Demonization in India: મોદી સરકારે આજથી પાંચ વર્ષ પહેલા આજના દિવસે બંધ કરી દીધી હતી 500 અને 1000ની ચલણી નોટ, જાણો વિગત
Demonization in India: નોટબંધીનો ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના રૂપમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. તે સમયે સૌથી મોટો વાયદો સિસ્ટમમાં રહેલા કાળા નાણા પર રોક લગાવવાનો કરવામાં આવ્યો હતો
Demonization in India: 2016માં આજના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાત્રે આઠ વાગ્યે દેશને સંબોધન કર્યુ હતું અને 500 તથા 1000ની નોટને ગેરકાયદે જાહેર કરી હતી. આ ફેંસલો જે સમયે લેવામાં આવ્યો ત્યારે ચલણમાં રહેલી કરન્સીની 80 ટકાથી વધુ હિસ્સો આ બંને નોટોનો હતો. આ સમયે દેશમાં બેંકો બહાર લાંબી લાંબી લાઈનો લાગી હતી.
નોટબંધીનો ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવાના રૂપમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. તે સમયે સૌથી મોટો વાયદો સિસ્ટમમાં રહેલા કાળા નાણા પર રોક લગાવવાનો કરવામાં આવ્યો હતો અને આ રૂપિયા સીધા બેંકમાં જમા કરાવવાનો નિર્દેશ અપાયો હતો. આ દરમિયાન અનેક લોકોએ નોટબંધીના આ ફેંસલાને ભ્રષ્ટાચાર પર સર્જિકલ સ્ટ્રાઇક પણ કહી હતી.
નોટબંધી બાદ શું આવ્યો બદલાવ
આંકડા પર નજર કરવામાં આવે તો પાંચ વર્ષ બાદ દેશમાં કરન્સી નોટનું ચલણ વધી રહ્યું છે. જોકે ડિજિટલ પેમેન્ટ પણ વધી રહ્યું છે અને લોકો કેશલેસ પેમેન્ટ તરફ વળ્યા છે. નોટબંધીમાં 500 અને 1000ની જૂની નોટ બંધ કરી દેવામાં આવી હતી. તેના થોડા દિવસો બાદ 500ની નવી નોટ અને 2000 રૂપિયાની નોટ સરકારે બહાર પાડી હતી. નોટબંધી બાદ ઘણા દિવસો સુધી દેશમાં અફડા તફડીનો માહોલ હતો. લોકોએ જૂની નોટ જમા કરાવવા અને નવી નોટ મેળવવા બેંકોમાં લાઈનો લગાવી હતી.
નોટબંધી પહેલા શું હતી સ્થિતિ
રિઝર્વ બેંકના આંકડા મુજબ નોટબંધી પહેલા 4 નવેમ્બર 2016ના રોજ દેશમાં ચલણમાં રહેલા કુલ નોટોનું મૂલ્ય 17.74 લાખ કરોડ રૂપિયા હતું. પરંતુ 2021માં 29 ઓક્ટોબર સુધીમાં 29.17 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. એટલે ક નોટબંધી બાદ અત્યાર સુધીમાં વેલ્યૂના હિસાબે નોટના સર્કુલેશનમાં આશરે 64 ટકાનો વધારો થયો છે.
RBIએ શું કહ્યું હતું રિપોર્ટમાં
રિઝર્વ બેંકે 2018ના એક રિપોર્ટમાં કહ્યું હતું કે, નોટબંધી બાદ આશરે 99 ટકા કરન્સી સિસ્ટમમાં પરત આવી ગઈ છે. એટલું જ નહીં અનેક સેક્ટરમાં કેશ ટ્રાન્ઝેક્શનમાં ઘટાડો થયો છે.