઓ સૌ પ્રથમ તમારા સિબિલ સ્કોરની ચકાસણી કરે છે અને ત્યારબાદ લોન મંજૂર કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ક્રેડિટ કાર્ડ (પ્લાસ્ટિક મની)નો વપરાશ ઝડપભેર વધ્યો છે તેના કારણે ક્રેડિટ કાર્ડ ધારકોમાંથી ગુજરાતના 50 ટકાથી વધુના સિબિલ સ્કોર નબળા છે એટલું જ નહિં ક્રેડિટ કાર્ડ પર આપેલ લોન સમયસર ન ભરતા ગ્રાહકો સાથે બેન્કો સેટલમેન્ટ કરે છે તેવું બેન્કિંગ સેક્ટરના નિષ્ણાતોનું કહેવું છે. પરંતુ જ્યારે કોઇ વ્યક્તિ લોન લેવા જાય છે અને તેનો સિબિલ સ્કોર 750થી નીચે છે તો આવા સંજોગોમાં બેન્ક તપાસે છે કે તેમણે અગાઉની લોન લીધી છે તે પૂર્ણ કરી છે અને જો પૂર્ણ કરી હશે તો ગ્રાહકને અડધાથી એક ટકા વધુ વ્યાજ સાથે લોનની ઓફર કરવામાં આવી રહી છે. અનેક બેન્કો-એનબીએફસી કંપનીઓ આ પ્રકારે ધિરાણ કરી રહી છે.
ક્રેડિટ સ્કોર શું છે
વ્યક્તિનો ક્રેડિટ સ્કોર 300 અને 900ની વચ્ચેનો હોય છે. જે તેની શાખ કે ક્રેડિટનું માપ છે. સરળ શબ્દોમાં કહીએ તો ક્રેડિટ સ્કોર તમારી ચુકવણીની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તમારી લોનની પાત્રતા નક્કી કરે છે. 750થી વધુનો ક્રેડિટ સ્કોર વધુ સારો માનવામાં આવે છે. જેમની પાસે 750 કે તેનાથી વધુ સ્કોર છે તે વિવિધ પ્રકારની લોન મેળવવા માટે યોગ્ય બની શકે છે. જ્યારે નીચો સ્કોર તમને લોન મેળવવામાં મુશ્કેલી સર્જે છે.
ક્રેડિટ સ્કોરની સ્થિતી
ક્રેડિટ સ્કોર પરિણામ
300-550 - ઘણો નીચો સ્કોર ધિરાણ ન મળી શકે
550-700 - ધિરાણ મળવામાં સંભાવના 20-25 ટકા
750 - ઉપરનો સ્કોર ધિરાણ માટે યોગ્ય
850-900 -આ સ્કોર ઉત્તમ, ઝડપી ધિરાણ મળે
સ્કોર ખરાબ છે કહી ગ્રાહકોને ગુમરાહ કરતી બેંકો
લોન લેવા માટે અગાઉની હિસ્ટ્રી બેન્કો પાસે આધાર અને પાનકાર્ડ નંબર નાખતા જ ખુલી જાય છે. જો કોઇ વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો તે બેન્કને ખબર છે કે ક્રેડિટ સ્કોર શા માટે ખરાબ છે. લોન લેનાર ગ્રાહકે અગાઉ લીધેલી લોન ભરપાઇ કરી છે પરંતુ અગાઉ ક્યારેક લોન લેઇટ ભરી હશે તો પણ સ્કોર ખરાબ થયો હશે જે બેન્કને ખબર છે માટે તેઓ ગ્રાહકો પાસેથી લોનની જરૂરીયાતને ધ્યાનમાં રાખી અડધાથી દોઢ ટકા સુધી વધુ વ્યાજ આપવું પડશે તેવું કહી લોન આપી રહ્યાં છે.
વિવિધ સેગમેન્ટમાં લોનના વ્યાજદર
સેગમેન્ટ બેન્કના વ્યાજદર નબળા ક્રેડિટ સ્કોર માટે
હોમ 8.50-9.50 9.00-11.00
ઓટો 9.50-11.50 11.00-13.50
પર્સનલ 13.50-15.50 15.50-17.50
એજ્યુકેશન 10.00-11.50 10.75-12.50
90 ટકાથી વધુ લોકોને ખબર નથી કે ક્રેડિટ સ્કોર અપડેટ થઇ શકે
લોન લેવા માટેનું પ્લેટફોર્મ ક્રેડિટ સ્કોર છે. પરંતુ એવું નથી કે ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો લોન ન મળી શકે. તમારો ક્રેડિટ સ્કોર તમે અપડેટ કરાવી શકો છો. અગાઉના બાકી ધિરાણ પૂર્ણ કરી તમારો ક્રેડિટ સ્કોર અપડેટ થઇ શકે. જે લોકોએ લોન ભરી છે પરંતુ સ્કોર ખરાબ છે તો પણ તમે અપડેટ કરાવી શકો છો.
- અપૂર્વ ભગત, સીઇઓ અપૂર્વ ક્રેડિટ કાઉન્સેલિંગ સર્વિસ.
ક્રેડિટ કાર્ડની લોન પર 40 ટકા સેટલમેન્ટ...!
ક્રેડિટ કાર્ડના યુગમાં યુવાવર્ગ એટલે કે 22-45 વર્ષની ઉંમરના લોકો છે સૌથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં છે. લાઇફસ્ટાઇલ પાછળ સૌથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થઇ રહ્યો છે અને ક્રેડિટ પર લેવાતી લોનના 40 ટકા પેમેન્ટ ભરાતા નથી પરિણામે વ્યાજના વ્યાજનો બોજો આવે છે અને અંતે બેંક અને ગ્રાહક વચ્ચે સેટલમેન્ટ થઇ રહ્યાં છે...