(Source: ECI/ABP News/ABP Majha)
લોકો ક્રેડિટ કાર્ડ દ્વારા બેફામ ખર્ચ કરી રહ્યા છે, બાકી લેણી રકમ 1.87 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ પહોંચી
ક્રેડિટ કાર્ડના ઉપયોગના માસિક વલણો વિશે વાત કરતા રાવે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચમાં સતત વધારો થયો છે.
Credit Card Spending: કોવિડ-19 રોગચાળા પછી ગ્રાહકનો વધતો વિશ્વાસ અને ઝડપી ડિજિટાઇઝેશનને કારણે જાન્યુઆરી 2023માં ક્રેડિટ કાર્ડની લેણી રકમ 29.6 ટકા વધીને 1.87 લાખ કરોડ રૂપિયાની જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના તાજેતરના ડેટા અનુસાર, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 10 મહિનામાં ક્રેડિટ કાર્ડની બાકી રકમમાં 20 ટકાથી વધુનો વધારો થયો છે. જૂનમાં મહત્તમ વધારો 30.7 ટકા હતો.
એસબીઆઈ કાર્ડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રામા મોહન રાવ અમરાએ જણાવ્યું હતું કે ઘણી શ્રેણીઓના ડિજિટાઈઝેશનને કારણે વર્તમાન ગ્રાહકો તેમના ક્રેડિટ કાર્ડ દ્વારા વધુ ખર્ચ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સરળ ચૂકવણી કરવાની સુવિધાએ ચોક્કસપણે વૃદ્ધિમાં ફાળો આપ્યો છે, ખાસ કરીને આરોગ્ય અને ફિટનેસ, શિક્ષણ, પાણી-વીજળીના બિલ વગેરે જેવી શ્રેણીઓમાં ઉપયોગ વધુ જોવા મળ્યો છે.
11 મહિનામાં એક લાખ કરોડથી વધુનો વધારો
ક્રેડિટ કાર્ડના ઉપયોગના માસિક વલણો વિશે વાત કરતા રાવે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક મહિનામાં ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચમાં સતત વધારો થયો છે. આ વર્ષે જાન્યુઆરીમાં ક્રેડિટ કાર્ડ દ્વારા 1.28 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, જે ડિસેમ્બર 2022માં 1.26 લાખ કરોડ રૂપિયા હતા. રાવે કહ્યું કે આ વધારો વાર્ષિક ધોરણે 45 ટકા છે અને છેલ્લા 11 મહિનાથી ક્રેડિટ કાર્ડ પરનો ખર્ચ એક લાખ કરોડ રૂપિયાથી વધુ રહ્યો છે.
બાકી રકમમાં સતત વધારો
જાન્યુઆરી 2023 ના અંત સુધીમાં, વિવિધ બેંકોએ લગભગ 8.25 કરોડ ક્રેડિટ કાર્ડ જારી કર્યા હતા. ક્રેડિટ કાર્ડ જારી કરવાની બાબતમાં, દેશની ટોચની પાંચ બેંકોમાં HDFC બેંક, SBI કાર્ડ, ICICI બેંક, એક્સિસ બેંક અને કોટક બેંકનો સમાવેશ થાય છે. રિઝર્વ બેંકના ડેટા એ પણ દર્શાવે છે કે ક્રેડિટ કાર્ડની બાકી રકમમાં વાર્ષિક વૃદ્ધિ જાન્યુઆરી 2023માં 29.6 ટકા હતી, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં લગભગ 10 ટકા હતી. જાન્યુઆરી 2022માં બાકી રકમ 1,41,254 કરોડ રૂપિયા હતી, જે જાન્યુઆરી 2023માં વધીને 1,86,783 કરોડ રૂપિયા થઈ ગઈ છે.